જ. ૨૬ એપ્રિલ, ૧૮૯૭ અ. ૧૪ એપ્રિલ, ૧૯૮૬

ફિલ્મદિગ્દર્શક, સિનેમેટોગ્રાફર અને પટકથાલેખક નીતિન બોઝને બાળપણથી જ ફોટોગ્રાફીમાં રસ હતો. પિતા હેમેન્દ્રમોહન બોઝ ઉદ્યોગપતિ હતા, જે સત્યજિત રેના ભત્રીજા હતા અને માતા મૃણાલિની લેખક ઉપેન્દ્રકિશોર રે ચૌધરીનાં બહેન હતાં. નીતિન બોઝે બેલ્જિયમના સમ્રાટની ભારત મુલાકાત આધારિત બનાવેલી દસ્તાવેજી ફિલ્મનું સૌપ્રથમ વાર દિગ્દર્શન કર્યું હતું. તેમણે જયગોપાલ પિલ્લઈની ‘પુનર્જન્મ’ ફિલ્મથી સિનેમેટોગ્રાફર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. એ પછી તેઓ ન્યૂ થિયેટર્સમાં મુખ્ય ટૅકનિકલ સલાહકાર અને કૅમેરા વિભાગના વડા તરીકે જોડાયા. એમણે બંગાળી અને હિન્દી બંનેમાં દ્વિભાષી ફિલ્મો બનાવી. ત્યારબાદ મુંબઈ ગયા અને બૉમ્બે ટૉકીઝ અને ફિલ્મિસ્તાનના બૅનર હેઠળ દિગ્દર્શન કાર્ય કર્યું. ૧૯૩૫માં તેમણે ફિલ્મ ‘ભાગ્યચક્ર’માં સૌપ્રથમ વખત પાર્શ્વગાયનનો પ્રયોગ કર્યો, જે અત્યંત સફળ નીવડ્યો. આ ફિલ્મ હિન્દીમાં ‘ધૂપછાંવ’ નામે બનાવવામાં આવી, જે પાર્શ્વગાયનવાળી પ્રથમ હિન્દી ફિલ્મ હતી. તેમના દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ગંગા-જમના’ આજે પણ ભારતીય સિનેમાની સર્વકાલીન બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક ગણાય છે. તેમની ‘દુશ્મન’, ‘મિલન’, ‘દીદાર’, ‘કઠપૂતલી’ જેવી ફિલ્મો સુપરહિટ નીવડી હતી. નીતિન બોઝને ૧૯૬૧માં ‘ગંગા-જમના’ માટે દ્વિતીય શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે મેરિટ પ્રમાણપત્ર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત થયો હતો. તેમને ૧૯૭૭માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અનિલ રાવલ