જ. ૨૪ માર્ચ, ૧૯૦૨ અ. ૨ જાન્યુઆરી, ૧૯૮૪

‘પશ્ચિમ ઓડિશાના ગાંધી’ તરીકે જાણીતા નૃસિંહ ગુરુનો જન્મ સંબલપુરના ગુરુપાલી ગામમાં થયો હતો. તેઓ સમર્પિત દેશભક્ત અને સ્વાતંત્ર્યસેનાની હતા. ૧૯૨૧માં જ્યારે તેઓ ૧૧મા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે અસહકાર આંદોલનમાં જોડાઈ ગયા. તેમણે જ્યાં સુધી ભારતને આઝાદી ન મળે ત્યાં સુધી સરકારી શાળામાં અભ્યાસ ન કરવાનો નિર્ણય મિત્રો સાથે મળીને લીધો. તે સમયે સમગ્ર દેશમાં આ પ્રકારની આ પ્રથમ ઘટના હતી. આ વાત સમાચારપત્રોમાં છપાતાં ઘણા રાષ્ટ્રીય નેતાઓ તેનાથી પ્રભાવિત થયા અને તેમનું મનોબળ વધારવામાં મદદ કરી. તેમણે પોતાની કારકિર્દી ત્યાગી, સમગ્ર તાકાત સ્વતંત્રતાસંગ્રામને આગળ ધપાવવામાં લગાડી દીધી. તેમણે ઘેર ઘેર જઈને ખાદીનો અને અસ્પૃશ્યતાનિવારણનો પ્રચાર કર્યો. તેમણે શરાબ અને અફીણ વિરોધી અભિયાનનું નેતૃત્વ કર્યું. ચંદ્રશેખર બેહરા દ્વારા સ્થાપિત ‘હરિજન સેવક સંઘ’ના તેઓ સચિવ હતા અને સંબલપુરના હરિજન છાત્રાવાસની દેખભાળ કરતા હતા. ૧૯૪૨માં તેમની ભારતરક્ષા અધિનિયમ હેઠળ ધરપકડ કરવામાં આવી અને તેમના પર ખોટો મુકદ્દમો ચલાવવામાં આવ્યો. તે પછી તેમને છોડવામાં આવ્યા. ફરી તેમની ધરપકડ કરી. ૧૯૪૪ સુધી જેલમાં રાખવામાં આવ્યા. સ્વતંત્રતા બાદ તેઓ રાજનીતિક ગતિવિધિઓથી અલિપ્ત થઈ ગયા અને પત્રકારત્વક્ષેત્રે સક્રિય બન્યા. તેમણે આર્થિક લાભ ખાતર નહીં, પરંતુ રાષ્ટ્રની સેવાના માધ્યમ તરીકે આ વ્યવસાય સ્વીકાર્યો. તેમણે ‘સમાજ’ અખબારને પશ્ચિમ ઓડિશામાં આમજનતાનું અખબાર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. તેમને ઍસોશિએટેડ પ્રેસ ઑવ્ ઇન્ડિયાના રિપોર્ટર તરીકેની નિયુક્તિ મળી હતી. થોડા સમય માટે તેમણે સંબલપુરથી પ્રકાશિત સાપ્તાહિક ‘જાગરણ’ના સંપાદક તરીકે કામ કર્યું. વાસ્તવમાં ગાંધીવાદી સિદ્ધાંતોના પ્રત્યક્ષ અવતાર સમા નૃસિંહ ગુરુ સાચા અર્થમાં ‘પશ્ચિમ ઓડિશાના ગાંધી’ કહેવાયા છે તે યથાર્થ છે.
શુભ્રા દેસાઈ