દુલારી


જ. ૧૮ એપ્રિલ, ૧૯૨૮ અ. ૧૮ જાન્યુઆરી, ૨૦૧૩

હિંદી સિનેમાનાં જાણીતાં ચરિત્ર અભિનેત્રી દુલારીનો જન્મ નાગપુર, મહારાષ્ટ્રમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ અંબિકા ગૌતમ હતું. તેમનું ઉપનામ રાજદુલારી હતું, પરંતુ પાછળથી તેઓ દુલારી નામથી પ્રસિદ્ધિ પામ્યાં. તેમના પિતાને એક સમયે મોટી માંદગી આવી જતાં કુટુંબના ભરણપોષણ માટે દુલારીને નાની વયથી જ કામ કરવું પડ્યું. તેમને સૌપ્રથમ બૉમ્બે ટૉકીઝ દ્વારા નિર્મિત ‘બહન’ (૧૯૪૧) અને ‘હમારી બાત’ (૧૯૪૩) જેવી ફિલ્મોમાં અભિનય કરવાની તક મળી અને તેમની ફિલ્મી કારકિર્દીનો આરંભ થયો. તેમની સૌથી વધુ નોંધપાત્ર ફિલ્મ ‘જીવનજ્યોતિ’ (૧૯૫૩) હતી. તે ઉપરાંત કેટલીક મહત્ત્વપૂર્ણ ફિલ્મો ‘પતિ સેવા’ અને ‘રંગીન કહાની’ ગણાય છે. અન્ય હિંદી ફિલ્મોમાં ‘આંખ કા તારા’, ‘આખિરી ડાકૂ’, ‘દરિંદા’, ‘આહુતિ’, ‘નાસ્તિક’, ‘દિલ્લગી વગેરેનો સમાવેશ થાય છે. તેમણે ગુજરાતી ફિલ્મો ‘ચૂંદડી અને ચોખા’, ‘ગુણસુંદરી’, ‘મંગળફેરા’ વગેરેમાં અભિનયનાં અજવાળાં પાથર્યાં છે. ૧૯૬૦ના દશકથી માંડીને ૧૯૭૦ના દશક સુધી તેમણે રૂઢિવાદી માની ભૂમિકા નિભાવી. ‘જબ પ્યાર કિસીસે હોતા હૈ’ (૧૯૬૧), ‘મુઝે જીને દો’ (૧૯૬૩), ‘જોની મેરા નામ’, ‘દીવાર’ (૧૯૭૫) વગેરે ફિલ્મોમાં તેમનો અભિનય યાદગાર બની રહ્યો. તેમની આખરી ફિલ્મ ગુડ્ડૂ ધનોઆનિર્દેશિત ‘જિદ્દી’ (૧૯૯૭) હતી. તેમણે ૧૯૫૨માં સાઉન્ડ રેકૉર્ડિસ્ટ જે. બી. સાથે લગ્ન કર્યાં હતાં. તેમણે વ્યવસાય અને સાંસારિક ફરજો પ્રત્યેનું સંતુલન કુશળતાપૂર્વક જાળવી રાખ્યું. તેમણે કુલ મળીને ૧૩૫ ફિલ્મોમાં કામ કર્યું. ત્યાર બાદ અભિનયક્ષેત્રે નિવૃત્તિ લઈ લીધી. બાકીનું જીવન ફિલ્મોથી દૂર શાંતિપૂર્વક વ્યતીત કર્યું. મહારાષ્ટ્રના પુણેમાં એક વૃદ્ધાશ્રમમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.