કાશ્મીરની શિયાળુ રાજધાની. ભૌ. સ્થાન ૩૨° ૪૪´ ઉ. અ. ૭૪° ૫૨´ પૂ. રે. ચિનાબની ઉપનદી તાવીના કિનારે વસેલું આ નગર કાશ્મીરનું પ્રવેશદ્વાર છે. મંદિરો, મહાલયો, મસ્જિદો ધરાવતું આ નગર એક વિશાળ પહાડી ઉપર (૩૨૭ મીટર ઊંચાઈ પર) વસેલું છે. આજુબાજુ વળાંક લેતી તાવી નદીના કિનારે સુંદર સરોવરો, બગીચા અને પર્યટનસ્થળો તથા યાત્રાળુઓ માટે શ્રદ્ધાસ્થાન આવેલાં છે. વસ્તીની દૃષ્ટિએ રાજ્યમાં તે બીજા ક્રમનું નગર છે. વસ્તી ૨૦૧૧ મુજબ ૯,૫૧,૩૭૩ છે. દંતકથા પ્રમાણે જમ્બુલોચન નામનો રાજવી એક વખત શિકાર માટે નીકળ્યો ત્યારે એક પુલ નજીક વાઘ અને બકરી એકસાથે પાણી પીતાં જોઈને વિસ્મય પામ્યો અને તેણે અહીં આ નગરની સ્થાપના કરી. તાવી નદીના તટે બહુકોટ નામનો કિલ્લો આ રાજવીના સમયનો છે. દિલ્હીથી આશરે ૫૯૧ કિમી. દૂર રેલમાર્ગ પર તે આવેલું છે. સમગ્ર ભારત સાથે રેલસેવાથી જોડાયેલું છે. નગરથી ૭ કિમી. દૂર વિમાનીમથક આવેલું છે. અહીં જોવાલાયક સ્થળોમાં રઘુનાથ મંદિર, રણવીરેશ્વર મંદિર, કાલિદેવી મંદિર તેમજ ડોગરા ચિત્રશાળા મુખ્ય છે. નિકટનાં પર્યટનસ્થળોમાં વૈષ્ણોદેવી, માનસરોવર, પટનીટૉપ, સણાસર, મંડલેખ આદિ મુખ્ય છે. રઘુનાથ મંદિરમાં સેંકડો શાલિગ્રામ એકત્રિત કરીને હારબંધ ગોઠવેલા છે. વિવિધ રંગના આરસપહાણમાંથી કંડારાયેલાં મંદિરોની કલાત્મકતા આ સફેદ બરફની ચાદર ધરાવતા પ્રદેશમાં મોહક લાગે છે. અહીંની ચિત્રકલા પણ મનોહર છે. જમ્મુના ડોગરા રાજવીઓ શૈવ ઉપાસક હતા તેની સાબિતી આ મંદિરો પૂરી પાડે છે. ભારતીય ભૂમિસેનામાં ડોગરા રેજિમેન્ટ અહીંના જૂના રાજપૂતોની ગાથા સાકાર કરે છે. અહીંનાં મંદિરોમાં રણવીરેશ્વર તથા કાલિદેવીનું મંદિર વિશેષ દર્શનીય છે. ડોગરા રાજપૂતોના કલાપ્રેમ અને વારસાની ઝાંખી કરાવતું સ્થળ ડોગરા ચિત્રશાળા છે. પહાડી શૈલીના અવશેષો પણ ભગ્નદશામાં જોવા મળે છે. અહીંની પહાડી ચિત્રશૈલી આગવી વિશિષ્ટતા ધરાવે છે.
વૈષ્ણોદેવી : જ્મ્મુથી આશરે ૬૨ કિમી. દૂર વૈષ્ણોદેવી અથવા વિષ્ણોદેવીનું સુપ્રસિદ્ધ યાત્રાધામ આવેલું છે. ત્યાં હજારો યાત્રિકો દર્શનાર્થે આવે છે. જમ્મુથી કટરા આશરે ૫૦ કિમી. અને ત્યાંથી ૧૨ કિમી. દૂર પગદંડીથી પહાડી પર ચડતાં વૈષ્ણોદેવી પહોંચાય છે. પગપાળા કે ખચ્ચર–ટટ્ટુ દ્વારા પણ અહીં કેટલાક યાત્રિકો પહોંચે છે. ત્રિકૂટ પહાડી પર આવેલી ભગવતી વૈષ્ણોદેવીની ગુફાનું પ્રવેશદ્વાર અત્યંત સાંકડું છે તેથી પ્રવાસીઓને આશરે ૩.૦૫ મી. જેટલું અંતર પેટે ઘસડાતાં ચાલીને કાપવું પડે છે. ગુફામાં વૈષ્ણોદેવી, મહાસરસ્વતી અને મહાકાલી તેમજ મહાલક્ષ્મીની મૂર્તિઓ આવેલી છે. આ દેવીઓનાં ચરણોમાંથી બાણગંગા નામનું ઝરણું વહે છે. આસો માસની નવરાત્રિમાં અહીં મોટો મેળો ભરાય છે. સમગ્ર ભારતમાં આ સ્થળ તેની કઠિન યાત્રા માટે જાણીતું છે. હવે અહીં રિક્ષા તેમજ હેલિકૉપ્ટર દ્વારા પણ પહોંચી શકાય છે. માનસરોવર : માનસરોવર જમ્મુથી પૂર્વમાં આશરે ૮૦ કિમી. દૂર તથા સૂરીઓન સરોવર લગભગ ૨૪ કિમી. દૂર આવેલું છે. દંતકથાઓ પ્રમાણે વીરબાહુએ માનસરોવરના તળિયે તીર માર્યું હતું જે સૂરીઓન સરોવરમાં પહોંચ્યું હતું. પાણીના ધસમસતા પ્રવાહને કારણે આ સ્થળો પ્રકૃતિપ્રેમીઓને વિશેષ આકર્ષે છે. જમ્મુથી અહીં પહોંચવા માટે નિયમિત બસ-સેવા મળી રહે છે. પટનીટૉપ તથા સણાસર : પટનીટૉપ જમ્મુથી આશરે ૧૧૨ કિમી. દૂર આવેલું છે, જે સાગરસપાટીથી આશરે ૨,૦૦૦ મી.ની ઊંચાઈ પર છે.
મહેશ ત્રિવેદી, નીતિન કોઠારી
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જમ્મુ, પૃ. ૫૫૩)
ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી