જ. ૧૭ નવેમ્બર, ૧૮૯૪ અ. ૧૮ મે, ૧૯૫૮
આધુનિક વિશ્વમાં ભારતીય લઘુચિત્રકલા અંગેની સમજ તથા રસનો ફેલાવો કરનાર અભ્યાસી. રાજકોટમાં અને પછી મુંબઈમાં વિલ્સન કૉલેજમાં પ્રારંભિક શિક્ષણ લીધા પછી તેઓ કેમ્બ્રિજમાં જોડાયા અને ત્યાંથી અર્થશાસ્ત્રમાં ટ્રાઇપોસ મેળવ્યો. ૧૯૧૫માં તે ઇન્ડિયન સિવિલ સર્વિસમાં જોડાયા. અહીંથી ૧૯૪૪માં નિવૃત્ત થયા ત્યાં સુધી તેમણે હાલ ઉત્તરપ્રદેશ અને ઉત્તરાંચલ તરીકે ઓળખાતા ત્યારના યુનાઇટેડ પ્રૉવિન્સિઝમાં જુદા જુદા હોદ્દા સંભાળ્યા. આ દરમિયાન તેમણે ભારતીય લઘુચિત્રકલાની અલગ અલગ શૈલીઓના ૧,૦૦૦થી પણ વધુ ચુનંદા નમૂના એકત્રિત કર્યા. ૧૯૫૦માં તેઓ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ નિયુક્ત થયા. ૧૯૨૬માં તેમનું પુસ્તક ‘સ્ટડીઝ ઇન ઇન્ડિયન પેઇન્ટિંગ્ઝ’ પ્રકટ થયું. તેમનું પુસ્તક ‘ગુજરાતી પેઇન્ટિંગ્ઝ ઇન ફિફ્ટીન્થ સેન્ચુરી’ ૧૯૩૧માં પ્રકટ થયું.
૧૯૫૮માં મહેતાના અવસાન પછી ગુજરાત મ્યુઝિયમ સોસાયટીએ ૧૯૬૩માં અમદાવાદના સંસ્કાર કેન્દ્રમાં આ સંગ્રહનું કાયમી મ્યુઝિયમ ઊભું કર્યું અને વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ઉદઘાટન કર્યું. ૧૯૯૩માં આ સંગ્રહ અમદાવાદમાં ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યામંદિર’માં ગોઠવાયો. આ સંગ્રહમાં જૈન કલ્પસૂત્રો અને લઘુચિત્રો, પ્રાગ્અકબરી સલ્તનત શૈલીનાં લઘુચિત્રો તથા ‘ચૌરપંચાશિકા’ કાવ્યને રજૂ કરતાં વિશ્વવિખ્યાત ૧૮ લઘુચિત્રો; મેવાડ, બીકાનેર, માળવા, કોટા, બુંદી, જયપુર અને રાધાગઢ જેવી રાજસ્થાની અને રાજપૂત ચિત્રશૈલીઓના નમૂના, શાહજહાં અને ઔરંગઝેબના સમયનાં મુઘલ ચિત્રો અને નુરપુર, ચમ્બા, કાંગડા, બશોલી, મંડી, ગુલેર, બિલાસપુર તથા જમ્મુ જેવી પહાડી શૈલીઓનાં ચિત્રો છે. આ ચિત્રોમાંનાં ઘણાં ચિત્રો પંડિત સેઉ, મણાકુ, પુરખુ, દેવીદાસ, નયનસુખ જેવા ચિત્રકારોની કૃતિઓ છે. તિબેટી, ડૅક્કની, ઈરાની, નેપાળી અને કમ્પની શૈલીનાં ચિત્રો પણ અહીં છે.
અમિતાભ મડિયા