ઇઝરાયલનું પાટનગર તથા યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને મુસલમાનોનું ધાર્મિક સ્થાન. ભૌગોલિક સ્થાન : ૩૧° ૪૬´ ઉ. અ. અને ૩૫° ૧૪´ પૂ. રે.. ઈ. પૂ. ૧૦૦૦ વર્ષે રાજા ડૅવિડે આ નગરને ઇઝરાયલની ભૂમિના પાટનગર તરીકે જાહેર કર્યું, ત્યારથી તે વિશ્વના યહૂદીઓ માટે ઐતિહાસિક, આધ્યાત્મિક તથા રાષ્ટ્રગૌરવના સ્થાન તરીકે ખ્યાતિ પામ્યું છે. વસ્તી ૯,૮૧,૭૧૧ (૨૦૨૨), ભૌગોલિક વિસ્તાર ૬૫૩ ચોકિમી. (પૂર્વ જેરૂસલેમ સહિત), સમુદ્રતલથી ઊંચાઈ ૭૩૨ મી.. જુડાકન ટેકરીઓ વચ્ચે, ભૂમધ્ય સાગરથી ૫૫ કિમી. અંતરે તે વસેલું છે. પરંપરા અનુસાર નગરનું નામ હિબ્રૂ ભાષાના બે શબ્દોના સંયોજનથી પાડવામાં આવ્યું છે : ‘irs’ એટલે નગર તથા ‘shalom’ એટલે શાંતિ. આમ જેરૂસલેમ એટલે શાંતિનું નગર. ૧૯૪૮ના ઇઝરાયલ અને જૉર્ડન વચ્ચેના યુદ્ધના પરિણામે નગરના બે ભાગ પડ્યા. પશ્ચિમ જેરૂસલેમ ઇઝરાયલના કબજામાં અને પૂર્વ જેરૂસલેમ જૉર્ડનના કબજા હેઠળ ગયું. ૧૯૬૭ના ઇઝરાયલ-અરબ યુદ્ધમાં ઇઝરાયલના લશ્કરે પૂર્વ જેરૂસલેમ પર વિજય મેળવ્યો, જેને પરિણામે નગરના બંને ભાગ ઇઝરાયલના શાસન હેઠળ આવ્યા. પશ્ચિમ જેરૂસલેમનો વિકાસ આધુનિક ઢબે થયો છે. પૂર્વ જેરૂસલેમ જૂના શહેરનો ભાગ છે, જેમાં મોટા ભાગનાં ધાર્મિક સ્થળો આવેલાં છે.

નગરનું સરેરાશ તાપમાન જાન્યુઆરી માસમાં ૧૩° સે. અને જુલાઈ માસમાં ૨૪° સે. રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ ૫૧૦ મિમી. પડે છે. નગરના મોટા ભાગના ઔદ્યોગિક એકમો પશ્ચિમ જેરૂસલેમમાં વિકસ્યા છે. તેમાં હીરાનું પૉલિશિંગ, ખાદ્ય પદાર્થોની પ્રક્રિયા, રસાયણ, પ્લાસ્ટિકની બનાવટો, યંત્રો, ચામડાની વસ્તુઓ, વસ્ત્રો, છાપકામ એકમો ઉપરાંત ચાંદીનાં વાસણો, કાષ્ઠની વસ્તુઓ, કુંભારકામ, ભરતકામ જેવા હસ્તઉદ્યોગો નોંધપાત્ર છે. પૂર્વ જેરૂસલેમમાં હળવી તથા વપરાશી વસ્તુઓના ઉત્પાદન એકમો ઠીક ઠીક પ્રમાણમાં વિકાસ પામ્યા છે. નગરમાં બધી જ વિદ્યાશાખાઓનું શિક્ષણ આપતી સંસ્થાઓ છે. ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ હિબ્રૂ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. નગરનો સ્થાનિક વહીવટ ૨૧ સભ્યો ધરાવતી નગરપાલિકા કરે છે. તેનો કાર્યકાળ ૪ વર્ષનો હોય છે. મેયર તેના વડા છે. નગરપાલિકાની મોટા ભાગની આવક પ્રવાસન ઉદ્યોગમાંથી મળે છે, જે નગરનો મુખ્ય ઉદ્યોગ ગણાય છે. પશ્ચિમ જેરૂસલેમ વિભાગમાં રાજા ડૅવિડનો મકબરો તથા ઈસુએ જ્યાં અંતિમ ભોજન (last supper) કર્યું તે કક્ષ (cinacle) આવેલા છે. પૂર્વ વિભાગમાં ઉદ્યાનો, રમતગમતનાં મેદાનો, વિદ્યાલયો, યુવા મંડળોનાં મકાનો તથા રહેવાસ માટેની અદ્યતન ઇમારતો વિકસી છે. ૧૯૬૭માં પૂર્વ વિસ્તાર પર ઇઝરાયલનું આધિપત્ય થયા પછી તે વિસ્તારનો વિકાસ થયો છે. બાઇબલકાળથી જ ધાર્મિક સ્થળ તરીકે નગરનો મહિમા હતો. ઈ. સ. પૂ. ૧૦૦૦માં યહૂદીઓના કબીલાઓના પાટનગર તરીકે રાજા ડૅવિડે તેની પસંદગી કરી અને તેના પુત્ર સૉલોમને નગરમાં પ્રથમ દેવળ બાંધ્યું ત્યારથી યહૂદીઓ માટે તે પવિત્ર સ્થળ બન્યું. આ જ નગરમાં ઈસુના જીવનની કેટલીક મહત્ત્વની ઘટનાઓ બની અને ત્યાં જ તેમને વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યા, તેને લીધે ખ્રિસ્તીઓ માટે પણ તે પવિત્ર સ્થળ બન્યું. આ જ સ્થળેથી મહંમદ પયગમ્બરે સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું હતું એવી મુસલમાનોની માન્યતા હોવાથી મક્કા અને મદીના પછી વિશ્વના ત્રીજા પવિત્ર સ્થળ તરીકે તેઓ આ નગરની ગણના કરે છે. નગરનો ઇતિહાસ ૪૦૦૦ વર્ષ પૂર્વે પ્રાગૈતિહાસિક કાળથી શરૂ થાય છે. ઈ. સ. પૂ. ૧૦૦૦ આસપાસ રાજા ડૅવિડે આ નગરને પોતાના સામ્રાજ્યની રાજધાની બનાવી. ઈ. સ. પૂ. ૯૦૦માં તેના બે ભાગ પડ્યા. જુડાએ તેને પોતાના સામ્રાજ્યનું પાટનગર બનાવ્યું.
ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જેરૂસલેમ, પૃ. ૯૦૬)
બાળકૃષ્ણ માધવરાવ મૂળે