જ. ૭ એપ્રિલ, ૧૯૨૦ અ. ૧૧ ડિસેમ્બર, ૨૦૧૨

ભારતીય શાસ્ત્રીય સંગીતના જાણીતા સિતારવાદક અને સંગીતજ્ઞ તરીકે પંડિત રવિશંકર જગમશહૂર છે. એમણે ભારતીય શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ ઉસ્તાદ અલ્લાઉદ્દીનખાં પાસેથી પ્રાપ્ત કર્યું હતું. એમણે વિશ્વભરના કેટલાય મહત્ત્વના સંગીત ઉત્સવોમાં ભાગ લીધો હતો.
પંડિત રવિશંકરનો જન્મ એક બંગાળી પરિવારમાં થયો હતો. ૧૯૪૪માં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી સત્યજિત રેલિખિત ફિલ્મ ‘અપુ ટ્રાયોલૉજી’ માટે સંગીત આપ્યું હતું. ૧૯૪૯થી ૧૯૫૬ સુધી ઑલ ઇન્ડિયા રેડિયો, નવી દિલ્હી ખાતે સંગીતનિર્દેશક તરીકે તેમણે સેવા આપી હતી. બ્લૉકબસ્ટર ‘ગાંધી’ (૧૯૮૨) ફિલ્મના અનુસંધાને એકૅડેમી ઍવૉર્ડ માટે તેમને નામાંકિત કરવામાં આવ્યા હતા.
વિશ્વવિખ્યાત ગિટારવાદક જ્યૉર્જ હેરિસન સાથેના તેમના સંપર્કથી ૧૯૬૦ના દાયકાના ઉત્તરાર્ધમાં પશ્ચિમી પોપ સંગીતમાં ભારતીય વાદ્યોનો ઉપયોગ લોકપ્રિય બન્યો હતો. સિતાર અને અન્ય ઑર્કેસ્ટ્રા માટે રચનાઓ લખીને તેઓ પશ્ચિમી સંગીતમાં જોડાયા હતા. ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં તેમણે વિશ્વભરનો પ્રવાસ કર્યો હતો. ૧૯૮૮માં મૉસ્કોમાં તેમણે ૧૪૦ સંગીતકારો સાથે પર્ફૉર્મ કર્યું હતું. ૧૯૮૯માં તેમણે નૃત્યનાટક ‘ઘનશ્યામ’ રચ્યું હતું. સમકાલીન સંગીતકાર ફિલિપ ગ્લાસ સાથે તેમણે ૧૯૯૦માં ટેન્જેરીન ડ્રીમ બૅન્ડના પીટર બૌમન દ્વારા શરૂ કરાયેલા પ્રોજેક્ટમાં ‘પૅસોજીસ નામનું આલબમ બહાર પાડ્યું હતું.
પંડિત રવિશંકરે ૧૯૬૮માં ‘માય મ્યુઝિક, માય લાઇફ’ નામની આત્મકથા લખી હતી. ૧૯૯૭માં તેમણે ‘રાગમાલા’ નામે બીજી આત્મકથા લખી હતી. તેમણે ૧૯૮૬થી ૧૯૯૨ સુધી રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી હતી.
પંડિત રવિશંકરને નાનાંમોટાં ૨૫થી વધુ સરકારી અને શૈક્ષણિક સન્માનો અને કલા-પુરસ્કારો પ્રાપ્ત થયાં હતાં. ભારત સરકારે તેમને ૧૯૬૭માં પદ્મભૂષણ, ૧૯૮૧માં પદ્મવિભૂષણ અને ૧૯૯૯માં ભારતરત્નથી નવાજ્યા હતા.
અશ્વિન આણદાણી