જ. ૧૮ માર્ચ, ૧૯૧૪ અ. ૧૧ ડિસેમ્બર, ૧૯૮૮

ભારતીય વકીલ અને પ્રશાસક નગેન્દ્ર સિંહનો જન્મ ડુંગરપુર, રાજસ્થાનમાં રાજપૂત સિસોદિયા રાજપરિવારમાં થયો હતો. ૧૯૮૫થી ૧૯૮૮ સુધી તેમણે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના અધ્યક્ષ તરીકે કામ કર્યું. તેઓએ આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના પ્રથમ ભારતીય અધ્યક્ષ તરીકે પોતાની ઓળખ બનાવી. તેમના પિતા વિજય સિંહ ડુંગરપુર રિયાસતના રાજા હતા. માતાનું નામ દેવેન્દ્રકુંવરબા. મોટા ભાઈ લક્ષ્મણ સિંહ ડુંગરપુરના અંતિમ રાજા હતા. સિવિલ સેવામાં જોડાતાં પહેલાં નગેન્દ્ર સિંહે સેન્ટ જોન્સ કૉલેજ કેમ્બ્રિજમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેઓ ભારતીય સિવિલ સેવામાં કાર્યરત બન્યા અને પૂર્વી રાજ્યોના ક્ષેત્રીય આયુક્ત બન્યા અને ભારતની સંવિધાન સભાના સભ્ય બન્યા. તેઓ ભારતના રક્ષામંત્રાલયના સંયુક્ત સચિવ તરીકે પરિવહન મહાનિર્દેશક તરીકે તથા સૂચના અને પ્રસારણ મંત્રાલયમાં વિશેષ સચિવ તરીકે સક્રિય હતા. ૧૯૬૬થી ૧૯૭૨ સુધી તેઓ ભારતના રાષ્ટ્રપતિના સચિવ હતા. તે પછી ૧ ઑક્ટોબર, ૧૯૭૨થી ૬ ફેબ્રુઆરી, ૧૯૭૩ સુધી ભારતના મુખ્ય ચૂંટણી અધિકારી (કમિશનર) રહ્યા. ૧૯૬૬, ૧૯૬૯ અને ૧૯૭૫માં મળીને ત્રણ વખત તેમને સંયુક્ત રાષ્ટ્રસભામાં ભારતના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ૧૯૬૭થી ૧૯૭૨ સુધી ખંડસમય માટે સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય વિધિ આયોગમાં કામ કર્યું. તેમને આંતરરાષ્ટ્રીય બાર ઍસોસિયેશનમાં સચિવ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૧૯૭૩માં તેઓ નેધરલૅન્ડના હેગમાં આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે ગયા અને ફેબ્રુઆરી, ૧૯૮૫થી ફેબ્રુઆરી, ૧૯૮૮ સુધી ત્યાં અધ્યક્ષ બની રહ્યા. તેઓ નિવૃત્તિ બાદ મૃત્યુપર્યંત હેગમાં જ રહ્યા. ૧૯૩૮માં તેમને કામા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ૧૯૭૩માં ભારત સરકાર દ્વારા ‘પદ્મવિભૂષણ’થી તેમને સન્માનવામાં આવ્યા હતા.
શુભ્રા દેસાઈ