તોછડાં નામો વાપરનાર


ખૂની છે……………

કેટલીક વ્યક્તિઓ ‘ફૈબા-વૃત્તિ’થી પીડાતી હોય છે. પ્રત્યેક વ્યક્તિની શારીરિક કે સ્વભાવગત ખાસિયત લક્ષમાં રાખીને એના નામને બદલે બીજી રીતે એને બોલાવે છે.  ઓછી ઊંચાઈવાળી વ્યક્તિનો એ ‘ઠીંગુજી’ તરીકે ઉલ્લેખ કરશે. મહેનતુ માણસને ‘વેઠિયો’ કહેશે અને અલ્પ બુદ્ધિશક્તિવાળાને ‘બાઘો’ કે વિચિત્ર દેખાવ ધરાવનારને ‘કાર્ટૂન’ કહેશે. એના મૂળ નામથી એને વિશે વાત કરવાને બદલે તિરસ્કારસૂચક ‘ઉપનામ’થી બોલાવનાર વ્યક્તિ નિર્મળ માનસિકતા અને ક્ષુદ્ર વૈચારિકતા ધરાવે છે. એના મનમાં રહેલો તમામ વ્યક્તિઓ માટેનો તિરસ્કાર એના તોછડા શબ્દોમાં વ્યક્ત થાય છે અથવા તો પોતાની નિર્બળતાને ઢાંકવા કે અહમને પોષવા માટે એ તોછડાઈનો આશરો લે છે. જીવનની સ્થૂળતામાં રચ્યાપચ્યા અને સપાટી પર જીવતા આવા લોકોની વાણી એ એમના રુગ્ણ માનસનું પ્રગટીકરણ છે. સામેની વ્યક્તિ પ્રત્યેનો દ્વેષ પ્રગટ કરવાનું માધ્યમ બને છે. આની પાછળ દુર્વૃત્તિ કામ કરતી હોય છે. વળી વ્યક્તિને ‘ડબ્બો’, ‘પંતુજી’, ‘લંબૂ’ કે ‘બામ’ એવાં નામોથી ઓળખીને એના સમગ્ર વ્યક્તિત્વને ઘોર અન્યાય કરીએ છીએ. એના વ્યક્તિત્વનાં ઊજળાં પાસાંની ઉપેક્ષા કરીએ છીએ. જેનું નવું ‘ઉપનામ’ પાડ્યું હશે, તેમને એના ઉપનામની ખબર પડશે ત્યારે બોલનાર તરફ તિરસ્કાર અને ધિક્કાર જાગશે. એના મનમાં એ વિશેનો ડંખ રહેશે. એ વ્યક્તિ પાસેથી તમે જે ચાહતા હશો તે મેળવી શકશો નહીં, બલકે ધીરે ધીરે એનાં દ્વેષ, ઉપેક્ષા અને ગુસ્સાનું કારણ બનશો. તમારા ઉદબોધનમાંથી આવી નકારાત્મકતા અને તિરસ્કારને ઓગાળી નાંખજો, નહીં તો તમને જ એ વ્યક્તિ માટે પ્રયોજાયેલા શબ્દનો બચાવ કરવો ભારે પડી જશે.

કુમારપાળ દેસાઈ