ડૉ. ઉપેન્દ્ર ધીરજલાલ દેસાઈ


જ. ૧૦ માર્ચ, ૧૯૨૫ અ. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૧

કૉસ્મિક કિરણો, ઇલેક્ટ્રૉનિક્સ અને અવકાશવિજ્ઞાનક્ષેત્રે અભૂતપૂર્વ પ્રદાન કરનાર ભારતીય વિજ્ઞાની. તેમનો જન્મ અમદાવાદમાં બ્રહ્મક્ષત્રિય કુટુંબમાં થયો હતો. ૧૯૪૧માં અમદાવાદની ગુજરાત કૉલેજમાં પ્રવેશ મેળવી મુખ્ય વિષય ભૌતિકશાસ્ત્ર અને ગૌણ વિષય ગણિત સાથે ૧૯૪૫માં બી.એસસી. કર્યું. ૧૯૪૮માં ઇલેક્ટ્રૉનિક્સ સાથે મુંબઈ યુનિવર્સિટીની એમ.એસસી.ની પદવી મેળવી. ત્યારબાદ ભૌતિકશાસ્ત્રના નિર્દેશક તરીકે ગુજરાત કૉલેજમાં જોડાયા. તે સમયે ડૉ. વિક્રમ સારાભાઈએ અમદાવાદમાં સ્થાપેલી ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી(PRL)માં તેઓ સંશોધનકર્તા તરીકે જોડાયા. તેમના સંશોધનકાર્ય ‘ટાઇમ વેરિયેશન ઑવ્ કૉસ્મિક રેઝ’ માટે ગુજરાત યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત થઈ. ૧૯૫૯માં નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સના ફેલો તરીકે નાસામાં જોડાયા. તેઓ ગોડાર્ડ સ્પેસ લાઇટ સેન્ટર(GSFC)માં કૉસ્મિક કિરણોના અભ્યાસ માટે કાર્યરત બન્યા. ૧૯૬૩માં ડૉ. વિક્રમ સારાભાઈના અધ્યક્ષપણા હેઠળ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ (Incospar) અને થુંબા ઇક્વિટોરિયલ રૉકેટ લોન્ચિંગ સ્ટેશન(TERLS)ની સ્થાપના કરી. આ સંસ્થા શરૂ કરવામાં તેમનો ફાળો અત્યંત મહત્ત્વનો બની રહ્યો. ત્યાર બાદ તેમણે અમેરિકા ખાતે કાયમી વસવાટ કર્યો અને નાસામાં કાર્યરત રહ્યા. અમેરિકાએ અવકાશમાં છોડેલા ઍપોલો-IIની ઇલેક્ટ્રૉનિક્સની તમામ કામગીરી તેમણે સંભાળી હતી. તેમના સહયોગથી ભારતમાં પણ પહેલું રિસર્ચ રૉકેટ થુમ્બા સ્ટેશનેથી છોડવામાં આવેલું. ડૉ. ઉપેન્દ્ર દેસાઈએ કૉસ્મિક કિરણો, ઇલેક્ટ્રૉનિક્સ અને અવકાશસંશોધનને લગતા લેખો લખ્યા છે. સ્વાવલંબી, પરોપકારી અને સાદગીસભર જીવન જીવનાર ડૉ. દેસાઈ અમેરિકામાં રહીને પણ ભારતીય સંસ્કારો સાથે જોડાયેલા રહ્યા. વિજ્ઞાનક્ષેત્રે કરેલા બહુમૂલ્ય પ્રદાન બદલ ૧૯૮૧માં તેમને વિશ્વગુર્જરી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ