દુર્ગા ભાગવત


જ. ૧૦ ફેબ્રુઆરી, ૧૯૧૦ અ. ૭ મે, ૨૦૦૨

મરાઠી ભાષાનાં જાણીતાં લેખિકા અને લોકસાહિત્યનાં અભ્યાસી દુર્ગા નારાયણ ભાગવતનો જન્મ ઇંદોરમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં અને માધ્યમિક શિક્ષણ નાશિક, પુણેમાં લીધું અને ઉચ્ચશિક્ષણ મુંબઈમાં લીધું. ૧૯૩૨માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. ૧૯૩૫માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૩૯માં તેમનો મહાનિબંધ પ્રકાશિત થયો. ત્યાર બાદ તેઓએ ગાંધીજીથી પ્રભાવિત થઈ સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લેવા માંડ્યો અને અભ્યાસ છોડી દીધો. ૧૯૭૬માં કરાડ ખાતે આયોજિત ૫૧મા મરાઠી સાહિત્ય સંમેલનનાં અધ્યક્ષ તરીકે તેમની વરણી થઈ. તેમનાં લખાણોમાં સર્જનાત્મક કલ્પનાશીલતા જોવા મળે છે. તેમણે શરૂઆતમાં અંગ્રેજીમાં કેટલાંક લખાણો લખ્યાં હતાં. તેમના ઉત્તમ સર્જનમાં ‘ઋતુચક્ર’ (૧૯૪૮), ‘ભાવમુદ્રા’ (૧૯૬૦), ‘વ્યાસપર્વ’ (૧૯૬૨), ‘રૂપરંગ’ (૧૯૬૭) તથા ‘પૈસ’(૧૯૭૦)નો સમાવેશ થાય છે. ‘કેતકરી કાદંબરી’ અને ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ તેમનાં સાહિત્યિક તત્ત્વવિષયક વ્યાખ્યાનો છે. તેમણે જુદા જુદા પ્રદેશોની લોકકથાઓ અતિ સરળ અને સુગમ શૈલીમાં લખી છે. તેઓએ નિબંધલેખનમાં પણ સારું કામ કર્યું છે. તેમનાં લખાણોમાં વિષયવૈવિધ્ય, ઊર્મિસભરતા તથા માનવમનની ઇચ્છાઓ વિશે જાણવા મળે છે. તેમનું ‘ઋતુચક્ર’ મરાઠી ભાષાનાં ઉત્તમ પુસ્તકોમાં સ્થાન ધરાવે છે. તેમાં પ્રકૃતિના બદલાવો વિશે લખવામાં આવ્યું છે. તેમાં ભારતની બધી મોસમો અને તેની ખાસિયત વિશેનું નિરૂપણ છે.  તેમનું ‘ધર્મ આણિ લોકસાહિત્ય’ (૧૯૭૫) પુસ્તક પણ ખૂબ જાણીતું થયું છે. તેમણે સંસ્કૃત, અંગ્રેજી તથા અમેરિકન કૃતિઓનાં પણ સુંદર ભાષાંતરો કર્યાં છે. તદ્ઉપરાંત તેમની કેટલીક ઉત્તમ કૃતિઓનો ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે. દુર્ગા ભાગવતે કદી લગ્ન કર્યાં નહીં. જીવનભર ગૌતમ બુદ્ધ, વ્યાસ, આદિશંકરાચાર્ય, અમેરિકન દાર્શનિક હેનરી ડેવિડ થોરો અને ભારતીય લેખક શ્રીધર વેંકટેશ કેતકર તેમના આદર્શ હતા. ૧૯૭૧માં તેમના પુસ્તક ‘પૈસ’ માટે તેમને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. તેઓ ‘મરાઠી સરસ્વતીચી સરસ્વતી’થી નામના પામ્યાં હતાં.

શુભ્રા દેસાઈ