દાદા પાંડુરંગ આઠવલે


જ. ૧૯ ઑક્ટોબર, ૧૯૨૦ અ. ૨૫ નવેમ્બર, ૨૦૦૩

સંસ્કાર અને સગવડથી વંચિત લોકો તેમજ સુખી વર્ગ સુધી આધ્યાત્મિક અને સમાજલક્ષી પ્રવૃત્તિઓનો પ્રભાવ પાડનાર પાંડુરંગનો જન્મ મહારાષ્ટ્રના રોહામાં થયો હતો. માતા પાર્વતી, પિતા વૈજનાથ અને દાદા લક્ષ્મણની છાયા હેઠળ તેમના જીવનનું ઘડતર થયું હતું. તેઓ પૂર્વ અને પશ્ચિમનું તત્ત્વજ્ઞાન, તુલનાત્મક ધર્મ, ઇતિહાસ, અંગ્રેજી, સંસ્કૃત, હિંદી આદિ ભાષાઓ અને વિવિધ સમાજવિદ્યા અને વેદો ભણ્યા હતા. આધુનિક ભારતના વેદશાસ્ત્રસંપન્ન દાર્શનિક અને ચિંતક તેમણે ભારતીય તથા પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન અને સમાજશાસ્ત્રનો તુલનાત્મક અને તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. મુંબઈમાં તેઓએ વર્ષોથી ઉપનિષદ તથા ગીતા પર શ્રીમદ્ ભાગવત પાઠશાળામાં પ્રવચનો કર્યાં હતાં. ૧૯૫૪માં જાપાનમાં યોજાયેલ વિશ્વના દાર્શનિકોની સભામાં ‘ભક્તિ બળ છે’ તે વિષય પર તાત્ત્વિક નિરૂપણ કર્યું હતું. આ માટે તેઓએ ભારતમાં પ્રબળ આંદોલન જગાવ્યું હતું, જેથી યુવાનો વૈદિક સંસ્કૃતિનું શિક્ષણ વિનામૂલ્યે લઈ શકે. આ માટે તેઓએ થાણેમાં તત્ત્વજ્ઞાનની વિદ્યાપીઠ સ્થાપી. ઉપરાંત સમાજના વિવિધ સ્તરે સાંસ્કૃતિક શિક્ષણ આપવાની પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. તેઓએ ઋષિકૃષિ સંસ્થાઓ સ્થાપી હતી, જેના દ્વારા ગૃહઉદ્યોગ તથા ઋષિ સંસ્કૃતિ – બંનેના સમન્વય રૂપે શિક્ષણ અપાય. પાંડુરંગે ભારતનાં લાખો ગામડાંઓમાં સામૂહિક ખેતી, માછીમારી તથા વૃક્ષારોપણના કાર્યક્રમો કર્યા. આ નિરક્ષર માછીમારો તથા ખેડૂતોને ગીતા સમજાવી અને તેના શ્લોકો મોઢે કરાવ્યા. તેમના સ્વાધ્યાયીઓ દ્વારા પણ આ કામને વેગ મળ્યો. આથી ખેડૂતો અને માછીમારોના જીવનમાં પરિવર્તન થયું. ઈ. સ. ૧૯૮૨માં પશ્ચિમ જર્મનીમાં સેન્ટ નિકોલ્સની પંચશતાબ્દી પ્રસંગે તેઓએ અતિથિવિશેષ તરીકે હાજરી આપી હતી. એમની પ્રેરણાથી દેશવિદેશમાં હજારોની સંખ્યા ધરાવતાં કેન્દ્રો સ્થાપી ભારતીય સંસ્કૃતિના સંવર્ધન માટે પ્રયત્ન કર્યા. સદવિચારદર્શન ટ્રસ્ટ દ્વારા વિવિધ ભાષાઓમાં તેમનાં પુસ્તકો પ્રકાશિત કર્યાં હતાં.

આઠવલેને મૅગ્સેસે ઍવૉર્ડ, ટેમ્પલટન ઍવૉર્ડ તથા પદ્મભૂષણ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. માનવસેવા માટે તેઓને ‘ટેમ્પલટન ઍવૉર્ડ’ હેઠળ રૂ. ૪.૩૨ કરોડ જેટલી રકમ મળી હતી. નિરક્ષર અને અબુધ ગ્રામજનો માટે તેઓએ કરેલી સેવાપ્રવૃત્તિઓનું પ્રતિબિંબ પાડતી એક ફિલ્મ ‘આંતરનાદ’ બનાવવામાં આવી હતી.

અંજના ભગવતી