અરબી દ્વીપકલ્પના વાયવ્ય કિનારા પર હાશેમી વંશના રાજ્યકર્તાઓની હકૂમત હેઠળનો અરબ દેશ. ભૌગોલિક સ્થાન ૩૧° ઉ. અ. અને ૩૬° પૂ. રે.. મહંમદ પયગંબરના દાદા હાશેમના વંશના નામ પરથી તે હાશેમી રાજ્ય તરીકે ઓળખાય છે. મધ્યપૂર્વ વિસ્તારમાં વચ્ચોવચ આવેલો આ દેશ જૉર્ડન નદીના પૂર્વ તથા પશ્ચિમ કિનારા પર વસેલો છે. તેની ઉત્તરે સીરિયા, પૂર્વે ઇરાક તથા સાઉદી અરેબિયા, દક્ષિણે સાઉદી અરેબિયા તથા પશ્ચિમે ઇઝરાયલ દેશો આવેલા છે. તેનો કુલ વિસ્તાર ૮૯,૨૮૭ ચોકિમી. છે. તેનું સર્વોચ્ચ બિંદુ સમુદ્રસપાટીથી ૧,૭૫૪ મી. ઊંચાઈ પર છે, તો લઘુતમ બિંદુ સમુદ્રસપાટીથી ૩૯૬ મીટર નીચું છે. તેની કુલ વસ્તી ૧,૧૪,૮૪,૦૦૦ (૨૦૨૩, આશરે) તથા વસ્તીની ગીચતા ૩૫ પ્રતિ ચોકિમી. છે. કુલ વસ્તીના ૬૮% લોકો શહેરી વિસ્તારમાં તથા ૩૨% લોકો ગ્રામ વિસ્તારમાં વસે છે. દેશમાં સાક્ષરતાનું પ્રમાણ ૭૭% છે. કુલ વસ્તીમાં ૯૫% સુન્ની મુસલમાનો છે. કુલ વસ્તીમાંના ૫૫% લોકો મૂળ દેશવાસીઓ છે અને બાકીના પૅલેસ્ટાઇન પ્રદેશમાંથી આવેલા છે. ૧૦% વસ્તી શરણાર્થી શિબિરોમાં વસે છે. અરબી એ રાષ્ટ્રભાષા છે, જોકે અંગ્રેજી ભાષાનો દેશમાં બહોળો ઉપયોગ થાય છે. એક જમાનામાં આ દેશ ટ્રાન્સજૉર્ડન નામથી ઓળખાતો હતો. ઇસ્લામ રાજ્યનો અધિકૃત ધર્મ છે.

અલ અકાબા બંદર મૃત સરોવર
જૉર્ડન નદીની પૂર્વે ૫૫ કિમી. અંતરે આવેલું અમાન તેનું પાટનગર અને દેશનું મોટામાં મોટું નગર છે. અકાબાના અખાત પર આવેલું અકાબા એકમાત્ર બંદર છે. દેશની પશ્ચિમ તરફની સરહદ જેરૂસલેમ નગરમાંથી પસાર થતી હતી.
૧૯૬૭ પહેલાંના તેના કુલ વિસ્તારમાંથી માત્ર ૧૦% ખેતીલાયક છે, ૭૫% રણથી છવાયેલ છે અને ૧% વિસ્તાર જંગલ હેઠળ છે. જૉર્ડન નદીના પૂર્વ કિનારા પરનો પ્રદેશ, તેના પૂર્વ તરફનો રણપ્રદેશ, પશ્ચિમી કિનારા તરફનો પ્રદેશ તથા જૉર્ડનની ખીણનો પ્રદેશ એ ૪ જૉર્ડનના મુખ્ય ભૌગોલિક કે ભૂપૃષ્ઠ વિભાગ ગણાય છે. તેના પૂર્વ કિનારા પરનો મેદાની પ્રદેશ પૂર્વ તરફ ઢળતો જાય છે. આ પ્રદેશની દક્ષિણ તરફની ઊંચાઈ આશરે ૧,૭૫૦ મી. જેટલી છે અને તેમાં ૧,૭૫૪ મી. ઊંચાઈ ધરાવતું જેબેલ રામ્મ શિખર આવેલું છે. જૉર્ડન નદીના પશ્ચિમ કિનારા તરફનો પ્રદેશ પૅલેસ્ટાઇનના ઉચ્ચ પ્રદેશથી વ્યાપ્ત છે. આ પ્રદેશને પૂર્વ તરફના મેદાની વિસ્તારથી જુદા પાડતો પ્રદેશ જૉર્ડન નદીની સમતલ ખીણનો પ્રદેશ છે. ખીણોથી છવાયેલો આ પ્રદેશ વિશાળ ફાટખીણ(ધ ગ્રેટ રિફ્ટ વૅલી)નો ભાગ છે. વિશ્વનું સૌથી વધુ ખારા પાણીનું સરોવર (૨૪૦% ક્ષારતા) આ ખીણપ્રદેશના સૌથી નીચાણવાળા ભાગમાં આવેલું છે અને તે ‘મૃત સરોવર’ના નામથી ઓળખાય છે. તે પૃથ્વીતલનો સૌથી નીચો ભાગ પણ છે. જૉર્ડનનો સૌથી મોટો ભૂભાગ ટ્રાન્સજૉર્ડન પઠારનો સર્વોચ્ચ મેદાની પ્રદેશ છે.
દેશની આયાતોમાં ખાદ્ય પદાર્થો, યંત્રો, ખનિજ-તેલ તથા વાહનવ્યવહારનાં સાધનો મુખ્ય છે, નિકાસમાં ફૉસ્ફેટ, શાકભાજી તથા ફળફળાદિનો સમાવેશ થાય છે. દેશનો મોટા ભાગનો વિદેશવ્યાપાર સાઉદી અરેબિયા, ઇરાક, અમેરિકા, બ્રિટન, જર્મની, ઇટાલી, જાપાન અને ભારત સાથે થાય છે. વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારના ક્ષેત્રે જૉર્ડને નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેના પડોશી દેશો સાથે તે ઘનિષ્ઠ રીતે જોડાયેલું છે. તેનું એકમાત્ર બંદર અલ અકાબા અદ્યતન સગવડો ધરાવે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે, રક્ષા મ. વ્યાસ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, જૉર્ડન, પૃ. 35)
ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી