જ. ૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૦ અ. ૧૪ ઑગસ્ટ, ૨૦૦૮ ગુજરાતી કવિ, સમાજસેવક અને ગાંધીભક્ત ડાહ્યાભાઈનો જન્મ ખેડા જિલ્લાના સુણાવ ગામમાં થયો હતો. ૧૯૪૬માં ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગયા અને બૅરિસ્ટર થયા.
તેમણે આફ્રિકા જઈ યુગાન્ડામાં વકીલાત શરૂ કરી. સામાજિક સંસ્થાઓ દ્વારા સમાજસેવા શરૂ કરી, સ્થાનિક પ્રજાના આદર અને વિશ્વાસ પ્રાપ્ત કરવા સાથે સાહિત્યને લગતી પ્રવૃત્તિઓ પણ શરૂ કરી. તેમની સમાજસેવાને પરિણામે તેઓ યુગાન્ડાની પાર્લમેન્ટમાં ચૂંટાઈ આવ્યા. ઇદી-અમીનની જુલ્મી નીતિઓનો વિરોધ કરવાને કારણે તેમને જેલવાસ ભોગવવો પડ્યો. ત્યાંથી ભારતવાસીઓની હિજરત સમયે ૧૯૭૨માં લંડન આવી વસ્યા. લંડનમાં ગુજરાતી સાહિત્ય અકાદમી તથા મહાત્મા ગાંધી ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ સ્થાપી. ગાંધીજીના જીવન પર ‘મોહનગાંધી મહાકાવ્ય’ નામે અનેક કાવ્યગ્રંથોમાં વિસ્તાર પામેલું દીર્ઘપ્રશસ્તિ કાવ્ય લખ્યું. ૧૪ ગ્રંથોમાંથી ૧૧ ગ્રંથો પ્રગટ થયા છે. તેમણે ૧૫ નવલકથાઓ અને ૯ વાર્તાસંગ્રહોનું સર્જન કર્યું છે. તેમનું શ્રીમદ્ ભગવદગીતા વિશેનું ચિંતનાત્મક પુસ્તક નોંધનીય છે. ગુજરાતી ભક્ત કવિઓનાં ભક્તિપદોનું અંગ્રેજી ભાષાંતર પણ તેમણે કર્યું છે. ડાહ્યાભાઈ ભારતીય વિદ્યાભવનના પણ સક્રિય સભ્ય હતા.
ગાંધીજી વિશેના મહાકાવ્યનો કેટલોક ભાગ તેમણે સંસ્કૃતમાં લખલો છે. લંડનમાં રહીને પણ ગાંધી-પ્રશસ્તિનાં અનેક કાવ્યો લખી પ્રગટ કરનાર ગાંધીભક્ત ડાહ્યાભાઈએ જીવનની અંતિમ ઘડી સુધી સાહિત્યસર્જન ચાલુ રાખ્યું હતું. તેમને ૧૯૮૯ના ‘વિશ્વગુર્જરી’ ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શુભ્રા દેસાઈ