સાધક બોધિધર્મ પાસે એક યુવાને આવીને પૂછ્યું, ‘ગ્રંથો ઘણા વાંચ્યા, સંતોનાં ચરણ સેવ્યાં. ઘણું ઘણું કર્યું, કિંતુ એક પ્રશ્ન આજ લગી અનુત્તર રહ્યો છે.’
બોધિધર્મે કહ્યું, ‘કયો પ્રશ્ન તમને આટલા બધા કાળથી પરેશાન કરે છે ?’
યુવાને કહ્યું, ‘‘મારી એક જિજ્ઞાસા આજ લગી વણછીપી રહી છે અને તે એ કે ‘હું કોણ છું ?’ એ પ્રશ્નનો ઉત્તર અથાગ પ્રયત્નો કરવા છતાં પામ્યો નથી.’’
બોધિધર્મે આ સાંભળતાં જ હાથ ઉગામ્યો અને યુવકને જોરથી થપ્પડ મારીને કહ્યું, ‘ચાલ્યો જા અહીંથી. આવા બેહૂદા પ્રશ્નો કરી મારો સમય વેડફીશ નહીં.
યુવક વિચારમાં પડ્યો. જ્ઞાની અને સાધક એવા બોધિધર્મનું વર્તન અકળ લાગ્યું. પ્રશ્નના પ્રત્યુત્તરમાં આવી થપ્પડ !
યુવક બીજા સાધક પાસે ગયો અને એને કહ્યું, ‘‘બોધિધર્મ તો કેવા છે ! મેં સીધો-સાદો પ્રશ્ન પૂછ્યો કે ‘હું કોણ છું ?’ અને જવાબમાં એમણે થપ્પડ લગાવી. કેવું કહેવાય ?’’
બીજા સાધકે તો એથીય વધુ આક્રોશપૂર્વક કહ્યું, ‘બોધિધર્મે તો તને થપ્પડ લગાવી, પણ તેં મને આવો પ્રશ્ન કર્યો હોત તો આ મોટો ડંડો જ ફટકાર્યો હોત.’
યુવકની મૂંઝવણ ઓર વધી ગઈ. એ પુન: બોધિધર્મ પાસે ગયો અને કહ્યું, ‘મને આપની ઉત્તર આપવાની રીત અકળ લાગી. મારી જિજ્ઞાસાના ઉત્તરમાં તમે થપ્પડ મારી તે કેવું કહેવાય ? આપના જેવા જ્ઞાની પાસેથી જિજ્ઞાસાનું સમાધાન મળે, તમાચો નહીં.’
બોધિધર્મે સ્પષ્ટતાપૂર્વક કહ્યું, ‘હવે આટલેથી તું અટકી જા. હવે ફરી એ પ્રશ્ન પૂછતો નહીં. નહીં તો કાલે થપ્પડ મળી હતી, આજે એનાથીય વધુ આકરો જવાબ મળશે.’
જિજ્ઞાસુ યુવક ગભરાઈ ગયો. એને સમજાયું નહીં. બોધિધર્મને પૂછ્યું, ‘મારી જિજ્ઞાસાનો આવો જવાબ મળે છે તેનું કારણ કૃપા કરીને મને કહો.’
બોધિધર્મે કહ્યું, ‘‘ભન્તે, જે પ્રશ્ન તારે પોતાની જાતને પૂછવો જોઈએ, તે તું બીજાને પૂછે છે. તારી જાતને પૂછ કે ‘હું કોણ છું ?’ અને ભીતરમાંથી જ તને પ્રત્યુત્તર મળશે. એ ભીતરનો અવાજ સાંભળ એટલે તને તારા પ્રશ્નનો આપોઆપ ઉકેલ મળશે.’’
માણસ પોતાને વિશે જાણવા માટે બહાર કેટલું બધું ફરે છે ! ‘માંહ્યલા’ની ઓળખ માટે એ ભીતરમાં જવાને બદલે આસપાસ જગતમાં ઘૂમે છે. અન્ય પાસેથી પોતાના વિશેના અભિપ્રાયો ઉઘરાવે છે. સતત અન્યની નજરે સ્વયંને જોતો રહે છે. બીજાની ફૂટપટ્ટીથી પોતાની ઊંચાઈ માપવા કોશિશ કરે છે. પરિણામે એ સતત બાહ્ય જગતમાં એના તોલ-માપના ત્રાજવે પોતાની જાતને ઓળખે છે. હકીકતમાં જાતને ઓળખવા માટે એની પાસે બાહ્યદૃષ્ટિ નહીં, કિંતુ આંતરદૃષ્ટિ જોઈએ. એ આંતરદૃષ્ટિથી જ એ પોતાની જાતને પૂરેપૂરી જાણી શકે છે અને ‘હું કોણ છું ?’ તેનો ઉત્તર પામી શકે છે.
કુમારપાળ દેસાઈ