વિશ્વમાં સૌથી મોટો ભેદભાવ એ શ્વેત (ગોરા) અને અશ્વેત (કાળા) લોકો વચ્ચે જોવા મળે છે. એક સમયે અશ્વેત લોકોને શ્વેત લોકોએ ગુલામ બનાવ્યા. એમના પર માલિકીહક ભોગવ્યો. એમની પાસે કાળી મજૂરી કરાવી. આ અશ્વેત લોકોને માટે રહેવાના જુદા વિસ્તારો હતા. ટ્રેનમાં જુદા ડબ્બાઓ હતા અને હોટલ, ગાર્ડન કે અમુક ચર્ચમાં પ્રવેશવા પર પ્રતિબંધ હતો. એક શ્રદ્ધાળુ અશ્વેત એક વાર ચર્ચમાં પ્રવેશી રહ્યો હતો, ત્યારે ચર્ચના પાદરીએ તેને અટકાવ્યો. એણે કહ્યું, ‘આ ચર્ચમાં આવીને તમને પ્રાર્થના કરવાનું મન થાય તે હું સમજી શકું છું, પરંતુ પ્રાર્થના કરવી તમને માફક નહીં આવે. અહીં માત્ર શ્વેત લોકોને જ પ્રવેશ છે.’ પેલી અશ્વેત વ્યક્તિ ચર્ચના બારણે ઊભી રહી ગઈ. પાદરીનાં વચનો સાંભળીને ખૂબ નિરાશ થઈ. પાદરીએ એને કહ્યું, ‘તમારી ચામડીના કાળા રંગને કારણે તમે અહીં પ્રાર્થના કરવા માટે પ્રતિબંધિત છો, એને માટે બીજે ક્યાંક જાઓ.’ ‘ચર્ચ સિવાય બીજે ક્યાં જાઉં ?’ પાદરીએ કહ્યું, ‘તમે ઈશુને પ્રાર્થના કરો કે એ તમને કોઈ રસ્તો સુઝાડે.’ થોડાક સમય બાદ પેલા ગર્વિષ્ટ અને રંગદ્વેષી પાદરીને આ અશ્વેત સજ્જન બજારમાં મળી ગયા. પાદરીએ એની ખબર પૂછી. કયા ચર્ચમાં જઈને પ્રાર્થના કરી તેની માહિતી મેળવી, ત્યારે પેલી અશ્વેત વ્યક્તિએ કહ્યું, ‘તમે મને પ્રાર્થના કરવાનું કહ્યું હતું. તમારા સૂચન પ્રમાણે મેં જિસસને પ્રાર્થના કરી. એ પછી પેલી પ્રવેશબંધી અંગે એમને વાત કરી. ત્યારે જિસસે મને કહ્યું, ‘અરે ભાઈ, તું મહેરબાની કરીને એ ચર્ચમાં પ્રવેશવાનો પ્રયત્ન ન કરીશ. તું નિષ્ફળ જ જવાનો. હું પોતે વર્ષોથી એમાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પણ હજી મને કોઈ સફળતા મળી નથી.’
કુમારપાળ દેસાઈ