છત્રપતિ શિવાજીના મુખ્ય સલાહકાર અને સેનાપતિ પેશ્વા બાજીરાવ હતા. એક વીરપુરુષ તરીકે તેઓ જેટલા પ્રસિદ્ધ હતા, એટલી જ ખ્યાતિ એક સજ્જન પુરુષ તરીકે તેમને વરી હતી. પરાક્રમી બાજીરાવ પેશ્વાએ માળવા પર આક્રમણ કરીને વિશાળ પ્રદેશ પર વિજય મેળવ્યો. યુદ્ધવિજય બાદ એમની સેના પાછી ફરતી હતી, ત્યારે રસ્તામાં સેના માટેનું અનાજ ખૂટી પડ્યું. એમણે સેનાના એક સરદારને સૈનિકો સાથે જઈને આસપાસનાં ખેતરમાંથી અનાજ લાવવા કહ્યું. સરદાર અને એના સૈનિકો ચોપાસ ઘૂમતા હતા, પણ હમણાં જ યુદ્ધ થયું હોવાથી ચોતરફ વિનાશ વેરાયેલો હતો. ઘણું શોધવા છતાં સરદાર અને સૈનિકોને ક્યાંય અનાજ મળ્યું નહીં. સરદાર ગુસ્સે ભરાયો. એવામાં એણે એક વૃદ્ધ ખેડૂતને આવતો જોયો. એને બોલાવીને રોફથી કહ્યું, ‘અરે, અમે બાજીરાવ પેશ્વાના બહાદુર સૈનિકો છીએ. વિજય મેળવીને પાછા ફરી રહ્યા છીએ, પરંતુ અમારી પાસેનું અનાજ ખૂટી ગયું છે. ચાલ, અમને કોઈ સરસ ખેતર બતાવ કે જે ધાન્યથી ભરપૂર હોય. સરદાર અને એના સૈનિકો વૃદ્ધની સાથે ચાલ્યા. થોડેક દૂર ગયા અને સરદારે જોયું તો એક ખેતરમાં સુંદર પાક થયો હતો. એ જોઈને સરદારે સૈનિકોને કહ્યું, ‘જાઓ આ ખેતરમાં અને ઘઉં લઈ આવો.’ આ સાંભળી પેલા વૃદ્ધે સરદારને અટકાવતાં કહ્યું, ‘અરે ! આનાથી પણ એક સરસ મજાનું ખેતર છે. એમાં અનાજનો પાર નથી. એટલું બધું અનાજ પાક્યું છે કે તમે પ્રસન્ન થઈ જશો. ખાધે ખૂટશે નહીં તેટલું અનાજ છે.’ આમ કહી એ વૃદ્ધ સેના અને સરદારની સાથે આગળ ચાલવા લાગ્યો. થોડેક દૂર ગયા પછી એણે એક વિશાળ ખેતર બતાવ્યું. આ જોઈને સરદાર તાડૂકી ઊઠ્યો. એણે કહ્યું, ‘અલ્યા, કોઈ દગો તો કરતો નથી ને ! ક્યાં પેલું ખેતર અને ક્યાં આ ખેતર ! અહીં અનાજ છે, પણ પેલા ખેતર જેટલું નથી.’ વૃદ્ધે નમ્રતાથી કહ્યું, ‘સરદાર, હકીકતમાં અગાઉ જોયેલું ખેતર એ અન્યનું ખેતર હતું. જ્યારે આ મારું પોતાનું ખેતર છે. મારા ખેતરનું અનાજ ચાલ્યું જાય તો કોઈ વાંધો નથી, પરંતુ મારાથી બીજાને હાનિ પહોંચાડી શકાય નહીં. મારા ખેતરમાંથી ઇચ્છો તેટલો પાક લઈ લો.’ આ વૃદ્ધ ખેડૂતને લઈને સરદાર બાજીરાવ પેશ્વા પાસે આવ્યા અને એમને આખી ઘટના કહી. બાજીરાવ પેશ્વા વૃદ્ધના હૃદયની વિશાળતા અને પરોપકારપરાયણતા પર પ્રસન્ન થઈ ગયા. એેમણે કહ્યું, ‘આવી પરોપકારી વ્યક્તિ જ રાજ્યનો પાયો છે. જે પારકાને બચાવવા માટે પોતાનું સઘળું હોમવા તૈયાર થતી હોય. આ વૃદ્ધ ખેડૂતને મારું મંત્રીપદ આપું છું.’ સમય જતાં એ વૃદ્ધ એ બાજીરાવના પ્રસિદ્ધ મંત્રી રામશાસ્ત્રીના નામથી જાણીતા બન્યા.
એ જ વ્યક્તિ જીવન સાર્થક કરે છે, જે ‘પીડ પરાઈ જાણે’ છે. એ જ સ્વાર્થની સંકુચિત દીવાલ તોડીને પરમાર્થના વિરાટ ગગનમાં વિહરે છે.
કુમારપાળ દેસાઈ