પોતાની નિષ્ફળતાને બીજાના દોષની ખીંટી પર ટાંગવાનો ચેપી રોગ લાગુ પડે, તો તે વ્યક્તિના બીમાર વ્યક્તિત્વને ધીરે ધીરે કોરી ખાય છે. ગૃહિણી પોતાના ઘરસંસારનાં દુ:ખો માટે પોતાને નહીં, પરંતુ એના પતિને જ ગુનેગાર અને જવાબદાર માને છે. કંપનીનો બૉસ કંપનીની ખોટનું કારણ પોતાની અણઆવડતને નહીં, પરંતુ કર્મચારીઓની અયોગ્યતાને માને છે. કોઈ નોકર પોતાની સઘળી મુશ્કેલીનું કારણ પોતાના માલિકને માને છે. આમ વ્યક્તિ પોતાની નિષ્ફળતાનું બીજા પર દોષારોપણ કરતી હોય છે. જીવનમાં નિષ્ફળ ગયેલો પુરુષ એના કારણ રૂપે પત્નીનો વિચિત્ર સ્વભાવ, પુત્રનું ઉદ્ધત વર્તન, પડોશીઓ દ્વારા થતી પંચાત કે પછી નબળા સંયોગોને માનતો હોય છે. આ રીતે દોષારોપણ એ એક એવો ચેપી રોગ છે, જે એક વાર વ્યક્તિના મનને વળગ્યો એટલે એમાંથી મુક્ત થઈ શકતો નથી. એના ચિત્તનું આ જ રીતે ‘પ્રોગ્રામિંગ’ થઈ જાય છે. એ પોતાની સમસ્યાના કારણ માટે પોતાની જાતને જોવાને બદલે અન્યને જુએ છે. સમસ્યાનો વિચાર કરવાને બદલે એ કારણભૂત માને છે તેવી બીજી વ્યક્તિનો વિચાર કરે છે અને આમ કરીને એ પોતાની જવાબદારીમાંથી મુક્તિ મેળવી લે છે. પોતાની સમસ્યા કે પોતાની નિષ્ફળતાને માટે એ સ્વયં જવાબદાર હોવા છતાં દોષનો ટોપલો બીજાને માથે નાખી દેવા અતિ આતુર હોય છે. જીવનની સચ્ચાઈ જાણવા માટે પોતાની નિષ્ફળતાના કેન્દ્રમાં પોતાની જાતને મૂકીને જોવું જોઈએ. પોતાની વૃત્તિ, મર્યાદા, સ્વભાવ અને શક્તિ-સામર્થ્યને લક્ષમાં રાખીને સમગ્રતયા વિચાર કરવો જરૂરી બને છે. જો એ અન્ય પર દોષારોપણ કરવા લાગશે, તો સ્વદોષની ઉપેક્ષા કરતો રહેશે. એની પોતાની જાતની સાચી ઓળખ વિના સફળતા હાથ લાગે કઈ રીતે ?
કુમારપાળ દેસાઈ