જયંતીલાલ પ્રાણલાલ ઠાકોર


જ. ૪ માર્ચ, ૧૯૧૩ અ. ૨૦૦૪

અમદાવાદમાં વ્યાયામશાળાની પ્રવૃત્તિઓના પ્રણેતા, સ્વાતંત્ર્યસેનાની અને રચનાત્મક કાર્યકર જયંતીલાલનો જન્મ જામનગરમાં થયો હતો. સાત વર્ષની વયે પિતાનું અવસાન થયું. માતા વિજયાલક્ષ્મીએ તેમનામાં શિક્ષણનો પાયો મજબૂત કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. તેમનું બાળપણ અમદાવાદમાં વીત્યું. શાળાના અભ્યાસ દરમિયાન છાપાંઓ વહેંચવા જેવી નાનીમોટી કામગીરી કરી કુટુંબને સહાયરૂપ બન્યા. તેઓએ વ્યાયામશાળામાં વ્યાયામની તાલીમ લીધી. તદુપરાંત પુસ્તકાલય સહકારી ભંડાર, હસ્તલિખિત માસિક, કૅમ્પિંગ, સ્કાઉટિંગ જેવી પ્રવૃત્તિઓની પણ તાલીમ મેળવી. જોકે પ્રતિકૂળ સંજોગોને કારણે કૉલેજનો અભ્યાસ અધૂરો છોડવો પડ્યો. તેમણે અમદાવાદમાં વસંતરાવ હેગિષ્ટે, વાસુદેવ ભટ્ટ સાથે મળીને વ્યાયામશાળાની પ્રવૃત્તિઓને પ્રચલિત કરી અને કિશોરોને સશક્ત અને નીડર બનવા માટે પ્રેર્યા. ૧૨ માર્ચ, ૧૯૩૦ના રોજ ગાંધીજીએ આરંભેલી દાંડીકૂચમાં જોડાવા અરજી કરી, પરંતુ વય નાની હોવાથી જોડાઈ શક્યા નહીં. તેમણે ધોલેરા સત્યાગ્રહમાં અને ધરાસણા સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. તે દરમિયાન પોલીસનો માર ખાધો અને જેલવાસ પણ ભોગવ્યો. ૧૯૪૨માં ‘ભારત છોડો’ લડતમાં ભૂગર્ભ પ્રવૃત્તિઓ કરવા બદલ જેલવાસ ભોગવ્યો. આ લડતમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી. અમદાવાદમાં આઝાદ સરકારના શહેરસૂબા તરીકે તેઓ સક્રિય બન્યા. આ ચળવળ દરમિયાન  જયંતી ઠાકોરે અભૂતપૂર્વ સાહસ કરીને કાર્યકરોને એકત્રિત કર્યા. તેમણે ‘કૉંગ્રેસ પત્રિકા’ પ્રસિદ્ધ કરવાનું વ્યવસ્થાતંત્ર ગોઠવ્યું. તેઓ વ્યાયામપ્રવૃત્તિ, દલિતોદ્ધાર, હિન્દુ-મુસ્લિમ એકતા, મજૂરપ્રવૃત્તિ કરતા. કોમી હુલ્લડોમાં શાંતિસૈનિક તરીકે સેવા આપતા. ૧૯૪૩માં જયપ્રકાશ નારાયણે ગોઠવેલી લડતના આગેવાનોની ગુપ્ત સભામાં જયંતી ઠાકોર જોડાયા હતા. વળી તેઓ હરિવદન અને વાસુદેવ ભટ્ટ સાથે ‘આઝાદ હિંદ ફોજ’માં જોડાવા માટે કૉલકાતા પણ ગયા હતા. તેઓ નિસર્ગોપચારના નિષ્ણાત હતા. તેઓનું સમગ્ર જીવન સાદગીભર્યું હતું.

શુભ્રા દેસાઈ