જ. ૧૪ નવેમ્બર, ૧૯૩૧ અ. ૧૬ જુલાઈ, ૨૦૦૩
તીવ્ર અનુભવશીલતા અને બહુજનસમાજ માટેની ઊંડી કરુણામાંથી જેમનું સાહિત્ય પ્રગટ્યું છે તેવા વાસ્તવદર્શી નવલકથાકાર અને વાર્તાકાર દિલીપ નાગજીભાઈ રાણપુરાનો જન્મ ધંધૂકાના મધ્યવર્ગીય પરિવારમાં થયેલો. ઘરની સ્થિતિને કારણે ઉચ્ચતર શાળાનુંય શિક્ષણ તેઓ પામી શક્યા નહોતા. તેમનું જીવન કઠોર સંઘર્ષમાં વીત્યું હતું. તેઓ ૧૩ વર્ષના હતા ત્યારે પિતા ગુમાવ્યા. પ્રાથમિક શિક્ષણ પણ ટુકડે ટુકડે લીધું. નિભાવ માટે ક્યાંક કંપોઝિટર તરીકે તો ક્યાંક ઑર્ડરમૅન તરીકે કામ કર્યું. સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા અને રાજકીય પ્રવૃત્તિઓ પણ કરી. આ બધી મથામણો વચ્ચે વર્નાક્યુલર ફાઇનલ પરીક્ષા પસાર કરી એટલે ૧૯૫૭થી પ્રાથમિક શિક્ષક બન્યા. અનેક સ્થળોએ બદલી થયા પછી છેલ્લે દસાડા તાલુકાના બજાણાની પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે નિવૃત્ત થયા. તેઓ ‘જનસત્તા’ અને ‘ફૂલછાબ’માં કટારલેખન કરતા હતા. જે લોકપ્રિય હતી. અનેક ગામે બદલી થતી હોવાથી તેમને જીવનનો ખૂબ અનુભવ થયો. વળી ખૂબ સંવેદનશીલ પ્રકૃતિ. ૧૯૫૩માં પ્રથમ વાર્તા લખાઈ ‘માણસાઈનું રુદન’ ત્યારબાદ તેમણે નવલકથાઓ લખવાનું શરૂ કર્યું.
તેમના લેખનનું એક મહત્ત્વનું લક્ષણ સાદગી છે. તેઓ જનસામાન્યની ભાષામાં લખતા. તેમનાં પાત્રો મધ્યમ અને નીચલા સ્તરનાં સ્ત્રી-પુરુષો હતાં. તેમની મોટા ભાગની કથાઓમાં શિક્ષણક્ષેત્રે, ગ્રામવિકાસક્ષેત્રે, સ્વાતંત્ર્યસંગ્રામમાં કે સામાજિક રૂઢિઓ સામેના સંઘર્ષોને નિરૂપવામાં આવ્યા છે. તેમની પાસેથી ‘સંકેત’(૧૯૬૪)થી માંડી ‘સુખનું બીજું નામ’ (૨૦૦૨) સુધીની નવલકથાની યાત્રામાં લગભગ ૪૧ નવલકથાઓ મળી છે. તેમની ‘નિયતિ, ‘આંસુ ભીનો ઉજાસ’ અને ‘મીરાંની રહી મહેક’ વગેરે નવલકથાઓને ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કારો મળ્યા છે. તેમની પાસેથી સાતેક વાર્તાસંગ્રહો, આઠેક સંસ્મરણકથાઓ, ચરિત્રનિબંધો, રેખાચિત્રો, પ્રસંગકથાઓ, બોધકથાઓ વગેરે વિપુલ પ્રમાણમાં સાહિત્ય મળ્યું છે. એમની વાર્તાઓમાં માનવતાવાદી અભિગમ જોવા મળે છે. સાવ સાધારણ લાગતા પ્રસંગમાંથી ચિત્તને સ્પર્શી જાય તેવું તેઓ આલેખન કરતા. તેમનાં પુસ્તકો જુદી જુદી સાહિત્યિક સંસ્થાઓ દ્વારા પોંખાયાં છે.
શ્રદ્ધા ત્રિવેદી