જ. ૧૧ જાન્યુઆરી, ૧૮૫૯ અ. ૨૦ માર્ચ, ૧૯૨૫
લૉર્ડ કર્ઝન તરીકે ખ્યાતિ પામનાર ભારતના જાણીતા વાઇસરૉય અને કાર્યદક્ષ વહીવટકર્તા. ઑક્સફર્ડમાં ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરી ઉજ્જ્વળ શૈક્ષણિક કારકિર્દી અને વિચક્ષણ બુદ્ધિપ્રતિભાને લીધે ૨૭ વર્ષની ઉંમરે ૧૮૮૬માં ઇંગ્લૅન્ડની સંસદમાં સભ્ય બન્યા. તેમના ઉમદા વ્યક્તિત્વની કદર કરતાં સરકારે ૧૮૯૮માં તેમની ભારતના ગવર્નર જનરલ તરીકે નિમણૂક કરી. ભારત આવતાં પહેલાં જ ભારત દેશની પરિસ્થિતિનો સંપૂર્ણ પરિચય મેળવી લીધો. તે સમયે ભયાનક દુષ્કાળની પરિસ્થિતિ હોવાથી ભારતના વહીવટી તંત્રને ગતિશીલ બનાવવા ઝડપી અને અસરકારક પગલાં લીધાં હતાં. આમ તમામ ક્ષેત્રે કેન્દ્રીકરણની નીતિ અપનાવી હતી. તમામ પ્રશ્નોના નિરાકરણ માટે નિષ્ણાતોના અભિપ્રાયો અને સૂચનો મેળવી વહીવટી માળખામાં ક્રાંતિકારી ફેરફારો કર્યા. એન્ટની મૅકડોનાલ્ડના અધ્યક્ષપણા નીચે દુષ્કાળ પંચની નિમણૂક કરી. સર ઍન્ડ્રુ ફ્રેઝરના પ્રમુખપદે પોલીસતંત્રમાં સુધારા કરવા પંચની નિમણૂક કરી. લૉર્ડ કિચનરના અધ્યક્ષપણા હેઠળ લશ્કરમાં સુધારાવધારા અંગે તથા થૉમસ રેલેના નેતૃત્વ નીચે શિક્ષણક્ષેત્રે સુધારા માટે પંચની નિમણૂક કરી. ૧૯૦૪માં ‘સહકારી ધિરાણ સોસાયટી ધારો’ અને ‘પુરાતત્ત્વ સ્મારક સંરક્ષણ ધારો’ પસાર કર્યા. ૧૯૦૫માં જુલાઈ માસમાં ભાગલાની યોજના તૈયાર કરી અને વહીવટી સુગમતા અને આસામના વિકાસના બહાના હેઠળ ૧૬ ઑગસ્ટ, ૧૯૦૫ના રોજ બંગાળના ભાગલા જાહેર કરવાથી જોરદાર વિરોધનો વંટોળ જાગ્યો. આખરે ૧૯૧૧માં લૉર્ડ હાર્ડિન્ગે તે ભાગલા રદ કર્યા. વિચક્ષણ બુદ્ધિપ્રતિભા સાથે તુમાખીપણું અને જક્કી વલણને લીધે સરસેનાપતિ લૉર્ડ કિચનર સાથે અધિકારક્ષેત્રની બાબતે મનદુ:ખ થતાં ઑગસ્ટ, ૧૯૦૫માં રાજીનામું આપી સ્વદેશ પાછા ફર્યા. તેમનો છ વર્ષનો શાસનકાળ ઘણો ચર્ચાસ્પદ રહ્યો અને ભારતની પ્રજામાં અપ્રિય પણ રહ્યા. ભારત છોડ્યા પછી ૧૯૧૯-૧૯૨૩ દરમિયાન તેઓ બ્રિટનના વિદેશમંત્રી રહ્યા હતા.
રાજશ્રી મહાદેવિયા