પહેલાં શ્રોતા બનીએ, પછી સમીક્ષક


શ્રવણ એ કલા છે. એકાગ્રતા સાધવાનો યોગ છે. લીન થવાની પ્રક્રિયા છે. શ્રોતા તરીકેનો પરમ ધર્મ છે. શ્રવણની ગરિમા ભૂલીને આપણે એને મનોરંજનનું માધ્યમ કે ટાઇમપાસનું સાધન બનાવ્યું છે. પરિણામે કાનથી સાંભળીએ છીએ ખરા, પણ ચિત્તમાં કશું પહોંચતું નથી ને આત્મા તો સાવ અસ્પૃશ્ય રહે છે.

બોલવાની કળા કરતાં સાંભળવાની કળા વધુ મુશ્કેલ અને વધુ મહત્ત્વની છે. વાણીની કલામાં વ્યક્તિની આંતરચેતનાની અભિવ્યક્તિ હોય છે, જ્યારે શ્રવણકલામાં વ્યક્તિની આંતરસ્થિતિની કસોટી હોય છે. ઘણી વાર સવાલ થાય કે સભામાં બેઠેલી વ્યક્તિ સાંભળે છે ખરી ? એના કાન ખુલ્લા હોય, પણ બેધ્યાન હોવાને કારણે એ બહેરા કાનવાળો બની જાય છે ! ક્યારેક એ સાંભળે છે ખરો, પરંતુ મનમાં એ વ્યક્તિના શબ્દો કે વિચારો પામવાનો પ્રયાસ કરવાને બદલે માત્ર એ વ્યક્તિના ગુણદોષ વિશે ચિંતન કરતો હોય છે. ઘણી વ્યક્તિઓ શ્રોતા હોતી નથી, બલકે સમીક્ષક હોય છે. એ સામી વ્યક્તિની વાતને મનમાં બરાબર ઉતારવાને બદલે એની મનોમન સમીક્ષા કરતી હોય છે. એના દોષો ખોળતી જાય છે. એ એમ કરવા જતાં ધીરે ધીરે સભાસ્થાને બેઠી હોવા છતાં પ્રવચનથી સાવ વિમુખ બની જાય છે. શ્રોતાને એક અદકો લાભ એ મળે છે કે સામી વ્યક્તિના સમગ્ર સંવિતને એના એકાદ કલાકના પ્રવચનમાં પામી શકે છે. વક્તાના કેટલાંય વર્ષોના અનુભવોનું નવનીત એને થોડા કલાકમાં મળી જાય છે. આવું હોવા છતાં બહુ ઓછી વ્યક્તિઓ પૂર્ણ રૂપે શ્રોતા બને છે. શ્રોતાધર્મ બજાવવા ઇચ્છનારે સામી વ્યક્તિના શબ્દો અને વિચારોને પૂર્ણપણે પામવાનો પ્રયાસ કરવો જોઈએ, તો જ એની વિચારસૃષ્ટિ પામવાનો પૂર્ણ લાભ પ્રાપ્ત થાય.

કુમારપાળ દેસાઈ