પારકી આંખમાંથી પ્રેમી જોતો


હોય છે ——

પ્રેમનું એક રૂપ છે સુખની શોધ અને એનું બીજું રૂપ છે સુખનું સમર્પણ. વ્યક્તિ પ્રેમ પામવા નીકળે ત્યારે જો એના દ્વારા સુખ પામવા નીકળશે તો એની પાછળ એની ‘ઇચ્છા’ નિહિત હોય છે. એ સુખ પ્રાપ્ત થાય તો એના પ્રેમને આનંદ થાય છે અને સુખ ન મળે તો મનને ઉદાસી થાય છે. પ્રાપ્તિની આશાએ થયેલો પ્રેમ સદાય વણછીપ્યો રહે છે અને એમાં સતત ભરતી-ઓટ આવતાં રહે છે. પ્રેમી દ્વારા થતી સુખની શોધ ક્યારેક પ્રાપ્તિની આકાંક્ષામાં પરિવર્તિત થઈ જાય છે અને જો એ પ્રાપ્તિ ન થાય તો પ્રેમ શૂન્ય બની જાય છે. પ્રેમી બેચેન થઈ જાય છે અને પ્રેમમાં વિસંવાદ ઊભો થાય છે.

પ્રેમનો બીજો પ્રકાર તે પ્રાપ્તિનો નહીં, પણ સમર્પણનો છે. જ્યાં વ્યક્તિ સર્વસ્વ સમર્પિત કરીને પ્રેમ કરે છે. એ સમયે એના પ્રેમમાં કોઈ સ્વાર્થ, પ્રાપ્તિ કે ઉદ્દેશ હોતાં નથી. પ્રેમનો અનુભવ એ જ એની મુખ્ય બાબત હોય છે અને એથી એ પ્રેમનો જેમ જેમ અનુભવ મેળવતો જાય છે, તેમ તેમ બે વ્યક્તિ વચ્ચેનો હૃદયસ્પર્શ થતો જાય છે. આવો પ્રેમ એ કોઈ માગણી પર આધારિત નથી. કોઈ અપેક્ષા પર જીવતો નથી. એ વિચારે છે કે જીવનમાં પ્રાપ્તિ કે અપ્રાપ્તિ એ બધાની પાછળ કોઈ કારણ હોય તો તે પોતે છે, પોતાનો પ્રેમી નહીં. સ્વજીવનની નિષ્ફળતા, અતૃપ્તિ કે અજંપાને માટે એ પોતાને દોષ આપશે, પોતાના પ્રેમને કે  પ્રિયજનને નહીં !

પ્રેમીની આંખમાં પ્રિયજન વસતો નથી, પણ પ્રિયજનની આંખથી પ્રેમી જોતો હોય છે. મિલનની ઝંખના કે વિરહની વેદનાની બંને સમાન રૂપે પીડા અનુભવે છે, વત્તી-ઓછી નહીં. આથી જ પ્રેમને સ્થળ-કાળ કે રૂપ-રંગની મર્યાદા નડતી નથી. આકાશે સૂર્ય ઊગે અને ધરતી પર સૂરજમુખી ખીલે, એવી સાહજિક આ ઘટના છે.

કુમારપાળ દેસાઈ