મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો. ભૂતકાળમાં તે પૂર્વ ખાનદેશ નામથી ઓળખાતો હતો. તાપી નદીની મધ્ય ખીણમાં આવેલો આ જિલ્લો રાજ્યની વાયવ્ય દિશામાં ૨૦થી ૨૧ ઉ. અ. તથા ૭૫થી ૭૬-૨૮´ પૂ. રે.ની વચ્ચે પ્રસરેલો છે. તેની ઉત્તરમાં મધ્યપ્રદેશ રાજ્ય, દક્ષિણમાં ઔરંગાબાદ જિલ્લો, પૂર્વમાં નાશિક જિલ્લો તથા પશ્ચિમ દિશામાં ધુળે જિલ્લાની સીમાઓ આવેલી છે. તે દખ્ખનના સપાટ પ્રદેશનો એક ડુંગરાળ તથા જંગલવ્યાપ્ત ભાગ છે. તેની ઉત્તરમાં સાતપુડા, નૈર્ઋત્યમાં હટ્ટી તથા દક્ષિણમાં અજંટા પર્વતમાળાઓ છે. જિલ્લાનો વિસ્તાર ૧૧૭.૬૫ ચોકિમી. છે. જિલ્લા વસ્તી ૪૨,૨૪,૪૪૨ (૨૦૧૧). શહેરની વસ્તી ૪,૬૦,૪૬૮ (૨૦૧૧) છે, જેમાં અનુસૂચિત જાતિના ૯.૨૫% તથા અનુસૂચિત જનજાતિના ૯.૮૪% લોકો છે. વસ્તીના ૩૦.૦૧% ખેડૂતો અને ૩૧.૮૮% ખેતમજૂરો છે બાકીના અન્ય વ્યવસાયોમાં જોડાયેલા છે. જિલ્લાની ચોકિમી. દીઠ વસ્તીની ગીચતા ૨૭૧ છે. વસ્તીના ૭૩% ગ્રામવિસ્તારમાં તથા ૨૭% શહેરી વિસ્તારમાં વસે છે. સાક્ષરતાનું પ્રમાણ ૬૪.૩૦% છે. સામાન્ય હવામાન સૂકું છે. સરેરાશ વરસાદ ૭૧૦ મિમી. પડે છે. ખેડાણ હેઠળની કુલ જમીનના ૬૨%માં ખાદ્યપેદાશો તથા ૧૬%માં શેરડી અને તેલીબિયાં જેવા રોકડિયા પાકો થાય છે. ફળફળાદિ તથા શાકભાજી વવાય છે. સિંચાઈ હેઠળની કુલ જમીનના ૭૬% ને કૂવાઓમાંથી અને બાકીની ૨૪% જમીનને પૃષ્ઠભાગ પરનાં અન્ય સાધનોમાંથી સિંચાઈનું પાણી ઉપલબ્ધ થાય છે. ખેતીના મુખ્ય પાકો બાજરી, ઘઉં, ચોખા, ચણા, તુવેર, અડદ અને મગ છે.
જિલ્લાનાં કુલ મોટા ભાગનાં ગામડાં તથા શહેરોનું વીજળીકરણ થઈ ચૂક્યું છે. જિલ્લામાં ૮૧૯૦ કિમી. રસ્તાઓ છે જેમાં રાજ્ય અને રાષ્ટ્રીય ધોરી માર્ગોનો પણ સમાવેશ થાય છે. જિલ્લામાંથી પસાર થનાર મધ્ય તથા પશ્ચિમ રેલવેના માર્ગોની લંબાઈ ૩૫૦ કિમી. છે અને તેના પર કુલ ૪૨ રેલમથકો છે. પ્રમુખ ઔદ્યોગિક ઉત્પાદનમાં ખાંડ, રાસાયણિક દવાઓ, કાપડ, કૃત્રિમ રેશમ, સૂતર, ફટાકડા, પ્લાસ્ટિકની વસ્તુઓ અને સિમેન્ટ નોંધપાત્ર છે. જિલ્લામાં રુગ્ણાલયો, દવાખાનાંઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પરિવાર કલ્યાણ કેન્દ્રો છે. જિલ્લામાં પૂર્વપ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓ તથા મહાવિદ્યાલયો છે. ૧૯૧૬માં સ્થપાયેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિલૉસૉફી આ જિલ્લાના અમળનેર નગરમાં છે. જિલ્લામાં બાંધકામ માટે વપરાતાં પથ્થર, ચૂનો અને રેતી જેવાં ગૌણ ખનિજો ઉપલબ્ધ છે.
તાપી જિલ્લાની મુખ્ય નદી છે, જે જિલ્લામાં ૧૬૦ કિમી. લંબાઈ ધરાવે છે. તે પૂર્વથી પશ્ચિમ તરફ ૬ તાલુકાઓમાં વહે છે. ૧૬૦ કિમી. લંબાઈ ધરાવતી ગિરણા નદી ૪ તાલુકાઓમાંથી પસાર થઈ તાપી નદીમાં ભળે છે. જિલ્લાની અન્ય નદીઓમાં વાઘ (લંબાઈ ૮૮ કિમી.), અગ્નાવતી (લંબાઈ ૧૦૭ કિમી.), અંજની (લંબાઈ ૭૨ કિમી.), બોરી (લંબાઈ ૫૬ કિમી.), ગિરના (લંબાઈ ૫૪ કિમી.) તથા મોર (લંબાઈ ૪૮ કિમી.) નોંધપાત્ર છે. તાપી, બોરી તથા ગિરના નદીઓ પર સિંચાઈ માટેના પ્રકલ્પો વીસમી સદીના આઠમા દાયકામાં હાથ ધરવામાં આવેલા છે. જિલ્લામાં ચાળીસગાંવ નજીક પાટણાદેવીનું મંદિર, એદલાબાદ તાલુકામાં તાપી અને પૂર્ણા નદીના સંગમ પર ચાંગદેવ મંદિર, કોથળીમાં મુક્તાબાઈનું મંદિર, એરંડોલ પાસે ગણપતિનું પુરાતન મંદિર, ફરકાડેમાં ઐતિહાસિક ઝૂલતા મિનારા, ચોપડા તાલુકામાં ગરમ પાણીના ઝરા, અમળનેર તાલુકામાં રામેશ્વર અને મહાદેવનાં પુરાતન મંદિરો, રાવેર તાલુકામાં સાતપુડા પર્વતશ્રેણીમાં પાલ નામક હવા ખાવાનું સ્થળ વગેરે પર્યટકો માટેનાં આકર્ષણો છે. પાલ ખાતે વન પ્રશિક્ષણ કેન્દ્ર છે.
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જળગાંવ, પૃ. ૬૬૨)
ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી
બાળકૃષ્ણ માધવરાવ મૂળે