ધરમપાલ ગુલાટી


જ. ૨૭ માર્ચ, ૧૯૨૩ અ. ૩ ડિસેમ્બર, ૨૦૨૦

‘મસાલાના રાજા’ (spice king) તરીકે પ્રખ્યાત ધરમપાલ ગુલાટીનો જન્મ સિયાલકોટ(આજનું પાકિસ્તાન)માં થયો હતો. તેમના પિતા ચુન્નીલાલ ગુલાટી જે ‘દેગી મીર્ચવાલે’ તરીકે જાણીતા હતા. તેમની મહાશિયાં દી હટ્ટી (Mahashian Di Hatti) નામની મસાલાની દુકાન હતી. ૧૦ વર્ષની વયે ધરમપાલ ભણતર છોડી, નાનીમોટી નોકરી કરી છેવટે પિતાની મસાલાની દુકાનમાં જોડાઈ ગયા, પરંતુ ૧૯૪૭ના ભાગલા વખતે તેમના કુટુંબને પાકિસ્તાન છોડી, ભારત ભાગી આવવું પડ્યું. દિલ્હીમાં રેલવેસ્ટેશન ઉપર ઘોડાગાડી ચલાવી, શેરડીના રસનો સંચો ચલાવ્યો અને બધાથી થાકી ૧૯૫૮માં કરોલ બાગમાં મહાશિયાં દી હટ્ટી નામની નાની મસાલાની દુકાન ખોલી. ચાંદની ચોક વિસ્તારમાં બીજી શાખા ખોલી. ૧૯૫૯માં નવી દિલ્હીના કીર્તિનગર વિસ્તારમાં ઉત્પાદન એકમ શરૂ કર્યું જે સમયે ગૃહિણીઓ ઘરે ખાંડીને મસાલા બનાવતી, તે સમયે તેમણે દળેલા તૈયાર મસાલાઓ બજારમાં મૂક્યા. મહાશિયાં દી હટ્ટી નામ ઉપરથી MDH મસાલા નામ રાખવામાં આવ્યું. તેમના સમયગાળા દરમિયાન એમ.ડી.એચ. મસાલાએ અભૂતપૂર્વક વિકાસ કર્યો. હાલમાં તેમના ૧૮ ઉત્પાદન-એકમો કાર્યરત છે. જ્યાં લગભગ ૬૨થી વધુ જાતના તૈયાર મસાલાઓ તૈયાર કરી દેશવિદેશમાં મોકલવામાં આવે છે. એમડીએચની જાહેરખબરમાં ધરમપાલજી જ તેનો ચહેરો હતા. પરંપરાગત પાઘડી, સફેદ ભરાવદાર મૂછો, મોતીની માળા ધારણ કરેલા ધરમપાલજી બધી જ જાહેરખબરો, મસાલાનાં પૅકેટો ઉપર ચમકતા. ધરમપાલજીની ગણના એક દાનવીર તરીકે પણ કરવામાં આવે છે. તેમના દ્વારા લગભગ ૨૦ પ્રાથમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવી છે. તેમના દ્વારા દિલ્હીમાં ગરીબ લોકો માટે ૨૦૦ પથારીની હૉસ્પિટલ પણ ઊભી કરવામાં આવી છે જ્યારે ઝૂંપડપટ્ટીના રહીશો માટે મોબાઇલ હૉસ્પિટલ પણ કરવામાં આવી છે. દાન આપવા માટે પિતાના નામથી મહાશય ચુન્નીલાલ ચૅરિટેબલ ટ્રસ્ટ પણ ઊભું કરવામાં આવ્યું છે. ૨૦૧૯માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અમલા પરીખ