નિષ્ફળતાના માર્ગ પર સફળતા વસે છે


વિષાદ, ઉદાસી અને નિષ્ફળતા આવતાં આત્મવિશ્વાસ ડગવા માંડે છે. વિષાદને કારણે જગત દુ:ખમય લાગે છે. ઉદાસીનતાને લીધે બધું જ વ્યર્થ ભાસે છે અને નિષ્ફળતા એને નિષ્કર્મણ્યતા તરફ દોરી જાય છે. આવી કટોકટીની ક્ષણે કોઈ સફળ માનવીના જીવનનો વિચાર કરવો જોઈએ. સફળ માનવીઓ વિશે આપણો ખ્યાલ એવો છે કે  એ હંમેશાં સફળ જ રહ્યા છે. એમની પ્રત્યેક સિદ્ધિ એ એમને મળેલી અવિરત સફળતાનું પરિણામ છે. એમનો ભૂતકાળ અને વર્તમાનકાળ બધા જ સફળતાથી ભરપૂર છે, પરંતુ સફળ માનવીનું જીવન જરા ઊંડાણથી જોશો તો ખ્યાલ આવશે કે એની પ્રત્યેક સફળતા પાછળ કેટલીય નિષ્ફળતા છુપાયેલી છે ! હતાશા, વિષાદ અને સંઘર્ષ સામેની કેટલીય મથામણો બાદ એમણે સફળતા મેળવી છે. સફળતા-પ્રાપ્તિ એ તો એમની એક લાંબી સફરનો અંતિમ પડાવ છે. આને માટે નિષ્ફળતા, ભૂલ, પરાજય અને પછડાટની પ્રક્રિયામાંથી પસાર થવું જરૂરી છે. આત્મવિશ્વાસની કટોકટીની ક્ષણોમાં સફળ માનવીના જીવનનો સાચો તાગ મેળવીએ તો આત્મવિશ્વાસ ખંડિત નહીં થાય, બલકે આવી નિર્બળ ક્ષણોનો સામનો કઈ રીતે કરવો એનો નવો મંત્ર મળી રહેશે. સફળ માનવીએ સફળતા પૂર્વે અનુભવેલી નિષ્ફળતા જાણવાથી એ સમજાશે કે આવી નિષ્ફળતાથી હતાશ થવાની જરૂર નથી. મહાન ખેલાડીઓ રમવા જતી વખતે કદી નિષ્ફળતાનો ડર સેવતા નથી. એમને ખ્યાલ છે કે સફળતાના માર્ગમાં નિષ્ફળતા તો આવતી જ રહે ! નિષ્ફળતાને સાથે રાખીને એ આગળ વધતો રહે છે અને એ માર્ગે ચાલીને જ સફળતા પામે છે. નિષ્ફળતાના અનેક અલ્પવિરામ પછી સફળતાનું પૂર્ણવિરામ પ્રાપ્ત થાય છે.

કુમારપાળ દેસાઈ