આંખમાં લે છે ? —————
વેદનાની વાત એવી વ્યક્તિઓને કરવી કે જેમની ભીતરમાં સંવેદના હોય. દુ:ખની વાત એને કરવી કે જેણે દુ:ખના ઘા ખમ્યા હોય. જીવનની વ્યથા, પીડા કે વેદનાની વાત કરતી વખતે તમારે એના કાનનો પહેલાં વિચાર કરવો. જે કાન શ્રવણ કરવાના છે, એ કઈ રીતે ગ્રહણ કરશે ? વ્યક્તિઓ ત્રણ પ્રકારની હોય છે. કેટલીક વ્યક્તિઓ અન્યનાં દુ:ખ અને દર્દ સાંભળીને પોતાનાં દુ:ખ-દર્દ વેદના જગાવે છે. બીજાનો પ્રણયભંગ એમના દિલમાં પોતાના પ્રણયભંગની સ્મૃતિની વેદના જગાવે છે. અન્યની ગરીબ અવસ્થા જોઈ એ એમની પૂર્વેની દરિદ્રતાના વિચારમાં ડૂબી જાય છે. આવી વ્યક્તિઓને બીજાનાં દુ:ખ સાથે અનુસંધાન હોતું નથી, પણ પોતાની જાત સાથે ગાઢ આસક્તિ હોય છે. બીજા પ્રકારની વ્યક્તિ અન્યનાં દુ:ખ અને દર્દ સાંભળીને એમને શાબ્દિક સહાનુભૂતિ આપશે. ગળગળા અવાજે એની વાતનો સ્વીકાર કરશે અને અવસર મળે આંખમાં આંસુ પણ લાવશે, પરંતુ એમની સહાનુભૂતિ એ આ ક્ષણ પૂરતી હોય છે, પછીની ક્ષણે એણે કહેલા સાંત્વનાના સઘળા શબ્દો એના અંતરમાંથી લુપ્ત થઈ જાય છે. આ બંને પ્રકારના માણસો સમક્ષ પોતાનાં દુ:ખ-દર્દ પ્રગટ કરવાં નહીં, જે તમારા સ્વજન હોય એમ ઊંડા ભાવથી તમારાં દુ:ખ પૂછશે અને પછી તમારાં દુ:ખોનું દુનિયા સમક્ષ હસતાં હસતાં વર્ણન કરશે. ટ્રૅજેડીમાંથી કૉમેડીના અંશો તારવશે. એમને મન બીજાનું દુ:ખ એ એમની ખુશીનું કારણ હોય છે. એમને બીજાનાં હૃદયના ઘા રૂઝવવામાં રસ નથી. તક મળે તો એના પર મીઠું ભભરાવવાનું ચૂકતા નથી. પોતાના જીવનની વ્યથા, વેદના, દુ:ખ કે પીડા એવી વ્યક્તિઓ સમક્ષ પ્રગટ કરવી કે જેની પાસે તમારી આંખનાં આંસુ એની આંખમાં લઈ શકે તેવું સંવેદનાપૂર્ણ હૃદય હોય અને સક્રિય સહાયની તત્પરતા હોય.
કુમારપાળ દેસાઈ