તું યાદ કરજે !


વારંવાર ભૂકંપગ્રસ્ત બનતા જાપાનમાં આવેલા એક ભયાનક ભૂકંપથી સર્જાયેલી તબાહીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે આવેલી ટુકડીનો અગ્રણી ધરાશાયી થયેલા મકાનમાં પહોંચ્યો. એણે જોયું તો તૂટી પડેલા મકાનના કાટમાળની નીચે એક સ્ત્રીનો મૃતદેહ પડ્યો હતો. જાણે પ્રાર્થનાની મુદ્રામાં હોય તેમ શરીરને ઘૂંટણથી આગળ ઝુકાવીને પડેલી હતી. જાણે કોઈ વસ્તુને એણે હૃદયસરસી ચાંપી ન હોય ! ખંડેર બનેલા મકાનની ઈંટોના મારથી એની કમર અને એના માથા પર જીવલેણ ઈજા પહોંચી હતી. એનું શરીર તદ્દન ઠંડું પડી ગયું હતું. સહુને ખ્યાલ આવ્યો કે આ સ્ત્રી ઉપરથી પડેલા મકાનની ઈંટોને કારણે મૃત્યુ પામી છે. બચાવ-ટુકડી આગળ વધી, પરંતુ એની આગેવાની સંભાળનારના મનમાં એક વિચાર આવ્યો કે આ સ્ત્રી ઘૂંટણિયે વળીને કેમ પડી હશે ? શું કશું શોધવા પ્રયત્ન કરતી હશે કે પછી એના હાથમાં કશુંક રાખીને પોતાનો જીવ બચાવવા એને વળગી પડી હશે ? ટુકડીનો આગેવાન પાછો આવ્યો અને એણે એ સ્ત્રીના મૃતદેહની નીચેથી તપાસ કરવાનો પ્રયત્ન કરતાં એ બોલી ઊઠ્યો, ‘અરે, અહીં એક બાળક છે !’ એનો અવાજ સાંભળી આખી ટુકડી પાછી આવી અને સ્ત્રીની આસપાસ પડેલા કાટમાળને ખસેડીને જોયું તો કામળીમાં વીંટાળેલું ત્રણ મહિનાનું એક બાળક એ સ્ત્રીના મૃતદેહની નીચેથી મળી આવ્યું. બધાને ખ્યાલ આવ્યો કે નક્કી માતાએ ઉપરથી થતા ચીજવસ્તુઓ અને ઈંટોના વરસાદથી બચાવવા માટે પોતાના બાળકને આમ કામળીમાં વીંટાળીને છાતીસરસો ચાંપીને ઘૂંટણભેર ઊભી રહી હશે. પોતાના શરીરને ઢાલ બનાવીને પોતાના સંતાનને બચાવવા પ્રયત્ન કરતી હશે. ટીમના આગેવાને કામળીમાં વીંટાળેલા બાળકને ઉપાડ્યું, તો એ બાળક નિરાંતે ઊંઘતું હતું. ડૉક્ટરે તરત જ બાળકની સારવાર શરૂ કરી. કામળી કાઢીને જોયું તો બાળકની પાસે એક સેલફોન પડેલો હતો. એ ફોનના સ્ક્રીન પર લખ્યું હતું. ‘જો તું બચી જાય, તો યાદ રાખજે કે તારી માતા તને ખૂબ ચાહતી હતી.’ મોબાઇલ પરનો સંદેશો વાંચી ટુકડીના સભ્યોની આંખો આંસુથી છલકાઈ ગઈ.