જંગલી બિલાડી (Jungle cat)


સસ્તન વર્ગની માંસાહારી (Carnivora) શ્રેણીના ફેલિડે કુળનું પ્રાણી. જંગલી બિલાડીની વિવિધ જાતોમાં ભારતમાં મળતી સામાન્ય જાતિ Felis chaus છે : જેની ઉપજાતિઓ attinis, kutas, praleri અને kelaarti મુખ્ય છે. તે ભારતના વિવિધ વિસ્તારોમાં વિવિધ નામે ઓળખાય છે. શરીર ૬૦ સેમી. કરતાં સહેજ વધારે અને પૂંછડી ૨૫થી ૩૦ સેમી. જેટલી લાંબી હોય છે. અમુક જાતો ૫૦ સેમી.થી ૮૦ સેમી.ની લંબાઈ પણ ધરાવે છે. વજન આશરે ૬થી ૭ કિગ્રા. હોય છે. લાંબા પગ અને પ્રમાણમાં નાની પૂંછડી જંગલી બિલાડીને એક અનોખું સ્વરૂપ આપે છે. એની આછી નીલી આંખો એના લુચ્ચા દેખાવમાં વધારો કરે છે. શરીર પર રેતાળ ભૂરાથી પીળાશ પડતા ભૂરા રંગની રુવાંટીનું પડ આવેલું હોય છે. પૂંછડીના છેડે કાળી પટ્ટી અને ટોચ પર કાળું ટપકું આવેલું હોય છે. કાન છેડેથી સાંકડા અને પીળાશ પડતા કથ્થાઈથી કાળા-કથ્થાઈ રંગના હોય છે, જે તેને ઘરેલુ બિલાડીના પૂર્વજ હોવાનું દર્શાવે છે. કાન લાલાશ પડતા અને એના છેડે કાળા વાળની કુર્શાકા આવેલી હોય છે. શરીરની વક્ષસપાટી પર આછા અવશિષ્ટ પટ્ટા આવેલા હોય છે, જે દરેક જાતિમાં વિવિધ પ્રકારે જોવા મળે છે. શુષ્ક પ્રદેશમાં જોવા મળતી જાતિના શરીરનો રંગ મુખ્યત: આછો રેતાળુ હોય છે, જ્યારે આર્દ્ર વિસ્તારની જાતિ લાલાશ કથ્થાઈ રંગની હોય છે. શરીરના ઘેરા રંગમાં પણ ફેરફાર જોવા મળે છે; પરંતુ દરેક જાતિમાં એક ઘેરી લીટી આંખની કિનારીના છેડેથી કાન સુધી અને એક ઘેરું ટપકું આંખની નીચે હંમેશાં જોવા મળે છે. બિલાડીના મુખ પાસે મૂછો જેવા વાળ હોય છે.

જંગલી બિલાડી ખુલ્લા અને શુષ્ક વિસ્તારો જેવા કે ઘાસના પ્રદેશો, નાનાં જંગલો કે નદીના કિનારે અને કળણભૂમિમાં જોવા મળે છે. ભારત સિવાય ઉત્તર આફ્રિકાથી દક્ષિણ-પશ્ચિમ એશિયા થઈ ભારત, શ્રીલંકા, મ્યાનમાર અને ઇન્ડોચાઇનાના વિસ્તારોમાં જોવા મળે છે. ભારતીય જાતિ Felis chaus સામાન્યત: દ્વીપકલ્પ(peninsula)ના વિસ્તારમાં હિમાલયથી કન્યાકુમારીમાં જોવા મળે છે. ઉત્તર ભારતીય જાતિ નાની અને વજનમાં હલકી નાની પૂંછડી ધરાવે છે. હિમાલયની જાતિ શરીર પર જાડા રુવાંટીના પડને કારણે જુદી પડે છે. દક્ષિણ ભારતીય જાતિના શરીર પર ભૂખરી રુવાંટીના પડમાં નાનાં કાળાં અને સફેદ ટપકાં જોવા મળે છે. ઉષ્ણ કટિબંધનાં વર્ષા-જંગલોમાં વર્ષ દરમિયાન એકસરખો પુષ્કળ ભેજ અને તાપમાનનો ફેરફાર ૧૮થી ૩૫ સે. હોવાને કારણે જંગલી બિલાડીને વધારે માફક આવે છે. આ ઉપરાંત તે સમશીતોષ્ણ પાનખર જંગલોમાં પણ જોવા મળે છે. એનું આશ્રયસ્થાન ખડકો કે ચટ્ટાનોનાં પોલાણમાં અથવા જૂનાં એકાકી મકાનોમાં હોય છે. આ પ્રાણી મુખ્યત: સવારે કે સાંજે બહાર નીકળે છે. તે ખૂબ જ ચપળ હોય છે અને એની ગતિ નાના ચિત્તા જેવી ઝડપી હોય છે. તે હંમેશાં માણસ સાથેનો સંપર્ક અથવા સંઘર્ષ ટાળે છે. તેનાં જડબાં અને ગરદનના સ્નાયુઓ સુવિકસિત હોય છે. દાંત માંસ કાપવા અને ચીરવા માટે અનુકૂળ હોય છે. આગળના દાંત નાના હોય છે. અગ્ર દાઢ અને નીચલા જડબાની પ્રથમ દાઢની ધાર તીક્ષ્ણ હોય છે અને કાતરનાં પાંખિયાંની જેમ કાપે છે. આ દાંતને છેદક (carnassial) દાંત કહે છે. તે ખોરાક રૂપે નાનાં સસ્તન પક્ષી અને અમુક સંજોગોમાં ગામડાંનાં મરઘાં પણ આરોગે છે. શરીરના કદના પ્રમાણમાં તે વધારે શક્તિશાળી અને મજબૂત હોય છે, જે મોટા પ્રાણીને પણ હરાવવાની શક્તિ ધરાવે છે. જંગલી બિલાડીમાં બચ્ચાંઓનો જન્મ મુખ્યત: જાન્યુઆરીથી એપ્રિલ અને ઑગસ્ટથી નવેમ્બર દરમિયાન જોવા મળે છે. એકસાથે માદા સામાન્યત: ૩ અને અમુક સંજોગોમાં ૫ બચ્ચાંને જન્મ આપે છે. માદાના શરીરમાં ગર્ભ ૬૦ દિવસ સુધી વિકાસ પામે છે. જન્મેલાં બચ્ચાંની આંખ ૧૧થી ૧૫ દિવસ પછી ખૂલે છે. જંગલી બિલાડીનાં બચ્ચાંને સહેલાઈથી સંપર્ક દ્વારા પાલતુ બનાવી શકાય છે. આ જાતિ ઉપરાંત સિલ્વેસટરીસ લાયર્બાકા આફ્રિકામાં જોવા મળે છે. સિલ્વેસટરીસ જાતિ એશિયા વિસ્તારમાં જોવા મળે છે. આ ઉપરાંત ઑકરેટા (ocreata) અને ઓર્નાટા(ornata) જાતિ પણ ત્યાં જોવા મળે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

નયન કાંતિલાલ જૈન