જિનીવા


સ્વિટ્ઝર્લૅન્ડના જિનીવા પરગણાનું પાટનગર, દેશનું ત્રીજા ક્રમનું શહેર તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન ૪૬° ૧૨´ ઉ. અ. અને ૬° ૦૯´ પૂ. રે. તે સ્વિટ્ઝર્લૅન્ડની નૈર્ઋત્યે જિનીવા સરોવરના ખૂણા પર, હ્રોન નદીની ખીણમાં વસેલું છે. આ નદી નગરને બે ભાગમાં વહેંચી નાખે છે. મૂળ નગરનો વિસ્તાર ૧૮ ચોકિમી. તથા ઉપનગરો સાથેનો વિસ્તાર ૨૮૨ ચોકિમી. છે. તેની વસ્તી ૪,૨૭,૩૯૬ (૨૦૦૪) છે. મૂળે તે રોમન શહેર હતું. છઠ્ઠી સદીમાં રાજા ફ્રાંકે તે લઈ લીધા બાદ બારમી સદીમાં પવિત્ર રોમન સામ્રાજ્યમાં ભેળવી દીધું.

જિનીવા વિશ્વવિદ્યાલય

સેન્ટ પીટરનું દેવળ

બે હજાર વર્ષ જૂના આ નગરનો ૧૯૪૫ પછી ઝડપભેર વિકાસ થયો છે. સ્વિટ્ઝર્લૅન્ડનાં મહત્ત્વનાં ઔદ્યોગિક નગરોમાં તેની ગણના થતી હોવા છતાં મૂળભૂત રીતે વ્યાપારી કેન્દ્ર તરીકે તે વિકાસ પામ્યું છે. વ્યાપારી પ્રતિષ્ઠાનો, બૅન્કો અને વીમા-કંપનીઓ જેવા આર્થિક ધોરણે સેવા પૂરી પાડતા એકમોનું નગરમાં ઝડપી વિસ્તરણ થયેલું હોવાથી ત્યાંનું અર્થતંત્ર ‘સેવા ઉદ્યોગ’ (service industry) પર નભે છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ નગરના અર્થતંત્ર પર વર્ચસ્ ધરાવે છે તથા દેશમાં રોકાયેલ કુલ વિદેશી મૂડીરોકાણમાંથી લગભગ અડધોઅડધ મૂડીરોકાણ આ નગરમાં કેન્દ્રિત થયેલું છે. ઘઉં, સરસવ, રાયડો, ડેરીની બનાવટો તથા જુદા જુદા ઉચ્ચ પ્રકારના શરાબની ત્યાંની મુખ્ય સ્થાનિક પેદાશો ગણાય છે. નગરમાં યંત્રો, યંત્રના છૂટા ભાગ, સ્વચાલિત વાહનો, ઘડિયાળો, રસાયણો, ખાદ્ય પદાર્થો, વીજળીનાં સાધનો, સાઇકલો, સોનાચાંદીનાં ઘરેણાં અને હસ્તકલાના નમૂનાઓ બનાવતા ઉત્પાદન એકમો વિકસ્યા છે. નગરમાં સૌંદર્યથી ભરપૂર ઉદ્યાનો, વસ્તુસંગ્રહાલયો, નાટ્ય તથા સિનેમાગૃહો અને પ્રાણી તથા પક્ષી સંગ્રહાલયો આવેલાં છે. તેરમી સદીનું સેન્ટ પીટરનું દેવળ (cathedral), સોળમી સદીનું નગરગૃહ, અઢારમી સદીનું ન્યાયાલય, વીસમી સદીમાં નિર્માણ કરવામાં આવેલ રાષ્ટ્રસંઘ(League of Nations)નું મુખ્યાલય, વેધશાળા, વનસ્પતિ ઉદ્યાન તથા સંગ્રહાલય પર્યટકો માટેનાં વિશેષ આકર્ષણનાં સ્થળો છે. તેના પ્રણેતા જ્હૉન કૅલ્વિનના પ્રયાસોથી ૧૫૫૯માં નગરમાં જિનીવા વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ હતી. આજે પણ આ યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય રાજકારણ, વનસ્પતિશાસ્ત્ર તથા શિક્ષણશાખાના અભ્યાસ અને સંશોધનનું મહત્ત્વનું કેન્દ્ર ગણાય છે. આલ્પ્સ અને જુરા પર્વતમાળાઓની વચ્ચે, પ્રાકૃતિક જળગ્રહણ ક્ષેત્રના કેન્દ્રમાં, ઊંચાણવાળા સ્થાન પર અપ્રતિમ સૃષ્ટિસૌંદર્ય વચ્ચે વિકસેલી આ નગરી ઘણી જાહેર અને ખાનગી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનાં મુખ્યાલયો ધરાવે છે. ૧૮૬૪માં આંતરરાષ્ટ્રીય રેડ ક્રૉસની તથા ૧૯૧૯માં રાષ્ટ્રસંઘનું યુરોપ ખંડનું મુખ્યાલય શરૂ કરવામાં આવ્યું. ઉપરાંત, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO), વર્લ્ડ કાઉન્સિલ ઑવ્ ચર્ચીસ તથા ઇન્ટરનૅશનલ બોર્ડ ઑવ્ એજ્યુકેશનની મુખ્ય કચેરીઓ પણ આ નગરમાં છે. અત્યાર સુધીની ઘણી આંતરરાષ્ટ્રીય પરિષદો આ નગરમાં યોજવામાં આવી હતી. દા.ત, ૧૯૫૪માં કોરિયા તથા ઇન્ડોચીન વચ્ચેના યુદ્ધની સમાપ્તિ માટેની પરિષદ તેમજ ૧૯૫૫માં શીતયુદ્ધનો અંત લાવવા માટે આયોજિત પરિષદ તેમજ ૧૯૬૨–૬૩માં નિ:શસ્ત્રીકરણ તથા અણુશસ્ત્રોના નિરીક્ષણ માટેની પરિષદ યોજવા માટે આ નગરની જ પસંદગી થઈ હતી. જિનીવા સરોવરના છેડા પર ઈ. પૂ. પ્રથમ સદીમાં ત્યાં સૌથી પહેલી વસાહત ઊભી કરવામાં આવી હતી. રુસ્સો અને વૉલ્ટેર જેવા વિચારકોના નિવાસસ્થાન તરીકે પણ આ નગરની ખ્યાતિમાં વધારો થયો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જિનીવા, પૃ. ૭૭૩)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે