દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Prunus armeniaca Linn. (હિં. જરદાલુ, અં. કૉમન ઍપ્રિકૉટ) છે. તે મધ્યમ કદનું, ૧૦ મી. જેટલું ઊંચું, રતાશ પડતી છાલવાળું વૃક્ષ છે; અને ઉત્તર-પશ્ચિમ હિમાલયમાં – ખાસ કરીને કાશ્મીર, ચિનાબ અને કુલુની ખીણોમાં તથા સિમલાની ટેકરીઓ પર લગભગ ૩૦૦૦ મી.ની ઊંચાઈ સુધી તેનું પ્રાકૃતિકીકરણ (naturalization) થયેલું છે. પર્ણો સાદાં, અંડાકારથી માંડી ગોળ-અંડાકાર કે કેટલીક વાર ઉપ-હૃદયાકાર (sub-cordate) અને ૫–૯ સેમી. જેટલાં લાંબાં તથા ૪–૫ સેમી. પહોળાં, ઘટ્ટ ચળકતાં લીલાં હોય છે. પુષ્પો ગુલાબી, સફેદ અને એકાકી હોય છે. માર્ચ-એપ્રિલમાં પર્ણો કરતાં પુષ્પો વહેલાં દેખાય છે. ફળ પાંચ સેમી. જેટલા વ્યાસવાળું ગોળાકાર, કાચું હોય ત્યારે રોમિલ અને પાકે ત્યારે લગભગ અરોમિલ (glabrous). તેની છાલ પીળાશ સાથે લાલાશ પડતા મિશ્ર રંગવાળી હોય છે. ગર પીળો કે પીળાશ પડતો નારંગી રંગનો અને મીઠો તથા ચપટા કઠણ ઠળિયામુક્ત હોય છે. ઠળિયો સુંવાળી સપાટીવાળો અને એક ધારવાળો હોય છે. મીંજ કેટલીક જાતમાં મીઠી તો અન્ય જાતમાં કડવી હોય છે.
જરદાલુની પુષ્પ, ફળ સહિતની શાખા
વિતરણ : જરદાલુ ચીન અને મધ્ય એશિયાઈ પ્રદેશની મૂલનિવાસી વનસ્પતિ છે; જ્યાંથી તેનો ભારત, ઈરાન, ઇજિપ્ત અને ગ્રીસમાં આર્મેનિયા થઈને પ્રસાર થયો છે. ભારતમાં અમેરિકા અને યુરોપની કેટલીક જાતોનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. જરદાલુનું દક્ષિણ ભારતમાં સફળ વાવેતર થઈ શક્યું નથી. દુનિયાના સમશીતોષ્ણ પ્રદેશોમાં જરદાલુનું વાવેતર થાય છે. તે હિમસંવેદી હોવાથી હૂંફાળા સમશીતોષ્ણ વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. જરદાલુનું વ્યાપારિક ઉત્પાદન કરતા દેશોમાં ઉત્તર અમેરિકા, સ્પેન, ફ્રાન્સ, ઇટાલી, મોરોક્કો, તુર્કી, ઈરાન, આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. મોટા ભાગનાં ફળો સૂકી, હિમશીતિત (frozen), ડબ્બાબંધ (canned) કે ગર-સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે.
જાતો : જરદાલુની ઘણી જાતો છે. તે પૈકી મહત્ત્વની જાતોમાં કાળું કે જાંબલી જરદાલુ (Prunus dasycarpa syn. P. armeniaca var. dasycarpa), રશિયન કે સાઇબેરિયન જરદાલુ (P. sibirica), જાપાની જરદાલુ (P. mume) અને મંચુરિયન જરદાલુ(P. mandschurica)નો સમાવેશ થાય છે. આ બધી જાતોનાં ફળો P. armeniaca કરતાં નાનાં અને હલકી કક્ષાનાં હોય છે. કાળી કે જાંબલી જાતનાં કાષ્ઠ અને કલિકા સખત હોય છે. સાઇબેરિયન અને મંચુરિયન જાત આમૅનિયેકા કરતાં વધારે ઠંડી સહન કરી શકે છે. મંચુરિયન જાત ૪૫ સે. તાપમાન સહી શકે છે. જાપાની જાત તેના ફળ ઉપરાંત શોભાની વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે.
વાવણી : ઉનાળામાં મધ્યમસરનું તાપમાન ધરાવતા વિસ્તારોમાં ૮૫૦-૧૭૦૦ મી.ની ઊંચાઈએ જરદાલુ સારી રીતે થાય છે. જરદાલુને છિદ્રાળુ, હલકી છતાં ફળદ્રૂપ, સારા નિતારવાળી ગોરાડુ જમીન વધારે માફક આવે છે. જંગલી જરદાલુ, આડૂ કે સતાલુ (Peach) (Prunus persica) કે માયરોબેલન પ્લમ(P.carasibera)ના મૂલકાંડ (rootstocks) પર ‘T’ કે ઢાલ (Shield) કલિકારોપણ દ્વારા પ્રસર્જન કરવામાં આવે છે. પાનખર કે વસંતઋતુની શરૂઆતમાં તૈયાર થયેલી કલમોને ૬–૮મી.ના અંતરે વાવવામાં આવે છે.
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જરદાલુ, પૃ. ૫૮૦)
સુરેન્દ્ર દવે, બળદેવભાઈ પટેલ