ડાહ્યાભાઈ ધોળશાજી


જ. ૧૯ માર્ચ, ૧૮૬૭ અ. ૩૦ એપ્રિલ, ૧૯૦૨

ગુજરાતી નાટ્યકાર તરીકે જાણીતા ડાહ્યાભાઈ ધોળશાજીની અટક ઝવેરી હતી. તેમનું તખલ્લુસ ‘નવીન’ હતું. તેમનો જન્મ અમદાવાદમાં જૈન ઓસવાળ જ્ઞાતિના એક શ્રીમંત કુટુંબમાં થયો હતો. તેમણે ૧૮૮૫માં મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત કૉલેજમાં દાખલ થયા હતા, પરંતુ એક વર્ષ બાદ તેમણે અભ્યાસ છોડી દીધો હતો. ડાહ્યાભાઈ ધોળશાજીનું ગુજરાતી નાટકક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન છે. તેમણે ધના દેસાઈ અને ધમલા માળી જેવાં હાસ્યપોષક ખલપાત્રો(comic villains)નું સર્જન કર્યું હતું. નાટકોમાં તેમણે લોકગીતો અને લોકકથાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કર્યો હતો. રંગમંચ ઉપર સચોટ સંવાદ લખવાની પ્રથા, ગીતોની આકર્ષક તરજો બાંધવાની, યુગલગીતો મૂકવાની તેમજ ‘ટૅબ્લો’ ગોઠવવાની પ્રથા તેમણે શરૂ કરી હતી. ૧૮૮૯માં કવિ કાલિદાસના ‘અભિજ્ઞાનશાકુંતલમ્’ નાટકના અનુવાદથી તેમની સાહિત્યસર્જનની યાત્રા શરૂ થઈ હતી. તેમનાં નાટકોમાં મનુષ્યજીવનનાં સુખો અને દુ:ખો જેવાં સંવેદનોની છાયાઓની સાથોસાથ સદાચાર અને નીતિબોધ પણ વણાયેલા છે. ‘શાકુન્તલ’ બાદ ‘સતી સંયુક્તા, ‘સુભદ્રાહરણ’, ‘ભોજરાજ’, ‘ઉર્વશી અપ્સરા’, ‘વીર વિક્રમાદિત્ય’, ‘રામરાજ્યવિયોગ, ‘સતી પાર્વતી’, ‘ભગતરાજ’, ‘કેશર-કિશોર’, ‘મ્યુનિસિપલ ઇલેક્શન, ‘અશ્રુમતી’, ‘સરદારબા’, ‘ઉમાદેવડી’, ‘તારાસુંદરી’, ‘વીણા-વેલી’, ‘વિજયાવિજય’, ‘ઉદયભાણ’ અને ‘મોહિનીચંદ્ર’ જેવાં ૨૦થી વધુ નાટકો પ્રાપ્ત થાય છે. ‘વિજય-કમળા નાટકનો એક અંક ડાહ્યાભાઈએ અને બીજો અંક છોટાલાલ ઋષભદેવ શર્માએ ડાહ્યાભાઈના અવસાન બાદ ૧૯૦૪માં લખ્યો હતો.

અશ્વિન આણદાણી