જ. ૭ ફેબ્રુઆરી, ૧૮૮૩ અ. ૧૭ ઑગસ્ટ, ૧૯૩૬

ગુજરાતી ભાષાના આ મહાન ગઝલકારનો જન્મ જંબુસરમાં થયો હતો. બાળપણથી જ હરિ-રંગે રંગાયેલા. કલાપીના શિષ્ય એવા જગન્નાથ ‘સાગર’ ઉપનામથી ઓળખાતા. ૧૯૦૩માં પિતાના અવસાન પછી વૈરાગ્યભાવના વધુ ઉત્કટ બની અને ૧૯૦૬માં ‘વિશ્વવંદ્ય’ને મળ્યા અને કોઈ પણ સંપ્રદાયમાં જોડાયા વગર પોતે જ અધ્યાત્મમાર્ગ અનુસરવાનો દૃઢ નિશ્ચય કર્યો. ૧૯૧૨માં અખાજીની વાણીની અસર હેઠળ આવ્યા. હિમાલયના મણિકૂટ પર્વતની જયવલ્લી ગુફામાં જઈ તપશ્ચર્યા કરી બ્રહ્મર્ષિ સાગર બન્યા. હિમાલયથી પાછા ફર્યા પછી તેમણે વડોદરામાં પાદરા પાસે ચિત્રાલમાં ‘સાગરાશ્રમ’ સ્થાપ્યો. ‘ૐ પ્રભુજી’ના જીવનમંત્ર સાથે જ જીવન ગાળ્યું. ૧૯૨૦માં કલ્યાણદાસજીની સમાધિનો શતાબ્દી-ઉત્સવ ઊજવ્યો. શિષ્યા ૐકારેશ્વરીને સિદ્ધિપદે સ્થાપવા એ જ સમયગાળામાં ચિત્રાલમાં ‘બ્રહ્મયજ્ઞ’ આરંભ્યો. શરૂઆતની રચનાઓમાં કલાપીની કવિતાનો પ્રભાવ જોઈ શકાય છે. ૧૯૦૯માં રચેલું કાવ્ય ‘થાકેલું હૃદય’ એવું જ કાવ્ય છે. ‘દીવાને સાગર’નો પહેલો ગ્રંથ ૧૯૧૬માં પ્રગટ થયો હતો અને ૧૯૩૬માં ‘દીવાને સાગર’ ભાગ-૨ પ્રકાશિત થયો હતો, જેમાં તેમણે રચેલાં ભક્તિપદો છે. આ ઉપરાંત ‘કલાપી અને તેની કવિતા’, ‘ગુજરાતી સાહિત્યમાં ગઝલનું સ્થાન’ અને ‘સ્વીડનબૉર્ગનું ધર્મશિક્ષણ’ તેમના વિશેષ ગ્રંથો છે. ‘ગુજરાતી ગઝલિસ્તાન’ (૧૯૧૩), ‘સંતોની વાણી’ (૧૯૨૦), ‘કલાપીની પત્રધારા’ (૧૯૩૧) અને ‘કલાપીનો કેકારવ’ (૧૯૩૨) તેમણે કરેલાં સંપાદનો ઉલ્લેખનીય છે. તે ઉપરાંત ‘અક્ષયવાણી – અખાજીની અપ્રસિદ્ધ વાણી’ ટીકા સહિત સંપાદિત કરી છે. તો ‘સાગરની પત્રરેષા અને વિચારણા કેટલાક મહાનુભાવો અને પરિવારના સભ્યોને લખેલા પત્રોનો સંચય છે. સાતમા ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હોવા છતાં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના કોશકાર્ય સાથે સંકળાયેલા અને કેટલોક સમય ‘જ્ઞાનસુધા’નું સંપાદન પણ કરેલું.
રાજશ્રી મહાદેવિયા