પં. શિવકુમાર શર્મા


જ. ૧૩ જાન્યુઆરી, ૧૯૩૮ અ. ૧૦ મે, ૨૦૨૨

હિંદુસ્તાની શાસ્ત્રીય રાગોને સૌપ્રથમ સંતૂરવાદ્ય પર વગાડનાર ભારતના મહાન સંતૂરવાદક પં. શિવકુમાર શર્માનો જન્મ જમ્મુમાં ગાયક પિતા ઉમાદત્ત શર્માને ત્યાં થયો હતો. કુશળ ગાયક અને તબલાં તથા દિલરુબાના નિષ્ણાત પિતા પાસેથી માત્ર ૭ વર્ષની ઉંમરથી શિવકુમાર શર્માએ કંઠ્યસંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું અને રિયાઝ દ્વારા રાગ-રાગિણીઓનો પરિચય કરવા માંડ્યો. તેમણે તબલાં, સરોદ અને સિતારવાદનમાં પણ કુશળતા મેળવી, પરંતુ સંતૂરવાદ્ય પર વધારે રુચિ ધરાવનાર શર્માજીએ તેમનું સમગ્ર કૌશલ્ય સંતૂરવાદનમાં કેન્દ્રિત કર્યું. સંતૂરવાદ્ય મૂળ કાશ્મીરનું છે. પ્રાચીન વાદ્ય ‘શતતંત્રી વીણા’માં રહેલા ૧૦૦ તારમાં અનુરૂપ ફેરફારો કરીને તેમાં કુલ ૧૧૬ તાર લગાવીને પિતા-પુત્રએ હિંદુસ્તાની શાસ્ત્રીય રાગોને સંતૂર જેવા લોકવાદ્યમાં ઝાલા, જોડ તથા ગતકારી અસરકારક રીતે વગાડી શકાય તે પ્રકારનું સક્ષમ બનાવ્યું. સંતૂરવાદનના તેમના રેડિયો ઉપર આપેલા કાર્યક્રમોમાં સંતૂરના મધુર સ્વરોએ ભારતના લોકોનાં દિલ જીતી લીધાં. ૧૯૫૫માં મુંબઈમાં સ્વામી હરિદાસ સંગીત સંમેલનમાં તેમના પ્રથમ જાહેર કાર્યક્રમને લોકોએ ખૂબ વખાણ્યો. પછીથી તેમના સંતૂરના સુમધુર સ્વરનો આસ્વાદ ભારતનાં નાનાંમોટાં શહેરો ઉપરાંત વિદેશોના લોકોને પણ માણવા મળ્યો. સૂર અને સ્વર પર મજબૂત પકડ ધરાવનાર પં. શિવકુમાર શર્માની સંતૂરના શ્રેષ્ઠતમ વાદક તરીકેની કીર્તિ ચોમેર વ્યાપી ગઈ. હિન્દી ફિલ્મો ‘ઝનક ઝનક પાયલ બાજે’, ‘સિલસિલા’, ‘લમ્હે’, ‘ડર’માં તેમનું મધુર સંતૂરવાદન લોકોને સાંભળવા મળ્યું. તેમના આલબમ ‘કૉલ ઑફ ધ વેલી’એ ખૂબ લોકચાહના પ્રાપ્ત કરી છે. સંતૂરવાદ્યને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવવાનું સમગ્ર શ્રેય પં. શિવકુમારને ફાળે જાય છે. ફિલ્મ પુરસ્કારો ઉપરાંત ૧૯૮૬માં ‘સંગીત નાટક અકાદમી પુરસ્કાર, ૧૯૯૧માં ‘પદ્મશ્રી’ અને ૨૦૦૧માં ‘પદ્મવિભૂષણ’ની પદવીઓથી તેઓ સન્માનિત થયા છે.

પ્રીતિ ચોકસી