થોમસ આલ્વા ઍડિસન


જ. ૧૧ ફેબ્રુઆરી, ૧૮૪૭ અ. ૧૮ ઑક્ટોબર, ૧૯૩૧

જાણીતા અમેરિકન સંશોધક થોમસ આલ્વાના પિતાનું નામ સૅમ્યુઅલ ઑગ્ડન અને માતાનું નામ નાન્સી ઇલિયટ ઍડિસન હતું. ચાર ભાઈ-બહેનોમાં તે સૌથી નાના હતા. પ્રાથમિક શાળાના શિક્ષકે તેમને મંદબુદ્ધિના કહી શાળામાંથી કાઢી મૂક્યા હતા. તેથી એ પછીનાં ત્રણ વર્ષ તેમની માતાએ જ તેમને ઘરે શિક્ષણ આપ્યું અને તેમની જ્ઞાન પ્રત્યેની અભિરુચિને કેળવી હતી. તેમને ભૌતિકશાસ્ત્રમાં એટલો બધો રસ પડ્યો કે દસ જ વર્ષની ઉંમરે તેમણે ઘરમાં પ્રયોગશાળા બનાવી હતી અને સ્વરચિત ટેલિગ્રાફ સેટ ચાલુ કર્યો હતો. થોમસ આલ્વા ઍડિસનની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને લીધે ૧૨ વર્ષની ઉંમરે તેમણે રેલવેમાં છાપાં અને ખાટી-મીઠી ગોળીઓ વેચવાનું શરૂ કર્યું હતું. ૧૫ વર્ષની વયે તેઓ ટેલિગ્રાફ ઑફિસમાં જોડાયા હતા. ટેલિગ્રાફ માટેના ટ્રાન્સમિટર અને રિસીવર તેમની પ્રથમ શોધ હતી. આ સિવાય શૅરબજારના ભાવતાલ છાપવા માટેની યાંત્રિક યુક્તિ તેમની નોંધપાત્ર શોધ  હતી. તે માટે તેમને ૪૦,૦૦૦ ડૉલર મળ્યા હતા. આ રકમમાંથી તેમણે પ્રયોગશાળાની સાથોસાથ નાનું કારખાનું પણ શરૂ કર્યું હતું. તેમની આ પ્રયોગશાળા હેન્રી ફૉર્ડ મ્યુઝિયમ ખાતે સાચવી રાખવામાં આવી છે. વિલિયમ વૉલેસે રચેલ ૫૦૦ કૅન્ડલ પાવરના આઠ ઝગમગતા દીવા જોઈને તેમણે વીજળીના દીવાની શોધ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કર્યું. ઘણા પ્રયોગને અંતે સેલ્યુલોઝના તારને કાર્બોનાઇઝ કરવાથી મળતા કાર્બન તંતુ(filament)નો ઉપયોગ કરીને ૨૧ ઑક્ટોબર, ૧૮૭૯ના રોજ વીજળીનો દીવો (Lamp) શરૂ કર્યો હતો. ૧૮૮૨માં તેમણે વરાળથી ચાલતા ૯૦૦ હોર્સપાવરના જનરેટરની મદદથી ૭૨૦૦ દીવાઓને પ્રકાશિત કર્યા હતા. ૧૮૭૭માં તેમણે ગ્રામોફોનની શોધ કરીને સંગીતને ઘેર ઘેર પહોંચતું કર્યું હતું. સેલ્યુલૉઇડ ફિલ્મની તેમણે કરેલી શોધ તથા તેમણે સુધારેલા પ્રોજેક્ટરથી હાલ પ્રચલિત છે તે સિનેમા શક્ય બન્યાં. તેમની અન્ય શોધમાં આલ્કેલાઇન સંગ્રાહકકોષ, લોહના ખનિજને અલગ કરવાની ચુંબકીય પદ્ધતિ, ટેલિફોનનું કાર્બન ટ્રાન્સમિટર મુખ્ય છે. તેમના નામે કુલ ૧૦૯૩ પેટન્ટ હતી.

અશ્વિન આણદાણી