જ. ૨૫ ડિસેમ્બર, ૧૮૬૧ અ. ૧૨ નવેમ્બર, ૧૯૪૬
મહાન દેશભક્ત, બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક અને વરિષ્ઠ પત્રકાર મદનમોહન માલવીયનો જન્મ અલ્લાહાબાદમાં થયો હતો. પિતા વ્રજનાથ અને માતા મૂનાદેવી. બાળપણથી જ તેઓ સંસ્કૃતના શ્લોકો શીખવા માંડ્યા હતા. બારમે વર્ષે તો સંસ્કૃત ભાષા પર પ્રભુત્વ મેળવી લીધું. સ્નાતક થયા બાદ સૌપ્રથમ તેમણે શિક્ષક તરીકેની કારકિર્દી શરૂ કરી. ત્યારબાદૃ ‘હિન્દુસ્તાન’ નામના હિંદી સાપ્તાહિકના તંત્રી બન્યા. બે વર્ષ બાદ તેને દૈનિક બનાવ્યું. ‘ઇન્ડિયન યુનિયન સાપ્તાહિક’ના પણ તંત્રી બન્યા. ૧૮૯૧માં એલએલ.બી.ની પરીક્ષા પસાર કરી અને ૧૮૯૩થી વડી અદાલતમાં વકીલાત શરૂ કરી. તેઓ ઉત્તમ વકીલ તરીકે ખ્યાતિ પામ્યા. કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચાર વાર તેમની વરણી થઈ હતી. ૧૯૦૬માં હિંદુ મહાસભાની સ્થાપના કરવામાં સહકાર આપ્યો. ૧૯૦૯માં વકીલાત છોડી દીધી, તે છતાં પણ ચૌરીચૌરાના બનાવમાં ભાગ લેનારામાંથી ૧૫૩ વ્યક્તિઓને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કરાવવા માટે મહત્ત્વનો ફાળો આપ્યો. લોકોમાં જાગૃતિ આણવા માટે તથા સમાજની સેવા કરવાના હેતુથી હિંદી ભાષામાં ‘અભ્યુદય’ નામનું સાપ્તાહિક, હિંદી માસિકો અને અંગ્રેજી દૈનિક ‘લીડર’ શરૂ કર્યાં. દેશના ઔદ્યોગિક વિકાસમાં પણ તેમણે ઊંડો રસ લીધો હતો. ૧૯૧૮માં રાષ્ટ્રીય કૉંગ્રેસ અધિવેશન સમયે ‘સત્યમેવ જયતે’ સૂત્ર આપ્યું. હરિદ્વારમાં હરકી પૌડીના ઘાટ પર ગંગામૈયાની આરતીની શરૂઆત તેમણે કરાવેલી. ૧૯૨૪થી તેઓ કેન્દ્રની ધારાસભાના સભ્ય હતા. ૧૯૨૦માં રાજીનામું આપી, ગાંધીજીએ શરૂ કરેલી સવિનય કાનૂનભંગની ચળવળમાં જોડાયા. બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપના માટે તેમણે અથાગ પરિશ્રમ અને અવિરત પુરુષાર્થ કરી વિપુલ ધનરાશિ એકત્રિત કરી. ૧૯૧૯થી ૧૯૩૮ સુધી આ યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે કાર્યરત રહ્યા. તેમણે હિન્દુ સંસ્કૃતિના રક્ષણ અને સંવર્ધન માટે ઘણું કામ કર્યું. તેઓ મહિલા ઉત્કર્ષના અને આંતરજ્ઞાતીય લગ્નોના હિમાયતી હતા. તેમનું અંગત જીવન શુદ્ધ, સાદગીમય અને પવિત્ર હતું.૧૯૬૧ અને ૨૦૧૧માં એમ બે વાર ભારતીય ટપાલખાતાએ તેમની ટિકિટો બહાર પાડેલી. ૨૦૧૪માં તેમને ‘ભારતરત્ન’(મરણોત્તર)થી સન્માનવામાં આવ્યા હતા.
શુભ્રા દેસાઈ