જબલપુર


મધ્યપ્રદેશનો એક જિલ્લો તથા જિલ્લાનું મુખ્ય મથક. તે ૨૩ ૧૦´ ઉત્તર અક્ષાંશ તથા ૭૯ ૫૬´ પૂર્વ રેખાંશ પર આવેલું છે. ઉનાળામાં તાપમાન ૨૯ સે. જ્યારે શિયાળામાં ૧૮ સે.થી ૨૨ સે. જેટલું છે. આ શહેર નર્મદા નદીની ઉત્તરે આવેલું છે. શહેરના એક ડુંગર ઉપર ‘મદન મહેલ’ આવેલ છે. ચૌદમી સદીના ગોંડ રાજ્યનું તથા ૧૭૮૧માં મરાઠા રાજ્યનું તે મુખ્ય મથક હતું. ત્યાર બાદ બ્રિટિશરોના સમયમાં પણ મુખ્ય મથક રહ્યું હતું. જબલપુરમાં મ્યુનિસિપાલિટીની સ્થાપના ૧૮૬૪માં થઈ હતી. જબલપુર ખડકાળ ભૂપૃષ્ઠ ધરાવતું શહેર છે, જેની આજુબાજુ અનેક નાની ટેકરીઓ આવેલી છે.

જબલપુરથી દક્ષિણે ૧૦ કિમી. દૂર નર્મદા નદી આરસપહાણના ખડકાળ ભાગોમાંથી વહે છે. આ નદીનો માર્ગ ફાટખીણ રૂપે આવેલો હોવાથી તે પૂર્વમાંથી નીકળી પશ્ચિમે આવેલ અરબી સમુદ્રને મળે છે. જબલપુર ભારતનાં અન્ય રાજ્યો સાથે રેલવે અને રસ્તા દ્વારા જોડાયેલ છે. અલાહાબાદ અને મુંબઈ રેલમાર્ગનું મોટું જંકશન છે. કૉલકાતા-મુંબઈ રેલમાર્ગનું તે મહત્ત્વનું મથક છે. જબલપુરની આસપાસના પ્રદેશોમાંથી લોખંડ, ચૂનો, બૉક્સાઇટ, માટી, ચાઇના ક્લે, ફાયર ક્લે, ફ્લોરસ્પાર અને મૅન્ગેનીઝ જેવાં ખનિજો પ્રાપ્ત થતાં હોવાથી તેના ઉપર આધારિત અનેક ઉદ્યોગો આવેલા છે. જબલપુરમાં ત્રણ સિમેન્ટનાં કારખાનાં આવેલાં છે. જબલપુરથી ઉત્તરે ૧૦૦ કિમી. દૂર કટની આવેલ છે. ત્યાં ભારતનું સૌથી મોટું સિમેન્ટનું કારખાનું છે. કાચ બનાવવાનું એક કારખાનું પણ છે. રાસાયણિક અને એન્જિનિયરિંગનાં સાધનો બનાવવાનાં કારખાનાં તેમજ સુતરાઉ અને રેશમી કાપડ બનાવવાની મિલો, સિમેન્ટ ઉપર આધારિત સિમેન્ટની પાઇપો, જાળીઓ, માર્કિંગ સ્ટોન અને પૉટરી ઉદ્યોગ પણ ખીલ્યો છે. ટેલિફોનના સ્પૅર પાર્ટ્સ બનાવવાનાં કારખાનાં તેમજ કાગળ બનાવવાની મિલો તેમજ લાકડાં વહેરવાની મિલો પણ અહીં છે. કુટિર ઉદ્યોગમાં લાકડા અને લાખની ચીજવસ્તુઓ અને સ્લેટની પેન્સિલો અને બીડી વાળવાનાં અનેક કારખાનાં છે. તે મધ્યપ્રદેશનું મહત્ત્વનું વ્યાપારમથક છે. ઘઉં, ચણા, જુવાર, તેલીબિયાં વગેરે પાકના વેપારનું મથક છે. તે ભારતનું મહત્ત્વનું લશ્કરીમથક છે. અહીં લશ્કરના દારૂગોળા અને શસ્ત્રોના ભંડારો આવેલા છે.

તે રાજ્યનું મહત્ત્વનું શૈક્ષણિક ધામ છે. અહીંની શાળાઓ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત છે. જબલપુરમાં યુનિવર્સિટીની સ્થાપના ૧૯૫૭માં થઈ હતી. ૧૯૬૪માં સ્થપાયેલ જવાહરલાલ નહેરુ કૃષિ યુનિવર્સિટી પણ છે. રાજ્યની હાઈકોર્ટ અહીં છે. જબલપુર શહેરની વસ્તી ૧૦,૫૪,૩૩૬ (૨૦૧૧) જેટલી છે. જબલપુર જિલ્લો : જબલપુર જિલ્લાનો વિસ્તાર ૧૦,૧૬૦ ચોકિમી. છે, જેમાં સોન અને નર્મદા નદીના થાળાનો પણ સમાવેશ થાય છે. નર્મદા નદી-ખીણના પશ્ચિમ છેડે આવેલો વિસ્તાર ‘હવેલી’ તરીકે ઓળખાય છે. તે ખૂબ જ ફળદ્રૂપ છે. ત્યાં ઘઉંની ખેતી વિશેષ થાય છે. તદુપરાંત ચોખા, જુવાર, ચણા અને તેલીબિયાંની ખેતી થાય છે. જબલપુર જિલ્લામાં બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મનાં અનેક સ્થાપત્યો ખંડેર સ્વરૂપે આવેલાં છે. આ જિલ્લામાં નર્મદા નદી ઉપર આવેલો ‘ધુંઆધારનો ધોધ’ વધુ જાણીતો છે. અહીં આવેલ ચોસઠ જોગણીમાતાનું મંદિર જોવાલાયક છે. જિલ્લાની વસ્તી ૨૬,૬૦,૭૧૪ (૨૦૧૧) હતી. સમગ્ર જબલપુર વિભાગનો વિસ્તાર ૭૫,૯૨૭ ચોકિમી. છે. તેમાં જબલપુર, બાલાઘાટ, છિંદવાડા, દમોહ, માંડલા, નરસિંહપુર, સાગર અને સેવની(seoni) જિલ્લાઓનો સમાવેશ થાય છે. સાગ, સાલ, ટીમરુ અને ચારોળીનાં અનેક વૃક્ષો આવેલાં છે. ચણા અને તલ આ વિભાગના મુખ્ય ખેતીના પાક છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

નીતિન કોઠારી