જળધોધ-જળપ્રપાત


નદીમાર્ગમાં વહી જતો જળજથ્થો ઉપરથી નીચે તરફ, લંબદિશામાં એકાએક નીચે પડે એવી જલપાતસ્થિતિ. લંબદિશાને બદલે વધુ ઢોળાવની સ્થિતિ રચાય ત્યારે ઘણી ઝડપથી પરંતુ તૂટક તૂટક રીતે જલપાત થવાની ક્રિયાને જળપ્રપાત કહે છે. જળધોધ કે જળપ્રપાતની સ્થિતિ ઉત્પન્ન થવા માટે ઘણા જુદા જુદા ભૂપૃષ્ઠરચનાત્મક કે ભૂસ્તરીય સંજોગો કારણભૂત હોય છે. નદીના જળવહનમાર્ગમાં ઓછીવત્તી દૃઢતાવાળા જુદા જુદા ખડકસ્તરોનાં પડ વારાફરતી (ઉપર દૃઢ અને નીચે પોચાં) આવેલાં હોય ત્યારે તેમાં થતા ભિન્ન ભિન્ન ઘસારાપ્રમાણને કારણે જળધોધ કે જળપ્રપાત રચાય છે. વધુ જાડાઈવાળા ઉપરના દૃઢ સ્તરો ઓછા ઘસાવાથી અને વધુ જાડાઈવાળા નીચેના પોચા સ્તરો વધુ પડતા ઊર્ધ્વ દિશામાં ઘસાવાથી જળધોધ, તથા આવાં જ લક્ષણોવાળા પણ ઓછી જાડાઈવાળા સ્તરોના ત્રાંસા ઢોળાવમાં ઘસાવાથી જળપ્રપાત તૈયાર થાય છે. જળધોધમાં જોવા મળતી ઊભી ખડક-દીવાલ, ઉપરથી નીચે તરફ, ઘસાતી જાય તો ઊંચાઈ ઘટતી જાય અને ધોધમાંથી પ્રપાત બની જવાની સ્થિતિ રચાય છે. અમેરિકા-કૅનેડાની સરહદ નજીકના જગપ્રખ્યાત નાયગરાના જળધોધની હેઠવાસમાં જળપ્રપાત તૈયાર થયેલા જોવા મળે છે. કૉલોરેડોનાં ભવ્ય કોતરોમાં શ્રેણીબદ્ધ જળપ્રપાત રચાયેલા છે. કૅનેડાના મૉન્ટ્રિયલ પાસે સેન્ટ લૉરેન્સ નદીમાં જળપ્રપાત આવેલા છે.

નદીના વહનમાર્ગમાં આડો સ્તરભંગ પસાર થતો હોય, ઉપરવાસ તરફ સ્તરભંગની ઊર્ધ્વપાત બાજુ હોય તો ભેખડ(કરાડ)ની રચના થાય છે અને તેથી જળજથ્થો એકાએક નીચે પડે છે – જળધોધ બને છે.

ઘણા ઉચ્ચસપાટ પ્રદેશો (plateaus) લાવાના ખડકોના ઉપરાઉપરી થરોથી બનેલા હોય, ઉપરનીચેના થરોનું બંધારણ જુદું જુદું હોય, તો ભિન્ન ભિન્ન ઘસારાપ્રમાણથી, ત્યાં વહેતી નદી જળધોધ કે જળપ્રપાતની સ્થિતિ સર્જે છે. એ જ પ્રકારના ખડકથરોમાં ઊભા સાંધા (joints) પડેલા હોય, હેઠવાસનો વિભાગ સાંધામાંથી તૂટી પડતાં, નદીમાર્ગમાં ઊંચાઈનો ફેરફાર લાવી મૂકે છે અને ધોધ કે જળપ્રપાતની રચના થાય છે. યુ.એસ.એ.ના ઇડાહો રાજ્યમાં સ્નેક નદીના શોશોન, ટિવન અને અમેરિકન ધોધ; તથા દક્ષિણ આફ્રિકાની ઝામ્બેસી નદીનો વિક્ટોરિયા ધોધ આ પ્રકારના છે.

સામાન્ય રીતે મુખ્ય નદીઓ ઊંડી ખીણો બનાવતી હોય છે, જ્યારે શાખાનદીઓ છીછરી તેમજ ઊંચાઈએ રહેલી ખીણો બનાવે છે. ઊંચાઈએ રહેલી શાખાનદીઓની ખીણો ‘ઝૂલતી ખીણ’ તરીકે ઓળખાય છે. ઝૂલતી ખીણમાંનું ઊંચાઈએથી મુખ્ય નદીમાં પડતું પાણી જળધોધની સ્થિતિ રચે છે.

જળધોધની ઊંચાઈ, સ્વરૂપ અને પડતા પાણીનો જથ્થો સ્થાન અને સંજોગભેદે જુદાં જુદાં હોઈ શકે છે. જળધોધ દુનિયાના બધા જ દેશોની નદીઓમાં, મોટે ભાગે પર્વતપ્રદેશોમાં, ઉચ્ચસપાટ પ્રદેશોમાં જોવા મળે છે. જળપ્રપાત સામાન્ય રીતે જળધોધના ઉપરવાસમાં અને હેઠવાસમાં મળતા હોય છે, તેમ છતાં જળધોધ ન હોય એવી નદીઓમાં પણ જળપ્રપાત હોઈ શકે છે. ભારતમાં જોગનો ધોધ પ્રપાત તરીકે ઓળખાય છે.

જળધોધ અને જળપ્રપાત વહાણવટા માટે બાધારૂપ નીવડે છે. આવી સ્થિતિ હોવા છતાં વહાણવટા માટે કે હોડીઓની હેરફેર માટે ઉપયોગમાં લેવાતા જળમાર્ગો માટે નહેરોના બાંધકામનું આયોજન, લૉકગેટની વ્યવસ્થા સહિત કર્યું હોય તો જ બંને બાજુના જળસ્તર સમાન કરી શકાય અને હેરફેર શક્ય બને.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

ગિરીશભાઈ પંડ્યા