જ. ૨૦ ડિસેમ્બર, ૧૮૯૮ અ. ૩ માર્ચ, ૧૯૭૦
સાહિત્ય, તત્ત્વજ્ઞાન અને લલિતકલા જેવા ક્ષેત્રના જાણકાર ચૈતન્યપ્રસાદ દીવાનજીનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમના પિતાનું નામ મોતીલાલ. તેઓ કચ્છના અગ્રણી નાગરિક હતા. કચ્છના દીવાનપદાની યશસ્વી કારકિર્દીને કારણે તેમને દીવાનજી અટક પ્રાપ્ત થઈ હતી. ચૈતન્યપ્રસાદે અમદાવાદમાં શિક્ષણ લીધા બાદ સંસ્કૃતનો અભ્યાસ પણ કર્યો. ૧૯૨૦માં અસહકારના આંદોલનમાં જોડાયા અને સરકારી કૉલેજનો ત્યાગ કર્યો. તે પછી ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવ્યો. ત્યાંથી સ્નાતક થયા બાદ શહેરની સંસ્કારપ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ગુજરાતના સાહિત્યસંસ્કારને ઉત્તેજન આપવા માટે તેઓ કાર્યરત બન્યા. સ્વ. રણજિતરામ દ્વારા સ્થપાયેલી અમદાવાદની ‘ગુજરાત સાહિત્ય સભા’ સંસ્થાના મંત્રીપદ દરમિયાન પહેલી ‘ગુજરાત ઇતિહાસ પરિષદ’ અને ‘રંગભૂમિ પરિષદ’નાં તેમણે આયોજન કરેલાં. તેઓ ૧૯૨૮થી ૧૯૫૫ સુધી અને ૧૯૫૮થી ૧૯૭૦ સુધી ગુજરાત સાહિત્ય સભાના મંત્રી હતા. શ્રી રવિશંકર રાવળ દ્વારા ૧૭ વર્ષ સુધી ચલાવાયેલું ‘કુમાર’ માસિક આર્થિક કારણોસર બંધ કરવાનો નિર્ણય લેવાયો ત્યારે ચૈતન્યપ્રસાદે આ માસિક ચાલુ રહે તે માટે ‘કુમાર’ કાર્યાલયને લિમિટેડ સંસ્થામાં ફેરવીને તેને જીવતદાન આપ્યું. રણજિતરામ સુવર્ણચંદ્રક તથા વાઙમય સમીક્ષા જેવી ગુજરાત સાહિત્યસભાની પ્રશંસનીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં તેમનો સિંહફાળો છે. તેઓ ક્રિકેટ અને કુસ્તી જેવી રમતગમતોમાં પણ ખૂબ રસ ધરાવતા. રાષ્ટ્રીય લડતની શરૂઆતથી માંડીને જીવનના અંત સુધી ખાદી અને સ્વદેશી ચીજવસ્તુઓના આગ્રહી રહેલા.
શુભ્રા દેસાઈ