જ. ૨૨ નવેમ્બર, ૧૮૩૦ અ. પ એપ્રિલ, ૧૮૫૮
ઇતિહાસનાં પાનાંઓમાં એક મહાન દલિત મહિલા યોદ્ધાની વાત છે, જે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની મહિલાસેના દુર્ગાદલની સેનાપતિ હતી. ઝાંસીના ભોજલા ગામે એક નિર્ધન કોળી પરિવારમાં જન્મેલી ઝલકારી બાઈ પોતાની દૃઢતા અને સાહસથી એક આદરણીય યોદ્ધા બની ગઈ. ઝલકારીના પિતાએ નાનપણથી જ તેમને ઘોડેસવારી અને હથિયાર ચલાવવાની શિક્ષા આપી હતી. જ્યારે તે મોટી થઈ ત્યારે એક સૈનિક અને રાણી લક્ષ્મીબાઈની વિશ્વસનીય સલાહકારોમાંની એક બની ગઈ. તેના પતિ પૂરન કોરીની પાસેથી તીરંદાજી, કુસ્તી અને નિશાનબાજી શીખી હતી. પૂરન કોરી રાણી લક્ષ્મીબાઈના પતિ રાજા ગંગાધરની સેનામાં એક સૈનિક હતા. ઝલકારી બાઈ પોતાના પતિની સાથે શાહી મહેલ જતી હતી. જ્યારે રાણીને તેની બહાદુરીની ખબર પડી ત્યારે તે તેમની સારી બહેનપણી બની ગઈ. ઘણા લોકો એમ માનતા હતા કે ઝલકારી બાઈનાં કદ અને કાઠી રાણી જેવાં જ હતાં.
૧૮૫૭ના પ્રથમ સ્વતંત્રતાસંગ્રામમાં અંગ્રેજ સેનાથી રાણી લક્ષ્મીબાઈ ઘેરાઈ ગયાં ત્યારે ઝલકારી બાઈએ પોતાની સૂઝબૂઝથી સ્વામીભક્તિ અને રાષ્ટ્રીયતાનો પરિચય આપ્યો. તેણે રાણીના વેશમાં યુદ્ધ કર્યું અને અંતિમ સમયે અંગ્રેજોના હાથે પકડાઈ ગઈ અને રાણી લક્ષ્મીબાઈને તેમના પુત્ર સાથે કિલ્લાની બહાર ભાગી જવાનો અવસર મળી ગયો. આ યુદ્ધમાં ઝલકારી વીરતાથી લડી અને વીરગતિ પામી. બુંદેલખંડની લોકકથાઓ અને લોકગીતોમાં ઝલકારી બાઈની ગાથા આજે પણ સંભળાય છે. ૨૦૦૧ની સાલમાં તેઓના સન્માનમાં એક ટપાલટિકિટ પણ બહાર પાડવામાં આવી છે.
અંજના ભગવતી