જામનગર જિલ્લાનું મુખ્ય શહેર અને આઝાદી પૂર્વે આ જ નામ ધરાવતા દેશી રાજ્યનું પાટનગર. તે ૨૨ ૨૮´ ઉ. અ. અને ૭૦ ૦૪´ પૂ. રે. ઉપર આવેલું છે. નાગમતી અને રંગમતીના સંગમ ઉપર વસેલ સ્થળ નાગનાથ તરીકે ઓળખાતું હતું, જામ રાવળે ઈ. સ. ૧૫૪૦માં આ સ્થળે શહેર વસાવી તેને નવાનગર નામ આપ્યું હતું. ઈ. સ. ૧૬૬૩થી ૧૭૦૯ દરમિયાન અહીં મુઘલ થાણું હતું અને તેને ઇસ્લામાબાદ નામ આપ્યું હતું. જાડેજા રાજાના ‘જામ’ બિરુદ ઉપરથી નવાનગરને બદલે તેને જામનગર નામ મળ્યું જણાય છે. ૧૯૧૪ પૂર્વે જામનગર દરવાજાવાળું કિલ્લેબંધ શહેર હતું. જામ રણજિતસિંહે વિશાળ રવેશો (facades), ચોક, વર્તુળો, વિશાળ રાજમાર્ગો અને એકસરખાં મકાનોની શ્રેણી દ્વારા તેની કાયાપલટ કરતાં તેને ‘સૌરાષ્ટ્રનું પૅરિસ’ બિરુદ મળ્યું. શહેરના વિકાસમાં બેડી બંદરનો મહત્ત્વનો ફાળો છે. બંદરની સુધારણા કરાતાં વેપાર અને ઉદ્યોગોની વૃદ્ધિ થઈ હતી. જામનગરના માર્કેટ યાર્ડમાં જિલ્લાના બાજરી, જુવાર, મગફળી, ઘઉં, લસણ વગેરે પાકો વેચાવા આવે છે. ૧૯૪૩માં સેન્ટ્રલ બૅન્ક ઑવ્ ઇન્ડિયાની એક શાખા હતી. આજે મહત્ત્વની રાષ્ટ્રીય બૅન્કોની શાખાઓ તથા જામનગર જિલ્લા સહકારી બૅન્ક અને નાગરિક સહકારી બૅન્ક છે. તેનો વેપાર-ઉદ્યોગના વિકાસમાં મહત્ત્વનો ફાળો છે.
સોલેરિયમ (જામનગર)
અહીં એક સુતરાઉ અને એક ગરમ કાપડની મિલ ઉપરાંત તેલની મિલો, સૉલ્વન્ટનાં અને બ્રાસનાં વીજળીનાં સાધનોમાં વપરાતા ભાગોનાં તથા સાબુ, મીઠું તથા લોખંડની વસ્તુઓનાં અનેક કારખાનાં છે. જામનગર તેની બાંધણી, ભરત અને જરીકામ, કંકુ, કાજળ અને સુરમા માટે પ્રખ્યાત છે. શહેર વાહનવ્યવહારનું કેન્દ્ર છે. ઓખા-વિરમગામ બ્રૉડ ગેજ રેલવેનું તે જંકશન છે. રાજકોટ-ઓખા અને જામનગર-પોરબંદર રાજ્યધોરી માર્ગ દ્વારા સૌરાષ્ટ્રનાં મહત્ત્વનાં શહેરો સાથે તે જોડાયેલું છે. વિમાનવ્યવહાર દ્વારા તે રાજકોટ, ભુજ અને મુંબઈ સાથે જોડાયેલું છે. જામનગર મહત્ત્વનું શૈક્ષણિક કેન્દ્ર છે. આયુર્વેદિક યુનિવર્સિટી, ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય, વિનયન, વિજ્ઞાન તથા વાણિજ્ય વિદ્યાશાખાની કૉલેજો, મેડિકલ કૉલેજ, પૉલિટૅકનિક, આઈ.ટી.આઈ., વાણિજ્ય અને ટૅકનિકલ વિષયોનું શિક્ષણ આપતી વિવિધલક્ષી શાળાઓ, સ્ત્રી અધ્યાપન મંદિર, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, બાલમંદિરો, પુસ્તકાલયો, સંસ્કૃત પાઠશાળા, સંગ્રહસ્થાન, લશ્કરની ત્રણ પાંખોની તાલીમશાળાઓ વગેરે અનેક શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. શહેરમાં સોલેરિયમ સંગ્રહસ્થાન, આદર્શ સ્મશાનગૃહ, પંદરમી-સોળમી સદીનાં પ્રાચીન હિંદુ અને જૈન મંદિરો ઉપરાંત લાખોટો, કોઠો, રણજિતસાગર બંધ વગેરે જોવાલાયક છે. સંગ્રહસ્થાનમાં ઘૂમલી, પાછતર, પિંડારા અને ગાધવીના સ્થાપત્યના અવશેષો, તામ્રપત્રો, શિલાલેખો, સિક્કાઓ, ભૂચર મોરીના યુદ્ધનાં દૃશ્યનું ચિત્રપટ વગેરે છે. આદર્શ સ્મશાનગૃહમાં સંતો, દેવ-દેવીઓ વગેરેની સોએક મૂર્તિઓ અને ધાર્મિક ગ્રંથો વગેરેનું પુસ્તકાલય છે. અણદાબાવાની ધાર્મિક સંસ્થા, પાઠશાળા, સદાવ્રત, શાળા વગેરેનું સંચાલન કરે છે. શહેરનું ક્ષેત્રફળ ૧૪.૪૩ ચોકિમી. છે. ૨૦૧૧માં તેની વસ્તી આશરે ૬,૦૦,૪૧૧ હતી. તે સૌરાષ્ટ્રનું મહત્ત્વનું શહેર છે.
ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી
શિવપ્રસાદ રાજગોર