દાનની કિંમત સમર્પણ પર અંકાય છે !


ચોતરફ દુષ્કાળ પ્રવર્તતો હતો. અન્નના અભાવે માનવીઓ ટપોટપ મૃત્યુ પામતા હતા. એનાથીય વિશેષ બૂરી દશા પશુઓની હતી. ચોમેર ભૂખ્યાં બાળકોનાં આક્રંદ સંભળાતાં હતાં. સ્ત્રીઓની આંખોમાં ભૂખ અને લાચારીનાં આંસુ હતાં. એ સમયે સમગ્ર દેશમાં અદ્વૈતવિચારનો પ્રસાર કરનાર આદિ શંકરાચાર્યે આવી પરિસ્થિતિનું નિરાકરણ કરવાનો સંકલ્પ કર્યો. મહાન અને ગહન જ્ઞાન ધરાવતા આ આચાર્યે માનવતા કાજે અહાલેક જગાવી. આદિ શંકરાચાર્યે રાજાઓને ટહેલ નાખી અને રાજાઓએ એમના અન્નભંડારોનું અન્ન આપવા માંડ્યું. શ્રેષ્ઠીઓ એમની ધનસંપત્તિ એમનાં ચરણોમાં અર્પણ કરવા લાગ્યા. ખેડૂતો પોતાની પાસેનું અનાજ આપવા લાગ્યા. ચોમેરથી દુષ્કાળગ્રસ્ત લોકોને માટે મદદ આવતી હતી. દાનની ધારા વહેવા લાગી. ક્યાંક માનવતા તો ક્યાંક જીવદયાની મહેક પ્રસરવા લાગી. એક ગરીબ ખેડૂતને પણ દાન આપવાની ઇચ્છા જાગી, પણ એની પાસેથી દુષ્કાળે બધું હરી લીધું હતું. એના ખેતરમાં ધાન ઊગ્યું નહોતું. વખાના માર્યા ઢોરઢાંખર પણ વેચી દીધાં હતાં. બસ, માત્ર એક દાતરડું બચ્યું હતું.

ખેડૂત એ દાતરડું લઈને બજારમાં ગયો અને એમાંથી એને બે દ્રમ્મ મળ્યા. આ બે દ્રમ્મની તે શી કિંમત ? જ્યાં રાજાઓ અને શ્રેષ્ઠીઓ સુવર્ણમુદ્રાઓનો ધોધ વહેવડાવતા હોય, ત્યાં આ એક નાનકડા બિંદુની તે શી વિસાત ? પણ ખેડૂતથી રહી શકાયું નહીં. એ એના ફાટ્યા-તૂટ્યા કેડિયાના ખિસ્સામાં બે દ્રમ્મ નાંખીને આદિ શંકરાચાર્ય પાસે પહોંચ્યો. સભામાં દાનની મોટી મોટી જાહેરાતો થઈ રહી હતી. કોઈ હજાર સુવર્ણમુદ્રાનું દાન કરતા હતા તો કોઈ દશ હજાર સુવર્ણમુદ્રા દાનમાં આપતા હતા. આવે સમયે આ ખેડૂતને એટલો સંકોચ થયો કે એના આ બે દ્રમ્મની તે શી કિંમત ?

એ આદિ શંકરાચાર્ય પાસે ગયો અને ખિસ્સામાંથી બે દ્રમ્મ બહાર તો કાઢ્યા, પરંતુ આપતાં શરમ આવતી હતી. આદિ શંકરાચાર્યે આ જોયું. એમણે ભાવથી ખેડૂતને નજીક બોલાવ્યો અને કહ્યું, ‘આવ ભાઈ, તું શું લાવ્યો છે ? કહે તો ખરો !’ ગરીબ ખેડૂતે પોતાની કથની કહી અને પછી બે દ્રમ્મ આદિ શંકરાચાર્યને ચરણે ધર્યા. આ સમયે સભામાં રાજવીઓ, શ્રેષ્ઠીઓ અને અનુયાયીઓ ઉપસ્થિત હતા. એમની સમક્ષ આદિ શંકરાચાર્યે કહ્યું, ‘આ ખેડૂતના બે દ્રમ્મ એ સૌથી મહાન દાન છે, કારણ કે અન્ય સહુએ પોતાના ધન કે ધાન્યનો અમુક ભાગ જ દાનમાં આપ્યો છે, જ્યારે આ ખેડૂતે સર્વસ્વ અર્પણ કર્યું છે.’ આમ દાન ભાવના સાથે જોડાયેલું છે, વસ્તુ સાથે નહીં. એ કિંમત સાથે નહીં, પણ મૂલ્યો સાથે સંબંધ ધરાવે છે. દાન આપનાર કેટલું સમર્પણ કરે છે, તેના પર તેની કિંમત અંકાય છે. ખેડૂતે માત્ર બે દ્રમ્મનું દાન આપ્યું, પરંતુ એનું મહત્ત્વ હજારો સુવર્ણમુદ્રાઓથી પણ વિશેષ હતું.

કુમારપાળ દેસાઈ