જ. ૨૧ એપ્રિલ, ૧૮૩૮ અ. ૨૪ ડિસેમ્બર, ૧૯૧૪

પ્રકૃતિવાદી લેખક, પર્યાવરણીય ફિલૉસૉફર, વનસ્પતિશાસ્ત્રી, પ્રાણીશાસ્ત્રી, હિમનદીશાસ્ત્રી અને યુનાઇટેડ સ્ટેટ્સમાં જંગલી પ્રાણીઓના સંરક્ષણ માટેના પ્રારંભિક હિમાયતી તરીકે જાણીતા જોન મુઈરને ‘પર્વતોના જ્હોન’ અને ‘રાષ્ટ્રીય ઉદ્યાનોના પિતા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ૧૧ વર્ષની ઉંમર સુધીમાં યુવાન મુઈરે નવા કરાર અને મોટા ભાગનું જૂના કરારનું ‘હૃદયથી અને દુ:ખી શરીરથી’ પાઠ કરવાનું શીખી લીધું હતું. ૨૨ વર્ષની વયે તેમણે વિસ્કોન્સિન-મેડિસન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવીને ઘણાં વર્ષો સુધી પોતાની રીતે કામ કર્યું હતું. જોન મુઈરનાં પુસ્તકો, પત્રો અને નિબંધો જે પ્રકૃતિ-આલેખનથી ભરપૂર છે તે લાખો લોકો દ્વારા વાંચવામાં આવ્યાં છે. તેમના અથાક પ્રયત્નોથી યોસેમિટી ખીણ અને સેકવોઇયા રાષ્ટ્રીય ઉદ્યાનને જાળવવામાં ખૂબ મદદ મળી હતી. તેમણે જેની સ્થાપનામાં ખૂબ રસ દાખવેલો તે સીએરા ક્લબ અમેરિકાની એક અગ્રણી સંરક્ષણ સંસ્થા છે. તેમના જીવનનો મોટો ભાગ એમણે પશ્ચિમી જંગલોના સંરક્ષણ માટે સમર્પિત કર્યો હતો. યોસેમિટીને રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવાની ઝુંબેશના ભાગ રૂપે મુઈરે ‘ધ સેન્ચ્યુરી’ નામના મૅગેઝિનમાં જંગલના સંરક્ષણ વિશે બે સીમાચિહનરૂપ લેખો લખેલા. જેનાથી ૧૮૯૦માં યુ.એસ. કૉંગ્રેસ દ્વારા યોસેમિટી રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના માટે બિલ પસાર કરવાના દબાણને ટેકો મળ્યો હતો. જોન મુઈરને ‘સ્કોટ્સ અને અમેરિકનો બંને માટે પ્રેરણા’ માનવામાં આવે છે. મુઈરના જીવનચરિત્રકાર સ્ટીવન જે. હોમ્સ તેમને ‘વીસમી સદીના અમેરિકન પર્યાવરણીય પ્રવૃત્તિના આશ્રયદાતા સંતોમાંના એક’ તરીકે મૂલવે છે. તો એન્સેલ એડમ્સ જેવા પ્રકૃતિ ફોટોગ્રાફરો દ્વારા તેમને ઘણી વાર ટાંકવામાં આવ્યા છે. પ્રકૃતિવિષયક એમનાં લખાણો અનેક લોકોને માર્ગદર્શક બન્યાં હોવાથી આધુનિક પર્યાવરણીય ચેતનામાં તેમનું નામ સર્વવ્યાપી બન્યું હતું. ૨૧ એપ્રિલ, ૨૦૧૩ના રોજ સ્કોટલૅન્ડમાં પ્રથમ વાર જોન મુઈર દિવસ ઊજવવામાં આવ્યો હતો. જે તેમની ૧૭૫મી વર્ષગાંઠ હતી, જેમાં આ પ્રકૃતિસંરક્ષકને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
અશ્વિન આણદાણી