દેવેન વર્મા


જ. ૨૩ ઑક્ટોબર, ૧૯૩૭ અ. ૨ ડિસેમ્બર, ૨૦૧૪

ભારતીય ફિલ્મ અને ટેલિવિઝનના ખ્યાતનામ અભિનેતા તરીકે જાણીતા દેવેન વર્માનો જન્મ કચ્છમાં થયો હતો. અને તેમનો ઉછેર પુણેમાં થયો હતો. તેમનાં માતાનું નામ સરલાદેવી અને પિતાનું નામ બલદેવસિંહ વર્મા હતું. તેમના પિતા રાજસ્થાની અને માતા કચ્છી હતાં. તેમના પિતા ફિલ્મ ડિસ્ટ્રિબ્યૂટર હતા. તેમણે નૌરોસજી વાડિયા કૉલેજ ફોર આર્ટ્સ ઍન્ડ સાયન્સ (યુનિવર્સિટી ઑફ પુણે) ખાતે ૧૯૫૩થી ૧૯૫૭ સુધી અભ્યાસ કરી રાજ્યનીતિશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર જેવા વિષય સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે બોલિવુડના દિગ્ગજ અભિનેતા અશોકકુમારની પુત્રી અને પ્રીતિ ગાંગુલીની બહેન રૂપા ગાંગુલી સાથે લગ્ન કર્યાં હતાં. તેમનું મૂળ નામ દેવેન્દ્ર વર્મા હતું. જે તેમણે કૉલેજમાં હતા ત્યારે બદલીને દેવેન વર્મા કર્યું હતું. ૧૯૬૧થી ૨૦૦૩ સુધીમાં દેવેન વર્માએ કુલ ૧૫૧ ફિલ્મમાં કામ કર્યું હતું. ‘ગુમરાહ’, ‘મોહબ્બત ઝિંદગી હૈ’, ‘બહારેં ફીર ભી આયેગી’, ‘યકીન’, ‘મેરે અપને’, ‘ફિર કબ મિલોગી’, ‘કોરા કાગઝ’, ‘દો આંખે’, ‘દીવાર’, ‘દૂસરા આદમી’, ‘બેશરમ’, ‘ડોન’, ‘ખટ્ટામીઠ્ઠા’, ‘પ્રેમવિવાહ’, ‘મગરૂર’, ‘ગોલમાલ’, ‘નિયત’, ‘કુદરત’, ‘પ્યાસા સાવન’, ‘આહિસ્તા આહિસ્તા’, ‘બંધન કચ્ચે ધાગોં કા’, ‘જાગ ઊઠા ઇન્સાન’, ‘અલગ અલગ’, ‘પ્રેમપ્રતિજ્ઞા’, ‘દીવાના’, ‘દિલ તો પાગલ હૈ’ અને ‘કલકત્તા મેઇલ’ જેવી ઘણી ફિલ્મો યાદગાર બની રહી. ખાસ કરીને તેમને બાસુ ચેટર્જી, હૃષીકેશ મુખર્જી અને ગુલઝાર જેવા બોલિવુડના દિગ્ગજ દિગ્દર્શકો સાથે કૉમિક ભૂમિકા કરવા મળી હતી. દેવેન વર્માને ૧૯૯૨માં ‘મામાજી’ નામની અને ૧૯૯૩માં ‘ઝબાન સંભાલ કે’ જેવી ટીવી સિરિયલમાં પણ કામ કરવાની તક પ્રાપ્ત થઈ હતી, જે તેમણે સરસ રીતે નિભાવી હતી. આ સિવાય તેમણે ‘યકીન’ (૧૯૬૯) અને ‘ચટપટી’ (૧૯૯૩) જેવી ફિલ્મનું નિર્માણ તો ‘બડા કબૂતર’ (૧૯૭૩) જેવી ફિલ્મનું દિગ્દર્શન અને ‘નાદાન’ (૧૯૭૧), ‘બેશરમ’ (૧૯૭૮) અને ‘દાનાપાની’ (૧૯૮૯) જેવી ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન સુપેરે કર્યું હતું.

દેવેન વર્માને ૧૯૭૯નો ફિલ્મફેર બેસ્ટ કૉમેડિયનનો ઍવૉર્ડ ‘ચોર કે ઘર ચોર’ ફિલ્મ માટે, ૧૯૮૧માં કૉમિક રોલમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે ફિલ્મફેર ઍવૉર્ડ ફિલ્મ ‘જુદાઈ’ માટે, ૧૯૮૩નો બેસ્ટ કૉમેડિયનનો ફિલ્મફેર ઍવૉર્ડ ‘અંગૂર’ ફિલ્મ માટે પ્રાપ્ત થયા હતા. આ સિવાય તેમને ફિલ્મફેર શ્રેષ્ઠ હાસ્યકલાકાર ઍવૉર્ડ ૧૯૭૬માં ‘ચોરી મેરા કામ’ અને ૧૯૭૯માં ‘ચોર કે ઘર ચોર’ માટે પણ પ્રાપ્ત થયો હતો. પુણેમાં ૨ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ હાર્ટઍટેક અને કિડનીની નિષ્ફળતાને કારણે તેમનું અવસાન થયું હતું.

અશ્વિન આણદાણી