ઘરગથ્થુ મસાલાસામગ્રી તથા ઔષધદ્રવ્ય. લૅ. Cuminum cyminum L. તેનું કુળ ઍપિયેસી (અમ્બેલિફેરી) છે. તેમાં દ્વિગુણિત રંગસૂત્રોની સંખ્યા ૧૪ છે. ઉદભવસ્થાન ભૂમધ્ય સમુદ્રવિસ્તાર મનાય છે. વાવેતર ભારત ઉપરાંત ઈરાન, ઇરાક, પાકિસ્તાન, તુર્કસ્તાન, સીરિયા, ઇઝરાયલ, સાઇપ્રસ, અલ્જિરિયા અને દક્ષિણ રશિયામાં થાય છે. જીરાના વાવેતર અને ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત અને રાજસ્થાનનું લગભગ ૯૦% જેટલું પ્રદાન છે. ગુજરાતમાં જીરાનું વાવેતર મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રવી ઋતુમાં થાય છે. જીરાનો છોડ નાનો અને કુમળો, વધુ ડાળી ધરાવતો, ૨૦થી ૨૫ સેમી. ઊંચો અને જાંબલી રંગનાં ઝીણાં ફૂલોવાળો હોય છે. જીરાનો દાણો વરિયાળીથી નાનો, લાંબો અને પાતળો, રાખોડી રંગનો અને ઉપર ૫થી ૭ જેટલી નસોવાળો હોય છે.
જીરાનો છોડ


જીરું
જીરાની સુગંધી તેના બાષ્પતેલમાં રહેલ ૨૦%થી ૪૦% જેટલા ક્યુમિન આલ્ડિહાઇડને આભારી છે. જીરાની વિશિષ્ટ પ્રકારની સુગંધ અને મનભાવતો સ્વાદ હોવાના કારણે તેને ‘મસાલાનો રાજા’ ગણવામાં આવે છે. અથાણાં અને દાળ-શાકમાં કે સૂપમાં દળેલું કે ખાંડેલું ધાણાજીરું વપરાય છે. આ ઉપરાંત વઘારમાં તેમજ ગોટા, ખમણ અને પાતરાં જેવાં ફરસાણમાં કે નમકીનમાં જીરાનો ઉપયોગ જાણીતો છે. હવે તો ઠંડાં પીણાંમાં, પનીરમાં, બિસ્કિટ-કેક વગેરેમાં અને જુદી જુદી માંસાહારી બનાવટોમાં પણ તેનો ઉપયોગ દિન-પ્રતિદિન વધતો જાય છે.
જીરાનો મસાલા તરીકેનો ઉપયોગ તેમાં રહેલ ઔષધીય ગુણોના કારણે છે. તે કૃમિનાશક છે. ખાસ કરીને આંતરડાંની બીમારીમાં વધુ અસરકારક હોઈ પેટનો દુખાવો, અપચો, ઝાડા વગેરેમાં ગુણકારી છે. તે શરદી, સળેખમ માટેની દવામાં પણ વપરાય છે. તેનું બાષ્પતેલ સાબુ, સૌંદર્યપ્રસાધનો ઉપરાંત કેફી કે ઠંડાં પીણાંમાં સુગંધ લાવવા ઉપયોગમાં લેવાય છે. એશિયાના ‘સૌથી મોટું ખેતઉત્પન્ન બજાર’ મનાતા ઊંઝામાં વાર્ષિક રૂ. ૫૦૦ કરોડથી પણ વધુ વેપાર એકલા જીરાનો જ થાય છે. ભારતનું જીરું ગુણવત્તાની દૃષ્ટિએ સારું હોવા છતાં આંતરિક ભાવો ઊંચા હોઈ કેટલીક વાર આંતરરાષ્ટ્રીય બજારની હરીફાઈમાં ટક્કર ઝીલવી મુશ્કેલ પડે છે; આમ છતાં તેનું ઉત્પાદન વધારી નિકાસ દ્વારા વધુ હૂંડિયામણ કમાવાની શક્યતા ઘણી રહેલી છે. જીરાના રોગો : જીરું મરીમસાલા વર્ગનો અગત્યનો પાક છે. તેમાં જુદા જુદા વ્યાધિજનથી ચરેરી, છારો, સુકારો અને પીળિયો રોગ સામાન્ય રીતે જીરું ઉગાડતા પ્રદેશોમાં જોવા મળે છે. છારો : ફૂગથી થતો આ રોગ જીરાના પાકનો એક મહત્ત્વનો રોગ છે. જો રોગની શરૂઆત ફૂલ બેસવાના સમયે થઈ હોય તો ઉતાર ૫૦% જેટલો ઓછો આવે છે. જ્યારે દાણા બેસવાના સમયે રોગ આવે તો ૧૦%થી ૧૫% ઉતાર ઓછો આવે છે. રોગની શરૂઆત ફૂલ બેસવાના સમયે એટલે કે જાન્યુઆરી માસમાં થાય છે. શરૂઆતમાં છોડનાં પાન પર સફેદ રંગનાં આછાં ટપકાં જણાય છે અને ધીમે ધીમે સમગ્ર છોડ ઉપર આવાં ટપકાં થાય છે. છેવટે આખો છોડ સફેદ થઈ જાય છે. પરિણામે છોડનો વિકાસ રૂંધાય છે, દાણા બેસતા નથી અને દાણાની શરૂઆત થઈ હોય તો તે અલ્પવિકસિત રહે છે, તેથી જીરાનો ઉતાર ઘટે છે. શરૂઆતમાં છોડ રાખોડી રંગના અને છેવટે સફેદ રંગના, છાશ જેવા થઈ જાય છે.
ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જીરું અને તેના રોગો,
પૃ. ૭૯૩)
હિંમતસિંહ લા. ચૌહાણ