જન્માષ્ટમી


સમગ્ર ભારતમાં ભક્તિભાવ, ઉત્સાહ અને ધામધૂમથી ઊજવાતો શ્રીકૃષ્ણનો જન્મદિન. યદુ વૃષ્ણિવંશીય વસુદેવના આઠમા પુત્ર અને વિષ્ણુના અવતાર. શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં કંસ રાજાના કારાગૃહમાં (અમાસાન્ત માસ ગણના અનુસાર) શ્રાવણ વદ ૮ (પૂર્ણિમાન્ત માસગણના અનુસાર ભાદ્રપદ વદ ૮)ની મધ્યરાત્રિએ બુધવારે થયો હતો. તે વખતે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હતો.

કંસે પોતાની બહેન દેવકીનું આઠમું સંતાન પોતાની હત્યા કરશે એવી આગાહીને લક્ષમાં રાખી બનેવી વસુદેવ અને બહેન દેવકીને કારાગૃહમાં પૂર્યાં હતાં અને સાત સંતાનોને મારી નાખ્યાં હતાં. આઠમા સંતાન તરીકે દેવકીને પુત્ર જન્મ્યો હતો. તેથી તેને પણ કંસ મારી નાખશે એવા ભયથી વસુદેવ વરસાદમાં મધ્યરાત્રિએ ચમત્કારિક રીતે ખૂલી ગયેલા કારાગૃહનાં દ્વારો અને ઊંઘી ગયેલા ચોકીદારોની પરિસ્થિતિમાં છૂપી રીતે શ્રીકૃષ્ણને ગોકુલમાં નંદગોપના ઘેર મૂકી નંદગોપની પત્ની યશોદાની તે જ વખતે અવતરેલી પુત્રીને લઈને પાછા કારાગૃહમાં આવે છે. કંસને ત્યારબાદ સંતાનજન્મની જાણ થાય છે અને કારાગૃહમાં આવી એ બાળકીને પગથી પકડી પથ્થર પર પટકવા જાય છે ત્યાં બાળકી છટકી જઈને તેને જાણ કરે છે કે તેનો હણનાર જન્મી ચૂક્યો છે.

આ રીતે શ્રીકૃષ્ણના જન્મ અને વિકટ પરિસ્થિતિમાં તેમના બચાવ અને ચમત્કારિક અવતારના દિવસને ‘જન્માષ્ટમી’ તરીકે ખૂબ પવિત્ર તહેવાર ગણવામાં આવે છે. કૃષ્ણજન્મના દિવસે લોકો ઉપવાસ કરે છે અને તે પછીના નવમીના દિવસે જન્મોત્સવ-ઓચ્છવ ઊજવવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે મધ્યરાત્રિએ કૃષ્ણજન્મનો ઉત્સવ ઊજવવાની તૈયારી અને ઉપવાસ કરીને ભજન-કીર્તન-પૂજનાદિ કર્મો કરવામાં આવે છે. આ કારણે વ્રત કે ઉપવાસ એ મહોત્સવ અને મેળામાં ફેરવાય છે. ગુજરાતમાં સૌથી વધુ મેળા શિવરાત્રિના અને લગભગ એટલા જ મેળા જન્માષ્ટમીના ભરાય છે. જ્યાં શ્રીકૃષ્ણનું કે વૈષ્ણવ મંદિર ન હોય ત્યાં આ મેળા શિવમંદિરે ગામ બહાર ભરાય છે.

શ્રીકૃષ્ણની બાળગોપાલ-લાલજી સ્વરૂપે ભક્તિ કરવાનો શુદ્ધાદ્વૈત પુષ્ટિમાર્ગ મહાપ્રભુ વૈષ્ણવાચાર્યશ્રી વલ્લભાચાર્યજીએ તથા તેના પુત્ર ગોસ્વામીશ્રી વિઠ્ઠલેશજીએ પ્રવર્તાવ્યો છે અને તેના સંદર્ભે કૃષ્ણજન્મના ઉત્સવમાં કૃષ્ણજન્મના આ રાત્રિપર્વમાં મધ્યરાત્રે બાર વાગ્યે શંખનાદ, ભૂંગળો, ઢોલત્રાંસાંના નાદ સાથે વૈષ્ણવ મંદિરો તથા ઘરોમાં શ્રીકૃષ્ણજન્મ ધામધૂમથી ઊજવાય છે. ઘેર ઘેર લીલાં તોરણો બંધાય છે. દેવસેવા શણગારી હોય છે અને પારણામાં લાલજીને ઝુલાવાય છે. મંદિરોમાં પણ આવી જ રીતે જન્મોત્સવ મોટા સ્વરૂપે થતાં આખું વાતાવરણ નવોલ્લાસથી ગાજી ઊઠે છે. ભાવિકો મધ્યરાત્રિએ મંદિરોમાં દર્શનાર્થે જાય છે. બાલકૃષ્ણને પંચાજીરી અને પંચામૃતનો પ્રસાદ ધરાવાય છે. આરતી પછી સ્ત્રીઓ અને ભાવિકો બાળલીલાનાં ભજનો હાલરડાં રૂપે ગાય છે.

શ્રીકૃષ્ણના જન્મના બીજા દિવસે નવમીના રોજ નંદમહોત્સવ અને ઉપવાસનાં પારણાં થાય છે. ગુજરાતમાં રબારી, ભરવાડ, કણબી વગેરે જાતિઓ શ્રીકૃષ્ણની ચલમૂર્તિનું સ્થાપન કરીને તેને પૂજે છે અને નવમીની સવારે કે સાંજે પૂજન કરી, શોભાયાત્રા કાઢી તેનું નદીમાં વિસર્જન કરે છે. શ્રીકૃષ્ણની મૂર્તિને મોરપીંછની છડીથી શણગારવામાં આવે છે તેથી નવમીને છડીનોમ અને તે દિવસના મેળાને છડીનોમના મેળા તરીકે ઓળખવામાં આવે છે. સૂરત, ડાકોર, દ્વારકા, પ્રભાસ, શામળાજી, નાથદ્વારા વગેરે તીર્થો કે શહેરોમાં મોટા મેળા ભરાય છે, જે ખૂબ જાણીતા છે. શ્રીકૃષ્ણના જન્મના ઉત્સવનું વર્ણન શ્રીમદભાગવત, વિષ્ણુપુરાણ, હરિવંશ, કૂર્મપુરાણ, ગરુડપુરાણ વગેરેમાં મળે છે. શ્રીકૃષ્ણને વિષ્ણુના દસ કે ચોવીસ અવતારોમાંનો પૂર્ણાવતાર કે પુરુષોત્તમ લેખવામાં આવે છે તેથી જન્માષ્ટમીનો ઉત્સવ ભારતીય સંસ્કૃતિમાં ખૂબ મહત્ત્વનો ગણાય છે.

ભાંડારકર તથા પાંડુરંગ વામન કાણેના મતે ઈ. સ. પૂ. પાંચમીથી બીજી સદીના ગાળામાં શ્રીકૃષ્ણની પૂજા પ્રચારમાં આવી જણાય છે. બાલકૃષ્ણની કથાઓ તથા લીલાઓ પર ઈશુ ખ્રિસ્તના જીવનપ્રસંગોની અસર અને ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ હોવાના વેબરના મતનું આ બે વિદ્વાનોએ ખંડન કર્યું છે.

નારાયણ કંસારા

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી