થિયોડોર ક્રાક્રાફ્ટ હોપ


જ. ૯ ડિસેમ્બર, ૧૮૩૧ અ. ૪ જુલાઈ, ૧૯૧૫

ઇંગ્લૅન્ડમાં જન્મેલા બ્રિટિશ શાસન સમયે ભારતના એક સરકારી અધિકારી હતા. તેઓ ડૉ. જેમ્સ હોપ અને એને હોપના એકમાત્ર સંતાન હતા. તેઓ ટી. સી. હોપ તરીકે વધુ જાણીતા હતા. તેમણે ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ (૧૮૫૮) પુસ્તક પ્રકાશિત કર્યું હતું જે ગુજરાતી ભાષાના વ્યાકરણ વિશેનાં પ્રકાશનોમાં સૌથી શરૂઆતના પ્રયાસોમાંનું એક હતું. તેમનું શાળાકીય જીવન મહદંશે ઘેરથી અને રગ્બી સ્કૂલ અને હેઈલબરીની ખાનગી શાળામાં થયું. ત્યારબાદ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની કૉલેજમાં અભ્યાસ કર્યો. ૧૮૫૩માં તેઓ બૉમ્બે સિવિલ સર્વિસમાં જોડાયા. બે વર્ષની સિવિલ સર્વિસ બાદ તેમને ગુજરાતમાં નવા સ્થપાયેલા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં ઇન્પેક્ટર તરીકે નીમવામાં આવ્યા. અહીં કેટલાક સ્થાનિક વિશેષજ્ઞની મદદથી તેમણે ગુજરાતી પાઠ્યપુસ્તકોની હારમાળા બનાવી. જે હોપ વાચનમાળા તરીકે જાણીતી થઈ. ત્યારબાદ ગવર્નર સર જ્યૉર્જ ક્લર્કના અંગત સેક્રેટરી તરીકે અમદાવાદ જિલ્લામાં કાર્યરત રહ્યા. આ દરમિયાન તેમણે પોતાના પુરાતત્ત્વ ક્ષેત્ર પ્રત્યેના શોખને પોષ્યો અને જ્યારે તેઓ લાંબી રજાઓ માટે ઘેર (ઇંગ્લૅન્ડ) ગયા ત્યારે, અમદાવાદ, બીજાપુર અને ધારવારનાં પુરાતત્ત્વીય સ્મારકો પર ત્રણ મોટાં પુસ્તકો પ્રકાશિત કર્યાં. ભારત પાછા આવ્યા બાદ તેઓ આઠ વર્ષ માટે સૂરતમાં કલેક્ટર પદ પર રહ્યા અને પછી ૧૮૭૧માં મુંબઈના કમિશનર પદે કાર્યરત રહ્યા. જોકે તેમની સૌથી યાદગાર કામગીરી કૉલકાતા અને સિમલામાં રહી હતી. તેઓ રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં સેક્રેટરી તરીકે પણ રહ્યા, તદ્ઉપરાંત ૧૮૭૬ના અંતમાં દુષ્કાળ દરમિયાન વધારાના સેક્રેટરી તરીકે કાર્ય કર્યું. ૧૮૮૦માં તેમને મુંબઈ ગવર્નમેન્ટમાં બોલાવવામાં આવ્યા પણ તેમણે તેનો અસ્વીકાર કર્યો, કારણ કે તેમને લાગ્યું કે તેમની જરૂર નાણાકીય ખાતામાં સેક્રેટરી તરીકે વધુ હતી. ૧૮૮૨માં તેમને C.I.E. અને ચાર વર્ષ બાદ K.C.S.I. બનાવવામાં આવ્યા. ૧૮૮૮માં તેમણે કાયમ માટે ભારતમાંથી વિદાય લીધી. તેમણે લખેલાં પુસ્તકોમાં ‘મેમોઈર્સ ઑફ ધ ફલટન્સ ઑફ લિસબર્ન’ અને ‘ચર્ચ ઍન્ડ સ્ટેટ ઇન ઇન્ડિયા : અ મિનિટ’ ધ્યાનાકર્ષક છે.

રાજશ્રી મહાદેવિયા