જૂડો


વિશ્વમાં પ્રસાર પામેલી મલ્લયુદ્ધ પ્રકારની જાપાનની લોકપ્રિય રમત. નિ:શસ્ત્ર અવસ્થામાં આત્મરક્ષા માટે પ્રયોજાતી ૨૦૦૦ વર્ષ જૂની જ્યુજિત્સુ નામની યુદ્ધકલામાંથી તેનો ઉદભવ થયો. ચીન, જાપાન અને તિબેટના બૌદ્ધ સાધુઓને વિહાર-સમયે હિંસા વિના આત્મરક્ષા અર્થે તૈયાર રહેવાની આવશ્યકતામાંથી આ કલા વિકાસ પામી. જિગોરો કાનો (૧૮૬૦-૧૯૩૮) નામના જ્યુજિત્સુનિષ્ણાતે ૧૮૮૨માં આ રમતને નવો ઘાટ આપ્યો. તેણે ભયાવહ દાવ કાઢી નાખીને સરળ ક્રીડાપદ્ધતિની રચના કરી. ૧૯૫૧માં આંતરરાષ્ટ્રીય જૂડો મંડળ સ્થપાયું. ૧૯૫૬થી જાપાનમાં ટોકિયોમાં વિશ્વશ્રેષ્ઠની સ્પર્ધાઓનો આરંભ થયો. એ જ વર્ષથી તેનો ઑલિમ્પિક રમતોત્સવમાં અને લગભગ પાછળ જ એશિયાઈ રમતોત્સવમાં સમાવેશ કરાયો. ૧૯૮૦થી ન્યૂયૉર્ક(યુ.એસ.)માં મહિલા શ્રેષ્ઠ સ્પર્ધાઓ આરંભાઈ.

જૂડોમાં પ્રતિસ્પર્ધી ભારે અને બળવાન હોય તોપણ તેના જ ભાર અને બળથી તેને માત કરવાની યુક્તિઓ વિકસાવવા પર ભાર મુકાયો છે. મર્મસ્થાનો પર પ્રહાર કરી તેને વેદનાગ્રસ્ત કરવા હાથનો ઉપયોગ થાય છે. આ કળાને આતેમી કહે છે. તેમાંથી કરાટે નામની સ્વતંત્ર રમત વિકસાવવામાં આવી છે. જૂડોમાં સમતલ સ્થાન ઉપર ૯ મી. બાજુવાળા સાદડી પાથરેલા ચોરસ ક્રીડાસ્થળ ઉપર બે સ્પર્ધકો નમન કરીને ક્રીડાનો આરંભ કરે છે. કપડાને ગળા કે બાંય પાસે પકડીને એકબીજાને ચીત કરવા મથે છે. ૩૦ સેકંડની ચીત-અવસ્થાથી પછાડનારને ગુણ મળે છે. પાશ તથા હસ્તમરોડ દ્વારા પણ ગુણ પ્રાપ્ત કરી શકાય છે. ગુણને ઇપોન કહે છે. યુદ્ધનો સમય ૩થી ૨૦ મિનિટનો છે. ઇપોન નોંધાય એટલે રમત પૂરી થઈ ગણાય છે. નિયત અવધિ પતી જવા છતાં ઇપોન નોંધાય નહિ, ત્યારે નિર્ણાયકો યુદ્ધ દરમિયાન સ્પર્ધકોના એકંદર કૌશલને લક્ષમાં લઈ વિજેતા ઠરાવે છે. રમતમાં શારીરિક તથા માનસિક ચપળતાનું મહત્ત્વ ઘણું છે. સ્પર્ધકોમાં બે મુખ્ય વર્ગો – વિદ્યાર્થીકિયુ તથા નિષ્ણાત-દાન — છે. એમાં વિવિધ કક્ષાઓ છે, જે પટાના રંગ ઉપરથી સૂચિત થાય છે. સામાન્ય રીતે ચોથી દાન-કક્ષા ઇષ્ટ ગણાય છે. ૭થી ૧૦ વર્ષ સુધી સપ્તાહમાં ૩ દિવસ પ્રશિક્ષણ લીધા પછી તે સિદ્ધ થાય છે. ૫મી દાન-કક્ષા માટે કાળો પટો, ૬થી ૮ દાન-કક્ષા માટે કાળો અથવા રાતો અને શ્વેત પટો, ૯થી ૧૧ દાન-કક્ષા માટે રાતો પટો અને ૧૨મી દાન-કક્ષાએ બેવડી પહોળાઈનો શ્વેત પટો ધારણ કરવામાં આવે છે. સર્વોચ્ચ કક્ષાનો રાતો પટો વિશ્વમાં કેવળ ૧૩ પુરુષો ધરાવે છે. અમેરિકા તથા ભારત સહિત ઘણા દેશોમાં જૂડો રમત લોકપ્રિય થઈ રહી છે. જોકે ભારતમાં જૂડોની સરખામણીમાં કરાટે વધારે લોકપ્રિય છે. સેના તથા પોલીસદળમાં જવાનોને તેનું વ્યવસ્થિત શિક્ષણ આપવામાં આવે છે. વડાપ્રધાન જેવી મહાનુભાવ વ્યક્તિઓની રક્ષા માટેના કર્મચારીઓ જૂડોના નિષ્ણાત હોય છે. વિશ્વના શ્રેષ્ઠ રમતવીરોમાં જાપાનના યાસુહિરો, યામાશિતા, શોઝો ફુજી, નાઓયા યોગાવા અને હિતોશી સાઈતો, નેધરલૅન્ડ્ઝના વિલ્હેમ રુસ્કા, ઑસ્ટ્રિયાના પીટર સેઇઝનબેખર, પોલૅન્ડના વાલ્ડેમર લેજિયન તથા બેલ્જિયમની ઇન્ગ્રિડ બર્ગમન્સનો સમાવેશ થાય છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

ચિનુભાઈ શાહ