જ. ૧૮ ઑક્ટોબર, ૧૯૨૮ અ. ૧૬ મે, ૨૦૧૬
રોશન હર્ષદલાલ શોધન ભારતના જાણીતા ટેસ્ટ ક્રિકેટર હતા. તેઓ ‘દીપક’ ઉપનામથી જાણીતા હતા. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. ક્રિકેટ રમવાની શરૂઆત તેમણે ૧૯૪૨માં અમદાવાદની શેઠ ચિ. ન. વિદ્યાવિહારની ક્રિકેટ ટીમમાંથી કરી હતી. અમદાવાદની ગુજરાત કૉલેજમાં વિદ્યાર્થીકાળ દરમિયાન તેઓ રાષ્ટ્રીયસ્તર પર રમાતી રણજી ટ્રૉફી ટીમમાં પસંદગી પામ્યા અને કૉલેજના ‘રાષ્ટ્રીય ખેલાડી’ બની ગયા. તેમણે સૌરાષ્ટ્ર સામે રમતાં ૯૦ રન આપી અને ૭ વિકેટ ઝડપી અને ગુજરાતની ટીમને વિજયી બનાવી અને આ પ્રદર્શનને કારણે કૉલેજમાં પ્રખ્યાત બની ગયા. રણજી ટ્રૉફી ઉપરાંત તેમણે ત્રણ વર્ષ મુંબઈ યુનિવર્સિટી, ત્રણ વર્ષ સંયુક્ત યુનિવર્સિટીઝ અને એક વર્ષ ગુજરાત યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વેસ્ટ ઝોન વતી પાકિસ્તાન સામે રમતાં તેમણે અણનમ ૮૭ રન બનાવ્યા અને આ દેખાવને કારણે તેઓ ૧૯૫૨માં ભારતીય ટેસ્ટ ટીમમાં અનામત ખેલાડી તરીકે પસંદગી પામ્યા. વિજય હઝારે કૉલકાતાની ઇડન ગાર્ડન ખાતેની મૅચ માટે ઉપલબ્ધ ન થવાથી દીપક શોધનને ટેસ્ટ મૅચ રમવાની તક મળી.
આઠમા ક્રમે રમવા આવી તેમણે પ્રથમ ટેસ્ટમાં જ ૧૧૦ રન કરી સદી ફટકારવાનો વિક્રમ નોંધાવ્યો. ત્યારબાદ તેમની પસંદગી વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ ખેડનાર ભારતીય ટીમમાં થઈ અને પહેલી ટેસ્ટમાં તેમણે અનુક્રમે ૪૫ અને ૧૧ રન નોંધાવ્યા. ત્યારપછીની ત્રણ ટેસ્ટ મૅચ તેઓ રમી ના શક્યા અને છેલ્લી મૅચમાં જ્યારે તેમને લેવામાં આવ્યા ત્યારે તેઓ નાદુરસ્ત તબિયતને કારણે રમી ન શક્યા, પરંતુ બીજી ઇનિંગ્સમાં તેમણે અણનમ ખૂબ ઉપયોગી ૧૫ રન બનાવ્યા હતા. ત્યાર પછી ક્રિકેટમાં રાજકારણને લીધે તેમની આશાસ્પદ કારકિર્દીનો અકાળે અંત આવ્યો હતો. ૧૯૬૧માં તેમણે ક્રિકેટમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. તેમણે પશ્ચિમ વિભાગની શાળાકીય ક્રિકેટ પસંદગી સમિતિના ચૅરમૅન અને BCCIની અખિલ ભારતીય શાળા ક્રિકેટ પસંદગી સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપી હતી. ક્રિકેટ ઉપરાંત તેઓ બૅડમિન્ટન, વૉલીબૉલ, ગોલ્ફ, ટેનિસ, ટેબલ ટેનિસ તથા ફૂટબૉલના પણ સારા ખેલાડી હતા. તેઓએ સરદાર ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્પૉર્ટ્સમાં ક્રિકેટ કોચ તરીકે સેવાઓ આપી હતી. ૮૭ વર્ષની વયે ફેફસાંના કૅન્સરને કારણે અમદાવાદમાં તેમનું નિધન થયું હતું. ૧૯૯૧-૯૨માં ગુજરાત સરકારે ક્રિકેટની રમતમાં તેમના યોગદાન બદલ અંબુભાઈ પુરાણી પુરસ્કાર આપીને સન્માન કર્યું હતું. ૧૯૯૭માં અમદાવાદ મહાનગરપાલિકા તરફથી નગરભૂષણનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.
અમલા પરીખ