ચૈતન્ય મહાપ્રભુ


જ. ૨૭ ફેબ્રુઆરી, ૧૪૮૫ અ. ૯ જુલાઈ, ૧૫૩૩

મધ્ય ગૌડ સંપ્રદાયના સ્થાપક અને નામસંકીર્તનના પ્રવર્તક. જગન્નાથ મિશ્ર અને શચીદેવીનું દસમું સંતાન નિમાઈ-વિશ્વંભર. તેમના મોટા ભાઈ વિશ્વરૂપ. મોટા ભાઈ વિશ્વરૂપ સંસાર ત્યજી અદ્વૈત સંન્યાસી થઈ ગયા હોવાથી નિમાઈ-વિશ્વંભરને ખૂબ લાડમાં ઉછેરવામાં આવેલા. નિમાઈ ગૌર વર્ણના હોવાથી ગૌરહરિ, ગૌરાંગ કે ગોરાચાંદ નામે પણ ઓળખાતા. તેઓ એક મેધાવી, પ્રતિભાસંપન્ન વિદ્યાર્થી હતા, વળી વ્યાકરણ ઉપરાંત અલંકાર અને ન્યાયશાસ્ત્રમાં પણ પ્રવીણ થયા. ન્યાયશાસ્ત્રમાં પ્રસિદ્ધ ગ્રંથ ‘દીધિતિ’ લખનાર પંડિત રઘુનાથને પ્રસન્ન રાખવા તે જ વિષય પરનો પોતાનો ગ્રંથ ગંગામાં પધરાવી દીધો હતો. ૧૬ વર્ષની ઉંમરે નિમાઈ પંડિતે મુકુંદ સંજયના ચંડીમંડપમાં પોતાની પાઠશાળા આરંભી. તેમનું પ્રથમ લગ્ન લક્ષ્મીદેવી સાથે થયું હતું. પણ છાત્રો સાથે યાત્રાએ ગયા હતા અને પાછા ફર્યા તે દરમિયાન લક્ષ્મીદેવીનું સર્પદંશથી અવસાન થયેલું. માતાના આગ્રહથી તેમનું બીજું લગ્ન વિષ્ણુપ્રિયા સાથે થયું. પણ માત્ર ત્રેવીસ વર્ષની ભરયુવાન વયે વિશ્વંભર-નિમાઈએ શ્રી શંકરાચાર્યની ભારતીશાખાના શ્રી કેશવભારતી પાસે પૂર્ણવિધિપૂર્વક સંન્યાસદીક્ષા લીધી. ગુરુએ આપેલા નામ પ્રમાણે ‘કૃષ્ણ ચૈતન્ય’ થયા. હવે શ્રી ચૈતન્યનું મુખ્ય નિવાસધામ જગન્નાથપુરી બન્યું. અહીં પરમ વૈષ્ણવ ભક્ત તરીકે પ્રસિદ્ધ અને સન્માન્ય થઈ ચૂકેલા શ્રી ચૈતન્યે અનેક વિદ્વાનોનો આદર પ્રાપ્ત કર્યો. શ્રી ચૈતન્ય ઝારખંડને માર્ગે થઈ વૃંદાવનની યાત્રાએ ગયા. આ યાત્રાએથી પાછા ફર્યા પછી તેમણે નીલાચલની બહાર પગ મૂક્યો ન હતો. આયુષ્યનાં છેલ્લાં ૧૨ વર્ષો પ્રેમોન્માદ દશામાં અંતેવાસીઓએ રાતદિવસ સંભાળ રાખવી પડતી. નામ સંકીર્તન અને મહામંત્રનો પ્રચાર તથા મધુરભાવની સાધના એ બે શ્રી ચૈતન્યનાં અવતારકાર્ય ગણાય છે. બંગાળના બાઉલ સંગીતભક્તો તેમને પોતાના આદિ પ્રવર્તક માને છે. આ ઉપરાંત ‘ઇસ્કોન’ના કૃષ્ણભક્તો ‘હરે કૃષ્ણ હરે રામ’ની જે ધૂન ગાય છે તે પણ શ્રી ચૈતન્ય મહાપ્રભુની દેન છે. તેમની જ પ્રેરણાથી વૃંદાવનના છ ગોસ્વામીઓનું મંડળ અને ત્યારપછી તેમાંથી જ સંપ્રદાય સર્જાય છે. એક લોકશ્રુતિ પ્રમાણે તેમણે સમુદ્રમાં ઝંપલાવી સમાધિ લીધી જ્યારે બીજી લોકશ્રુતિ પ્રમાણે ભગવાન જગન્નાથને આલિંગન આપી મૂર્તિમાં લીન થઈ ગયા. તેમના અંતરંગ મંડળમાં શ્રી નિત્યાનંદ મુખ્ય હતા તેથી ‘નિતાઈ’ અને ‘નિમાઈ’નાં નામ નામસંકીર્તનમાં જોવા મળે છે.

રાજશ્રી મહાદેવિયા